Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નિદા ખાને યુવતીનું બ્રેઇન વૉશ કરવા ઇસ્લામને લગતી ૧૭૧ લિન્ક મોકલેલી

નિદા ખાને યુવતીનું બ્રેઇન વૉશ કરવા ઇસ્લામને લગતી ૧૭૧ લિન્ક મોકલેલી

Published : 12 May, 2026 07:27 AM | IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવતીના ઘરે જઈને હિજાબ પહેરતાં અને નમાજ પઢતાં શીખવ્યું

આરોપી નિદા ખાનને ગઈ કાલે નાશિક રોડ જેલમાં હાજર કરવામાં આવી હતી.

આરોપી નિદા ખાનને ગઈ કાલે નાશિક રોડ જેલમાં હાજર કરવામાં આવી હતી.


નાશિકની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની ઑફિસમાં મહિલા કર્મચારીઓના સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ અને ધર્માંતરણના પ્રકરણમાં પકડાયેલી નિદા ખાનની તપાસમાં પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી હોવાનું કહેવાય છે. નિદા ખાને ફરિયાદી યુવતીનું બ્રેઇન વૉશ કરીને તે ઇસ્લામ અંગીકાર કરે એ માટે ઇસ્લામને લગતી ૧૭૧ જેટલી લિન્ક મોકલી હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે. એટલું જ નહીં, તે યુવતીને કઈ રીતે હિજાબ પહેરવો, નમાજ કઈ રીતે પઢવી, શું કાળજી લેવી જેવી બાબતો પણ શીખવતી હતી અને એ માટે તેના ઘરે પણ ગઈ હતી. કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના ઑફિસરો તેને તપાસ માટે તેના ઘરે અને TCSની ઑફિસમાં પણ લઈ ગયા હતા અને ત્યાંથી પુરાવા ભેગા કરીને તેનું ત્યાં જ સ્પૉટ પર જ પંચનામું પણ કર્યું હતું.     

નિદા ખાનની ગઈ કાલે પોલીસ-કસ્ટડી પૂરી થતાં નાશિક પોલીસે તેને કોર્ટમાં હાજર કરી હતી. પોલીસ દ્વારા તેની કસ્ટડી લંબાવી આપવાના ખાસ કોઈ પ્રયાસ નહોતા કરાયા. કોર્ટે ત્યાર બાદ તેને ૧૪ દિવસની જેલ-કસ્ટડીમાં મોકલી આપી હતી. પહેલાં એવું કહેવાતું હતું કે તે બે મહિનાની ગર્ભવતી છે અને કેસ બહુ સેન્સિટિવ હોવાથી કદાચ તેને વિડિયો-કૉન્ફરન્સિંગથી કોર્ટમાં હાજર કરાય. જોકે પોલીસ તેને એસ્કોર્ટ કરીને કોર્ટમાં જ લઈ આવી હતી. 



ધરપકડ ટાળવા નિદા ખાન પાંચ શહેરમાં ભાગતી રહી


પોતાની સામે પોલીસ-ફરિયાદ થઈ છે અને પોલીસ ગમે ત્યારે ધરપકડ કરી શકે છે એવું જાણી ચૂકેલી નિદા ખાન ધરપકડ ટાળવા એકથી બીજા શહેરમાં નાસતી ફરી રહી હતી. ૪૪ દિવસ સુધી તે આ સંતાકૂકડી રમતી રહી હતી. તપાસમાં જણાઈ આવ્યા મુજબ તે સૌથી પહેલાં નાશિકથી થાણે ગઈ હતી. એ પછી ભિવંડી ગઈ હતી. એ પછી થોડા દિવસ મુંબઈમાં રહી અને ત્યાર બાદ સોલાપુરમાં સંબંધીને ત્યાં પહોંચી ગઈ હતી. તેણે માલેગાવમાં પણ સ્થાનિક સ્તરે મદદ મેળવવાની કોશિશ કરી હતી, પણ તેને ત્યાંથી મદદ મળી નહોતી. એ પછી તે છત્રપતિ સંભાજીનગર અને ત્યાંથી તેલંગણ નાસી જવાનો પ્લાન કરી રહી હતી. એ પછી તેણે છત્રપતિ સંભાજીનગરમાં પૉલિટિકલ પાર્ટી અને એના નેતાઓની મદદ લઈને કાયદાકીય કાર્યવાહીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો ત્યાં પણ મદદ ન મળે તો નાંદેડ જઈને તે તેલંગણ જવાની હતી. જોકે તે તેલંગણ નીકળી જાય અે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધી હતી.

નિદા ખાનને મદદ કરનાર મતીન પટેલનું કૉર્પોરેટરનું પદ પાછું ખેંચાવાની શક્યતા


છત્રપતિ સંભાજીનગરના મેયર સમીર રાજુરકરે સોમવારે જણાવ્યું હતું કે નાશિક TCSના જાતીય સતામણી-બળજબરીથી ધર્માંતરણ કેસની આરોપી નિદા ખાનને આશ્રય આપવા બદલ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા મતીન પટેલનું કૉર્પોરેટરનું પદ રદ કરવાની પ્રક્રિયા તેમના ઘર-સંબંધિત દસ્તાવેજોની ચકાસણી પછી હાથ ધરવામાં આવશે. નિદા ખાન અને તેના સંબંધીઓને આશ્રય આપવા બદલ મતીન પટેલ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેના પગલે છત્રપતિ સંભાજીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશને તેના ઘરમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ તેને નોટિસ આપી હતી. કૉર્પોરેશન મતીન પટેલ પાસેથી બધા દસ્તાવેજો મગાવશે અને એની ચકાસણી કર્યા પછી પોતાનો ચુકાદો આપશે.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 07:27 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK