સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ ૭,૦૯૦ સ્વરૂપો બનાવવા માટે લગભગ વીસ વર્ષ જેટલો સમય લાગ્યો
ભગવાનના ૭,૦૯૦ સ્વરુપની મુર્તિઓ સાથે સંતો
ગુજરાતના વડોદરામાં આવેલું સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ભક્તો માટે અવારનવાર અનેક કાર્યક્રમો, શિબિર વગેરેનું આયોજન કરતા રહે છે. તાજેતરમાં મંદિર દ્વારા કરવામાં આવેલા એક અનોખા કાર્યક્રમે વિશ્વવિક્રમ સર્જ્યો છે અને ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં સ્થાન મેળવ્યું છે. ગત વર્ષે એટલે કે ૧૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સ્વામિનારાયણ મંદિર કુંડળધામે પરમ પૂજ્ય સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજીના પ્રતિનિધિત્વમાં ‘કુંડળધામમાં સ્વામિનારાયણનું અક્ષરધામ’ નામ હેઠળ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ ૭,૦૯૦ સ્વરૂપોના દર્શનનું આયોજન કર્યું હતું. જેની માટે પ.પૂ. સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજીનું ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં નામ નોંધાયુ છે.
‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં સ્થાન મળ્યા બાદ પ.પૂ. સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજીના શિષ્ય પરમ પૂજ્ય શ્રી અલૌલિક દાસજી સ્વામીજીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, “આજથી વીસ વર્ષ પહેલાં ગુરુજીના મનમાં વિચાર આવ્યો હતો કે ભક્તોના ઘરમાં જ મંદિર જેવો માહોલ ઉભો થાય અને ઘરે જ તેઓ સ્વામિનારાયણ ભગવાનના સ્વરુપની પુજા કરી શકે તેવું કંઈક કરવું જોઈએ. એટલે ભગવાનની મુર્તિઓ બનાવવી જોઈએ. તેને માટે ખાસ ઓડિશાથી મુર્તિકાર બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ગુરુજીને તેમની બનાવેલી મુર્તિની આંખોમાં તેવો ભાવ, તેજ અને સુંદરતા દેખાઈ નહીં. એટલે તેમણે નક્કી કર્યું કે આપણા ભક્તો પાસે જ આ મુર્તિ બનાવડાવવી. પછી તેમણે નરેન્દ્રભાઈ જાધવ નામના ભક્તની મુર્તિ બનાવવા માટે પસંદગી કરી. પરંતુ નરેન્દ્રભાઈએ કહ્યું કે, ગુરુજી મને મુર્તિ બનાવવાનો કોઈ જ અનુભવ નથી. ત્યારે ગુરુજીએ તેમને કહ્યું કે, તમે ચિંતા ન કરો અને મુર્તિ બનાવવાની શરુઆત કરો મારા આર્શિવાદ તમારી સાથે છે. બસ આ જ રીતે આ ભગવાનના સ્વરુપની મુર્તિઓ બનાવવાની સફર શરુ થઈ. નરેન્દ્રભાઈએ બનાવેલી મુર્તિઓમાં ગુરુજીને આંખોમાં ભાવ અને મનમાં સુંદરતા દેખાઈ. ત્યારબાદ લાખોની સંખ્યામાં મુર્તિઓ બનાવવામાં આવી અને ભક્તોના ઘરમાં અહીં બનેલી મુર્તિઓની સ્થાપના થવા લાગી.”
ADVERTISEMENT
‘કુંડળધામમાં સ્વામિનારાયણનું અક્ષરધામ’માં ભગવાનના ૭,૦૯૦ સ્વરુપના દર્શન
આગળ તેમણે કહ્યું કે, “પ.પૂ. સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજીને થયું કે આપણે ત્યાં આ મુર્તિઓ બની રહી છે એના દર્શનનો લાભ બધા જ ભક્તોને પણ મળે તેવું કંઈક કરવું જોઈએ અને એટલા માટે જ ‘કુંડળધામમાં સ્વામિનારાયણનું અક્ષરધામ’ બનાવવાની યોજના ઘડાઈ. કુંડળધામના પ્રાંગણમાં જ સ્વામિનારાણ ભગવાનના વિવિધ સ્વરુપોની ૭,૦૯૦ મુર્તિ બનાવવામાં આવી. ત્યારબાદ ૧૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ કુંડળધામમાં ‘કુંડળધામમાં સ્વામિનારાયણનું અક્ષરધામ’ નામ હેઠળ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ ૭,૦૯૦ સ્વરૂપોના અભૂતપૂર્વ દર્શનનો લાભ ભક્તો લઈ શકે તે માટે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનો લાભ લાખો ભક્તોએ લીધો હતો. બાદમાં આ કાર્યક્રમને ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં સ્થાન મળ્યું. પ.પૂ. સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજીના પ્રતિનિધિત્વમાં સૌથી વધુ ધાર્મિક મૂર્તિઓના સંગ્રહ માટે ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં નામ નોંધાયું છે અને એવૉર્ડ મળ્યો છે.”
ગુજરાતના કુંડળધામ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના વિકાસ અને ભગવાનની ઉપાસનાના પ્રસાર માટે આયોજીત ‘કુંડળધામમાં સ્વામિનારાયણનું અક્ષરધામ’ કાર્યક્રમને ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં સ્થાન મળતા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, સર્વોપરી નગર, મુંબઈમાં એવૉર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ.પૂ. સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજીના પ્રતિનિધિ અને તેમના સંતોને વિશેષ અતિથી સુપ્રસિદ્ધ બાંસુરી વાદક પંડિત રોનુ મજુમદાર તથા ઉત્તર મુંબઇના સાંસદ ગોપાલ શેટ્ટીના હસ્તે ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’નું સર્ટિફિકેટ અપર્ણ કરવામાં આવ્યું હતું.
પંડિત રોનુ મજુમદાર અને ગોપાલ શેટ્ટી દ્વારા સંતોને ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’નો એવૉર્ડ અને સર્ટિફિકેટ સમર્પિત કરવામાં આવ્યા
આ પ્રસંગે મુંબઈ મહાનગરના પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને મુખ્ય અતિથિઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યોની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો પંડિત રોનુ મજુમદાર અને ગોપાલ શેટ્ટીએ વૃક્ષારોપણ કર્યું હતું
પ.પૂ. સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે, “કોરોના વાયરસના ફેલાવાનો સમય સહુને માટે બહુ કપરો છે. મહામારીના આ સમયમાં લોકોના મનમાં નકારાત્મકતા બહુ ભરાઈ ગઈ છે. ત્યારે આ મુશ્કેલીભર્યા સમયમાં લોકોમાં સકાત્મકતા ફેલાય અને ભક્તોના મોઢા પર સ્મિત આવે તે માટે કંઈક કરવાની જરુર હતી. એટલે જ ‘કુંડળધામમાં સ્વામિનારાયણનું અક્ષરધામ’ બનાવવાનું નક્કી કર્યું. સાથે જ આ કાર્યક્રમ દ્વારા ભારતીય પરંપરા, હિન્દુ સંસ્કુતિ અને ધાર્મિકતાનો પ્રચાર પણ એક ઉદ્દેશ હતો.”
પ.પૂ. સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજી
તમને જણાવી દઈએ કે, પ.પૂ. સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજીને આ પહેલા પણ અનેકવાર રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં બે વાર, ‘લિમ્કા બુક ઑફ રેકૉર્ડ’માં બે વાર, ‘ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ’માં ત્રણ વાર અને ‘એશિયા બુક ઑફ રેકૉર્ડ’માં ચાર વાર સ્થાન પ્રાપ્ત કર્યું છે.

