એકનાથ શિંદે જૂથના ચાર વકીલોએ રાજ્યપાલના અધિકાર અને વિધાનસભ્યોની અપાત્રતાના મુદ્દે દલીલો રજૂ કરી : આજે ઉદ્ધવ ઠાકરે વતી ઍડ્વોકેટ કપિલ સિબલ રિજોઇન્ડર આપશે : બંને પક્ષની સુનાવણી બાદ પાંચ જજની ખંડપીઠ ચુકાદો મુલતવી રાખી શકે

ફાઇલ તસવીર
આઠ મહિનાથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી શિવસેનાના સત્તાસંઘર્ષની સુનાવણી આખરી તબક્કામાં પહોંચી છે. ગઈ કાલે એકનાથ શિંદે જૂથ વતી ચાર વકીલોએ રાજ્યપાલના અધિકાર અને વિધાનસભ્યોની અપાત્રતાના મુદ્દે પાંચ જજની ખંડપીઠ સમક્ષ દલીલો રજૂ કરી હતી અને અત્યાર સુધી લેવામાં આવેલા બધા નિર્ણય બંધારણ મુજબના જ હોવાનો દાવો કર્યો હતો. દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે સુનાવણી આજ સવાર સુધી મોકૂફ રાખી હતી. આજે ઉદ્ધવ ઠાકરે જૂથ વતી ઍડ્વોકેટ કપિલ સિબલ રિજોઇન્ડર રજૂ કરશે અને બાદમાં એકનાથ શિંદે જૂથના વકીલો ફરી દલીલ કરશે. આજે સત્તાસંઘર્ષની સુનાવણી પૂરી થવાની શક્યતા છે અને ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે.
ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડની અધ્યક્ષતાની પાંચ જજની સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સમક્ષ ગઈ કાલે શિવસેનામાં ચાલી રહેલા સત્તાસંઘર્ષની ફરી સુનાવણી શરૂ થઈ હતી. રાજ્યના તત્કાલીન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એકનાથ શિંદે જૂથને વિધાનસભામાં બહુમતી સિદ્ધ કરવા માટે કહ્યું હતું તેમ જ બળવો યોગ્ય ન હોવાનો દાવો ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં કર્યો છે. આ વિશે દલીલ કરતાં એકનાથ શિંદે જૂથના ઍડ્વોકેટ હરીશ સાળવેએ કહ્યું હતું કે ‘શિવસેનાના વિધાનસભ્યોએ જે કંઈ કર્યું છે એ બળવો નથી. આ મતભેદનો એક પ્રકાર હતો. વિધાનસભ્ય થયા બાદ પોતાનો મત વ્યક્ત ન કરી શકાય એવું ન હોય. શિવસેનાના મોટા ભાગના વિધાનસભ્યોનો પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મતભેદ હતો. પક્ષમાં બળવા બાબતે વિચાર કરવામાં આવે તો એક મોટું જૂથ જુદો વિચાર કરે તો એને બળવો ન કહી શકાય. એ તેમની મતભેદ વ્યક્ત કરવાની પદ્ધતિ છે. જ્યારે-જ્યારે મુખ્ય પ્રધાન બાબતના વિશ્વાસ વિશે વિધાનસભ્યોમાં સવાલ ઊભો થાય છે ત્યારે-ત્યારે રાજ્યપાલે ભૂમિકા લેવી જોઈએ અને વિશ્વાસનો મત લેવાના ઠરાવની સૂચના આપવી જોઈએ. આથી રાજ્યના તત્કાલીન રાજ્યપાલે આવું કરીને કંઈ ખોટું નથી કર્યું. અપાત્રતાનો નિર્ણય થાય નહીં ત્યાં સુધી તમારા બધા અધિકાર કાયમ રહે છે. ફ્લોર-ટેસ્ટ વખતે અપાત્રતાની નોટિસ ૧૬ વિધાનસભ્યોને આપવામાં આવી હતી, જ્યારે બહુમતી સિદ્ધ કરવા માટે ૫૮ મત ઓછા પડતા હતા એટલે તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું હતું. આથી ૧૬ વિધાનભ્યોની અપાત્રતાનો નિર્ણય લેવાયો નહોતો અને બાદમાં આ સંબંધે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. આથી હવે અપાત્રતા બાબતનો નિર્ણય વિધાનસભાના સ્પીકરે લેવો જોઈએ.’
પાંચ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ ગઈ કાલે એકનાથ શિંદે જૂથ વતી ઍડ્વોકેટ હરીશ સાળવે, બાદમાં ઍડ્વોકેટ નીરજ કૌલ, ઍડ્વોકેટ મહેશ જેઠમલાણી અને ઍડ્વોકેટ મનિંદર સિંહે પણ દલીલ કરી હતી અને તેમણે પણ વિધાનસભાના સ્પીકર, ફ્લોર-ટેસ્ટ, રાજ્યપાલની ભૂમિકા અને વિધાનસભ્યોની અપાત્રતા બાબતે લેવામાં આવેલા નિર્ણય બંધારણ અને કાયદા મુજબ જ લેવામાં આવ્યા હોવાના દાવા કર્યા હતા. ઉદ્ધવ ઠાકરે જૂથ વતી નવી સરકારની રચના પહેલાંની સ્થિતિ પાછી લાવવાની માગણી કરવામાં આવી છે એનો વિરોધ કરતાં આ વકીલોએ દલીલ કરી હતી કે ફ્લોર-ટેસ્ટ કરતાં પહેલાં જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું એટલે એ સ્થિતિ પાછી લાવવાનો સવાલ જ પેદા નથી થતો.
દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે આજે સવાર સુધી સુનાવણી મોકૂફ રાખી દીધી હતી. આજે એક કલાક ઉદ્ધવ ઠાકરે જૂથ વતી ઍડ્વોકેટ કપિલ સિબલ રિજોઇન્ડર રજૂ કરશે અને બાદમાં એકનાથ શિંદે જૂથના વકીલો આગળની દલીલ કરશે તેમ જ રાજ્ય સરકાર વતી ઍડ્વોકેટ તુષાર મહેતા રાજ્યપાલની બાજુ માંડશે. આજે આ મામલાની તમામ સુનાવણી પૂરી થવાની શક્યતા છે. જોકે કોર્ટ તરત જ ચુકાદો આપવાને બદલે મુલતવી રાખીને ચુકાદો આપવાની તારીખ જાહેર કરી શકે છે.
બીએમસીની ચૂંટણીઓ ચોમાસા બાદ?
ગ્રામપંચાયતથી લઈને મુંબઈ બીએમસી સહિતની ચૂંટણીઓ યોજવા સંબંધે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવ્યાને ચાર મહિના થઈ ગયા છે. ગઈ કાલે આ અરજીની સુનાવણી થવાની શક્યતા હતી, પરંતુ કોર્ટના બોર્ડ પર આ અરજી મેન્શન નહોતી થઈ. આ મામલે તારીખ પે તારીખ પડી રહી છે એટલે હવે તમામ ચૂંટણીઓ ચોમાસા બાદ જ યોજાવાની શક્યતા છે.
ગ્રામપંચાયતથી લઈને મહાનગરપાલિકાની પાંચ વર્ષની મુદત પૂરી થયાના છ મહિનાની અંદર ચૂંટણી યોજવી જરૂરી છે. જોકે કોરોના મહામારીને લીધે મુદત પૂરી થયા બાદ ચૂંટણી યોજવાનું શક્ય નહોતું એટલે મુંબઈ અને થાણે સહિતની ૧૭ મહાનગરપાલિકા, અનેક નગરકાલિકા અને અસંખ્ય ગ્રામપંચાયતોની મુદત પૂરી થયાને એકથી ત્રણ વર્ષ થઈ ગયાં છે. ૨૦૨૨ના મધ્યમાં કોરોના મહામારીનું જોખમ પૂરું થઈ ગયું હતું તો કેમ ચૂંટણીઓ યોજાતી નથી એવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
લવ જેહાદના મામલે નીતેશ રાણે અને અબુ આઝમી ભીડ્યા
સમાજવાદી પક્ષના માનખુર્દના વિધાનસભ્ય અબુ આઝમીએ ગયા અઠવાડિયે વિધાનસભામાં કહ્યું હતું કે રાજ્યમાં લવ જેહાદ જેવી કોઈ બાબત જ નથી તો રાજ્યમાં લવ જેહાદના એક લાખ મામલા આવવાનો સવાલ જ નથી થતો. મહિલા બાલકલ્યાણપ્રધાન મંગલ પ્રભાત લોઢા તેમના આવા નિવેદનની માફી માગે એવું તેમણે કહ્યું હતું. આ મામલો ગરમ છે ત્યારે ગઈ કાલે વિધાનમંડળના પરિસરમાં અબુ આઝમી અને નીતેશ રાણે સામસામે આવી ગયા હતા અને બન્ને વચ્ચે લવ જેહાદ બાબતે જોરદાર શાબ્દિક ટપાપટી થઈ હતી. નીતેશ રાણેએ ગ્રીન ઝોનમાં ગેરકાયદે મદરેસા બાંધવાનો મુદ્દો અબુ આઝમી સામે ઉછાળ્યો હતો. કોઈ પણ ધર્મનું ગેરકાયદે બાંધકામ તોડવું જોઈએ એવું અબુ આઝમીએ કહ્યું ત્યારે નીતેશ રાણેએ કાર્યવાહી કરવાની શરૂઆત થાય છે ત્યારે હથિયારો બહાર કાઢવામાં આવે છે, મારી સાથે ચાલો હું તમને બતાવું શું થાય છે. અબુ આઝમીએ કહ્યું હતું કે લવ જેહાદનો એક પણ મામલો રાજ્યમાં નથી નોંધાયો, કેટલાક લોકો આવો ખોટો પ્રચાર કરી રહ્યા છે. એના જવાબમાં નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘લવ અને લૅન્ડ જેહાદની સાથે મુસ્લિમો દ્વારા ધર્માંતર કરાવાય છે. તમે આ સ્વીકારતા નથી. આવું હરગિજ ચલાવી નહીં લેવાય.’