Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ફેંકમ‘ફેક’

04 October, 2022 10:06 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

દહિસરમાં સુરત પોલીસે રેઇડ પાડીને ૯૦ કરોડની બનાવટી કરન્સી પકડી : જોકે અફવાબજાર તો એવી ગરમ હતી કે ૩૦૦ કરોડની ફેક કરન્સી પકડાઈ છે

સુરતના કામરેજમાંથી મળેલી નકલી નોટો. (જમણે) દહિસરના આનંદનગરના આદિત્ય પાર્કની બહાર ઊભેલી સુરત રૂરલ પોલીસની વૅન અને (નીચે) આદિત્ય પાર્ક છે.

સુરતના કામરેજમાંથી મળેલી નકલી નોટો. (જમણે) દહિસરના આનંદનગરના આદિત્ય પાર્કની બહાર ઊભેલી સુરત રૂરલ પોલીસની વૅન અને (નીચે) આદિત્ય પાર્ક છે.


પકડાઈ જવાય તો એમાંથી છૂટવા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને બદલે રિવર્સ બૅન્ક ઑફ ઇન્ડિયા અને ગૅરન્ટેડ બાય સેન્ટ્રલ ગવર્નમેન્ટની જગ્યાએ મૂવી શૂટિંગ પર્પઝ લખ્યું હતું

છેલ્લા બે દિવસથી દહિસરના આનંદનગરના આદિત્ય પાર્કમાં ગુજરાત પોલીસે રેઇડ પાડી છે અને ૩૦૦ કરોડની કૅશ પકડાઈ છે એવી હોહા મચી ગઈ હતી. આ વાત સાચી પણ છે. આદિત્ય પાર્કમાં એક ફ્લૅટ ત્રણ દિવસ પહેલાં જ ભાડે અપાયો હતો. એ ફ્લૅટમાં રહેવા આવલા લોકોને પોલીસે પકડ્યા છે અને તેમની પાસેથી ૩૦૦ કરોડની કૅશ પકડાઈ હોવાની જોરદાર ચર્ચા છે. ગઈ કાલે પણ સુરત પોલીસની વૅન અને મોટી સંખ્યામાં સુરત પોલીસની ટુકડીએ એ સર્ચ ઑપરેશન ચાલુ રાખ્યું હતું. આખા દહસિરમાં આ બાબત ચર્ચાના ચકડોળે ચડી હતી અને બધા એની જ ચર્ચા કરતા નજરે પડતા હતા. 



આ બાબતે દહિસર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરત પોલીસે કરન્સીને લગતો એક કેસ નોંધ્યો છે અને એ વિશેની વધુ તપાસ માટે તેમની ટીમ મુંબઈ આવી છે. તેમણે અમને જાણ કરી અમારા ઑફિસર્સને સાથે લઈને આનંદનગરના આદિત્ય પાર્કમાં રેઇડ કરી હતી. પહેલાં તો ૧૦૦ કરોડની ફેક કરન્સીનો આંકડો સાંભળીને અમે પણ ચોંકી ઊઠ્યા હતા. જોકે એ પછી ખબર પડી કે એ ફેક કરન્સી છે, સાચી કરન્સી નથી. એ લોકોએ કાર્યવાહી કરી છે. અમારા ઑફિસર્સ એ કાર્યવાહીમાં સાથે હતા.’


મોટી સંખ્યામાં પોલીસ અને પોલીસની વૅન સાથે કરાયેલી આ કાર્યવાહીને કારણે દહિસરમાં ગોકીરો મચી ગયો હતો. સુરતના સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર બી. કે. વનારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સંદર્ભે સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ એ રીતની કરન્સી છે જે વટાવવા જઈએ તો વટી જાય. આ કેસમાં પાંચ જણની ધરપકડ કરાઈ છે. દહિસરથી વિકાસ જૈન અને દીનાનાથ યાદવની ધરપકડ કરાઈ છે. હાલ અમારી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે.’

આ કેસની વિગતો આપતાં કામરેજ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. ભટોરે કહ્યું હતું કે ‘સૌથી પહેલાં આ કેસમાં હિતેશ કોટડિયાની ધરપકડ કરાઈ હતી. તે મૂળ જામનગરનો છે અને ઍમ્બ્યુલન્સમાં ૨૫ કરોડ કરતાં વધુની કૅશ લઈને અહીં આવ્યો હતો. ત્યાર બાદ તેની પૂછપરછમાં વરાછામાં રહેતા દિનેશ પોશિયાનું નામ બહાર આવ્યું હતું. તેની પાસેથી અને હિતેશના જામનગરના ઘરેથી અમે કુલ ૯૦ કરોડની રૂપિયાની ૨૦૦૦ની અને ૫૦૦ની બનાવટની કરન્સી જપ્ત કરી છે. અમને વધુ માહિતી મળતાં અમારી બે ટીમ મુંબઈના દહિસરમાં મોકલવામાં આવી હતી અને ત્યાંથી કેસમાં મલાડમાં વી. આર. લૉજિસ્ટિક નામની આંગડિયા પેઢીના માલિક વિકાસ જૈન અને તેના કર્મચારી દીનાનાથ યાદવની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી કેટલી રોકડ મળી એની વિગતો આવી નથી. જોકે એનું પણ કાઉન્ટિંગ ચાલુ છે. અમે હવે વિકાસ જૈનના સાગરીત પ્રવીણ જૈનને શોધી રહ્યા છીએ. પ્રવીણ જૈન ફેક નોટો બનાવીને આપતો હતો. હિતેશ અને અન્ય આરોપીઓ નાના માણસો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર વિકાસ જૈન અને પ્રવીણ જૈન છે.’


પકડાય તો પણ કેસ ન થાય એ માટે છટકબારી

કામરેજના સિનિયર પીઆઇ આર. બી. ભટોરે વધુમાં કહ્યું હતું કે ‘મૂળમાં આ લોકો દ્વારા જો પકડાઈ જવાય તો એમાંથી છૂટવાની છટકબારી રાખવા જે નોટો છપાઈ છે એમાં જાણીજોઈને કેટલીક ભૂલો કરાઈ છે. જેમ કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની જગ્યાએ રિવર્સ બૅન્ક ઑફ ઇન્ડિયા અને ગૅરેન્ટેડ બાય સેન્ટ્રલ ગવર્નમેન્ટની જગ્યાએ મૂવી શૂટિંગ પર્પઝ એમ લખ્યું હતું. હાલ કેસની તપાસ ઉચ્ચ અધિકારી કરી રહ્યા છે. આ નોટો અહીં ઇન્ડિયામાં જ છપાઈ છે. હવે પ્રવીણ જૈન પકડાય તો એ વિશે વધુ જાણ થઈ શકે.’

બ્લૅકના પૈસા વાઇટ કરવા છે એમ કહીને ૧.૫૦ કરોડ વટાવ્યા પણ ખરા

આ ફેક કરન્સી એટલી અદ્દલ દેખાય છે કે જો બરાબર ચકાસણીા કરવામાં ન આવે તો પહેલી નજરે એ ફેક છે એ જાણવું મુશ્કેલ છે. આ ટોળકી દ્વારા આ રકમ વટાવવા ટ્રસ્ટોનો સંપર્ક કરાતો હતો અને તેમને કહેવાતું કે અમારી પાસે મોટા પ્રમાણમાં કૅશ છે, અમે તમને રકમ આપીએ અને તમે એની સામે માત્ર ૪૦ ટકા રકમ આરટીજીએસ તરીકે અમને પાછી આપો. આ રીતે છેતરપિંડી કરીને ૧.૫૦ કરોડ કરતાં વધુની રકમ વટાવાઈ હોવાનું પણ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. 

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2022 10:06 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK