Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઝાડ પર ચડીને મોબાઇલનું નેટવર્ક શોધવાના ચક્કરમાં વીજળી પડતાં ટીનેજરનું થયું મોત

ઝાડ પર ચડીને મોબાઇલનું નેટવર્ક શોધવાના ચક્કરમાં વીજળી પડતાં ટીનેજરનું થયું મોત

30 June, 2021 11:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દહાણુની આ ઘટનામાં બીજા ત્રણ ટીનેજર પણ ઘાયલ થયા

આ ઝાડ (જમણે) પર ચડ્યા બાદ વીજળી પડતાં એક ટીનેજરે જીવ ગુમાવ્યો ને ૩ જણ જખમી થયા હતા. ઝાડની નીચે તેમનાં ચંપલ પડ્યાં છે

આ ઝાડ (જમણે) પર ચડ્યા બાદ વીજળી પડતાં એક ટીનેજરે જીવ ગુમાવ્યો ને ૩ જણ જખમી થયા હતા. ઝાડની નીચે તેમનાં ચંપલ પડ્યાં છે


દહાણુના ઓસારવીર-માનકરપાડાની સરકારી સ્કૂલના નવમા ધોરણના ૧૭ વર્ષના વિદ્યાર્થી રવિન બચુ કોરડાનું સોમવારે મોડી સાંજે ગામમાં એક ઝાડ પર મોબાઇલ નેટવર્ક મેળવાનો પ્રયાસ કરતી વખતે વીજળી પડતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ ટીનેજરો પણ દાઝી ગયા હોવાથી તેમને ઈજા થઈ હતી અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વીજળી પડતાં શૉક લાગવાને કારણે રવિને સંતુલન ગુમાવતાં તે ઝાડ પરથી ૨૦ ફૂટ નીચે પડ્યો હતો. તેની સાથે અન્ય ત્રણ મિત્રો પણ નીચે પડી ગયા હતા અને તેઓ ફ્રૅક્ચર થવાની સાથે મામૂલી દાઝી ગયા હતા.

દહાણુના તહસીલદાર રાહુલ સારંગેએ જણાવ્યું હતું કે ‘૧૪ વર્ષનો મેહુલ અનિલ માનકર, ૧૪ વર્ષનો દીપેશ સંદીપ કોરડા અને ૧૩ વર્ષનો ચેતન મોહન કોરડા જખમી થયા હતા. આ ત્રણેય પણ મોબાઇલનું નેટવર્ક પકડાય એ માટે ઝાડની ટોચ પર હતા. રવિન એક સરકારી સ્કૂલના નવમા ધોરણમાં ભણતો હતો, જ્યારે અન્ય ત્રણ સાતમા અને આઠમા ધોરણના વિદ્યાર્થી છે. અમે પીડિતને વળતર આપવાની બાબત પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છીએ.’



વાડા-દહાણુ પટ્ટાનાં ગામોના રહેવાસીઓ માટે ઝાડ પર ચડવું સામાન્ય બાબત છે. જોકે તેઓ કોઈ મજા કરવા નહીં, પરંતુ તેમના મોબાઇલ પર સિગ્નલ આવે એ માટે આવું કરતા હોય છે. સ્થાનિક રહેવાસીઓના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓ તેમના રિઝલ્ટની તપાસ કરવા માટે પણ ઝાડ પર ચડે છે. ગામ લોકો માત્ર ટીકવુડ નામના વૃક્ષની પસંદગી કરે છે, કારણ કે તે આ ક્ષેત્રમાં ઉગાડવામાં આવેલું સૌથી ઊચું વૃક્ષ છે અને એની શાખાઓ મજબૂત હોય છે. સ્થાનિક ગ્રામપંચાયતોએ મોબાઇલ ટાવરો ઊભા કરીને નેટવર્ક સુધારવા માટે તમામ સર્વિસ પ્રોવાઇડરોને પત્રો લખ્યા છે, પરંતુ આજ સુધી કોઈ પણ કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2021 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK