Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક ટીનેજરે BMCનાં ૯૦ લાખનાં કામોમાં ગોલમાલ શોધી કાઢી

એક ટીનેજરે BMCનાં ૯૦ લાખનાં કામોમાં ગોલમાલ શોધી કાઢી

Published : 04 October, 2025 07:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગેરરીતિની ફરિયાદોને BMCએ દાદ ન આપી તો ૧૯ વર્ષની આયમાન શેખે ન્યાયાલયના દરવાજા ખખડાવ્યા, હાઈ કોર્ટે BMCનો ઊધડો લઈને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પિતાના મિત્રનું રોડ પર પડેલા ખાડાને કારણે મૃત્યુ થયા પછી ઘાટકોપર-વેસ્ટના નિત્યાનંદનગરમાં રહેતી ૧૯ વર્ષની આયમાન શેખે પબ્લિક ઍડ્‍મિનિસ્ટ્રેશનમાં ઊંડા ઊતરવાનું નક્કી કર્યું હતું. ત્યારથી તેણે રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ અરજી કરીને મુલુંડના પાંચ અલગ-અલગ રસ્તાનાં કામોમાં થયેલો આશરે ૯૦ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર પાડ્યો હતો. આ મામલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ તેની ફરિયાદ સામે આંખ આડા કાન કર્યા હતા. અંતે આયમાન શેખે હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જેની નોંધ લઈને મંગળવારે હાઈ કોર્ટે BMCને આરોપોની તપાસ કરવા માટે ઍડિશનલ કમિશનર વિજિલન્સ અને ચીફ એન્જિનિયરની બનેલી બે સભ્યોની સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો.

૪ વર્ષથી ચલાવે છે લડત



પવઈની એસ. એમ. શેટ્ટી કૉલેજમાંથી બૅચલર ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ (BMS)ની ડિગ્રી મેળવીને ગ્રૅજ્યુએટ થયેલી આયમાન શેખ છેલ્લાં ૪ વર્ષથી BMCના અધિકારીઓ પાસે રોડના કામમાં થયેલી ગેરરીતિ વિશે જવાબો માગી રહી છે. આયમાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પિતા મેહમૂદ શેખના નજીકના એક મિત્રનું ૨૦૧૮માં વિક્રોલી રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એમાં વધુ તપાસ કરતાં તેમનું મૃત્યુ રસ્તા પર પડેલા ખાડાને કારણે થયું હોવાની જાણકારી મળી હતી. ત્યાર બાદ મારા પિતાએ સતત રસ્તાનાં ખરાબ કામો અંગે BMCમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે મારા પિતાનું ઇંગ્લિશ નબળું હોવાથી તેમને આગળ લડવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૨૧ની શરૂઆતમાં મેં કૉલેજનો અભ્યાસ શરૂ કર્યો ત્યારથી પપ્પાની મદદ કરીને BMCની રસ્તાના કામમાં થતી બેદરકારી સામે લાવવા માટેના પ્રયાસોને આગળ વધાર્યા હતા.’


પાંચ રસ્તાનાં કામોમાં ગેરરીતિ

કૉલેજની સાથે-સાથે મને પબ્લિક ઍડ્‍મિનિસ્ટ્રેશનમાં રસ પડવા લાગ્યો હતો એમ જણાવીને આયમાન શેખે કહ્યું હતું કે ‘ત્યારે મુલુંડ-વેસ્ટના ઇન્દિરાનગર રોડ, દાદાસાહેબ ગાયકવાડ રોડ, બી. આર. રોડ અને મુલુંડ-ઈસ્ટના બે રસ્તાના કામમાં મોટા પ્રમાણમાં બેદરકારી થઈ હોવાની માહિતી એક મિત્ર પાસેથી મને મળી હતી. એના આધારે મેં વધુ માહિતી મેળવવા મુલુંડના ‘ટી’ વૉર્ડમાં RTI ઍક્ટ હેઠળ અરજી ફાઇલ કરીને ૨૦૨૧માં માહિતી માગી હતી. એમાં શરૂઆતમાં કોઈ જવાબ મને મળ્યો નહોતો. ત્યાર પછી સતત ફૉલોઅપ બાદ તમામ યોગ્ય દસ્તાવેજોની કૉપી મને ૨૦૨૪માં પ્રાપ્ત થઈ હતી. આ માહિતીઓ ખૂબ જ ચોંકાવનારી હતી, કારણ કે તમામ દસ્તાવેજોમાં ભરી-ભરીને ખોટું લખવામાં આવ્યું હોવાની જાણ થઈ હતી. ૨૦૧૮માં GST હોવા છતાં રોડનું કામ કરનાર કૉન્ટ્રૅક્ટરે જૂના ટૅક્સના આધારે બિલિંગ કર્યું હતું. આ ઉપરાંત રોડના કામ માટે વપરાયેલી ૮ ટ્રકમાંથી પાંચ ટ્રકનું રજિસ્ટ્રેશન મોટરસાઇકલના નામે મળી આવ્યું હતું. આ ઉપરાંત બીજી ૩ ટ્રકની તો નોંધણી જ મળી આવી નહોતી, જેના પરથી સ્પષ્ટ થયું હતું કે રસ્તાના કામ માટે આવી કોઈ ટ્રકનો ઉપયોગ નથી થયો. આ સાથે જ ‘ટી’ વૉર્ડના મેઇન્ટેનન્સ વિભાગના સહાયક ઇજનેર દ્વારા વધારાનું બિલ મંજૂર કરવામાં આવ્યું હોવાની માહિતી પણ મને મળી હતી.’


કેમ ટીનેજરે કોર્ટમાં જવું પડ્યું?

મારી પાસે આવેલા તમામ દસ્તાવેજોના આધારે મેં ‘ટી વૉર્ડ, ઈસ્ટર્ન સબર્બ રોડ વિભાગ સહિત BMCના સિનિયર અધિકારીઓને ફરિયાદ કરીને કાર્યવાહી કરવાની માગણી કરી હતી એમ જણાવીને આયમાન શેખે વધુમાં કહ્યું હતું કે ‘જોકે મારી ફરિયાદ સામે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. અંતે મેં હાઈ કોર્ટમાં બે મહિના પહેલાં અરજી દાખલ કરી હતી. મારી અરજીની નોંધ લીધા બાદ મંગળવારે ન્યાયાધીશ રેવતી મોહિતે-ડેરે અને સંદેશ પાટીલની ડિવિઝન બેન્ચે BMCને આરોપોની તપાસ કરવા માટે ઍડિશનલ કમિશનર વિજિલન્સ અને ચીફ એન્જિનિયરની બનેલી બે સભ્યોની સમિતિની રચના કરીને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.’

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK