Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બદનામ અને બ્લૅકમેઇલ કરવા દાઉદ સાથે સંબંધ ધરાવતી મહિલાને પાછળ લગાવાઈ

બદનામ અને બ્લૅકમેઇલ કરવા દાઉદ સાથે સંબંધ ધરાવતી મહિલાને પાછળ લગાવાઈ

26 December, 2022 10:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દક્ષિણ-મધ્ય મુંબઈના એકનાથ શિંદે જૂથના સંસદસભ્ય રાહુલ શેવાળેએ આ માટે આદિત્ય ઠાકરે અને એનસીપીના કાર્યકરો પર આરોપ લગાવીને એનઆઇએ દ્વારા તપાસ કરાવવાની માગણી કરી

રાહુલ શેવાળે

રાહુલ શેવાળે


ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા સંસદસભ્ય રાહુલ શેવાળેને નિશાન બનાવાઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે રાહુલ શેવાળેએ કહ્યું હતું કે રૂપિયા માટે પોતાને બ્લૅકમેઇલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કામમાં મારા જ પક્ષના લોકો મહિલાનો સંપર્ક કરીને મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાકાળમાં મેં જે મહિલાને મદદ કરી હતી તે જ મને બ્લૅકમેઇલ કરી રહી છે. આ મહિલાનો સંબંધ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ સાથે છે એટલે આ મામલાની તપાસ નૅશનલ ઇન્વે​સ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા કરવાની માગણી રાહુલ શેવાળેએ કરી છે.
દક્ષિણ-મધ્ય મુંબઈના શિવસેનાના સંસદસભ્ય રાહુલ શેવાળેએ ગઈ કાલે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘રૂપિયા પડાવવા માટે બ્લૅકમેઇલ કરનારી મહિલા દુબઈ રહે છે. પાકિસ્તાની એજન્ટની મદદથી મહિલાએ ફેક અકાઉન્ટ ખોલ્યું હતું. મારી પત્નીને વારંવાર ધમકી આપવામાં આવી હતી. આ મહિલા ખોટી ફરિયાદ કરી રહી હોવાની માહિતી મેં ઉદ્ધવ ઠાકરેને આપી હતી. તેમણે આ બાબતે ધ્યાન આપવાનું અનિલ પરબને કહ્યું હતું. ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડ્યા બાદ હવે યુવાસેનાના પદાધિકારીઓ અને એનસીપીના કાર્યકરો મારા બદલ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. તેઓ આ મહિલાને ફૉલો કરી રહ્યા છે. દાઉદ સાથે સંબંધ ધરાવતી મહિલાને મારી પાછળ લગાવવાના આ પ્રકરણની પાછળ આદિત્ય ઠાકરે છે. આથી આ મામલાની તપાસ એનઆઇએ દ્વારા થવી જોઈએ.’

થાણેના બિલ્ડર સૂરજ પરમારની એસઆઇટી તપાસ કરે
ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે દિશા સાલિયનના મૃત્યુ-પ્રકરણની એસઆઇટી દ્વારા તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે સરકારે થાણેના બિલ્ડર સૂરજ પરમારની આત્મહત્યાના મામલામાં પણ આવી તપાસ કરવી જોઈએ. બિલ્ડરની સુસાઇડ નોટમાં અનેક નામો છે એ બહાર આવવાં જોઈએ. સંજય રાઉતે કહ્યું હતું કે સૂરજ પરમારના મૃત્યુ બાદ પોલીસને એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સાંકેતિક ભાષામાં કેટલાંક નામ લખવામાં આવ્યાં હતાં. આ નામ કોનાં છે એ મને ખબર છે. આથી આ પ્રકરણની એસઆઇટી તપાસ કરવામાં આવે.’



એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરેથી છૂટા પડવાનું બીજ રોપેલું
એકનાથ શિંદેએ શા માટે ‌ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરવો પડ્યો એનો જવાબ વારંવાર પૂછવામાં આવ્યા બાદ પણ હજી સુધી એકનાથ શિંદે કે ઉદ્ધવ ઠાકરેએ ખૂલીને એનો જવાબ આપ્યો નથી ત્યારે શિવસેનાના ભૂતપૂર્વ પ્રધાન વિજય શિવતારેએ ગઈ કાલે આ વિશે પહેલી વખત તેમનું મોઢું ખોલ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે ‘રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના રાજ્યના હિતમાં ન હોવાથી પહેલા બે મહિનામાં જ મેં આ સરકારનો વિરોધ કરેલો. નંદનવન બંગલામાં હું એકનાથ શિંદેને મળ્યો હતો અને તેમની સાથે સાડાચાર કલાક આ વિશે ચર્ચા કરી હતી અને તેમના મનમાં બળવો કરવાનું બીજ રોપ્યુ હતું. ઉદ્ધવ ઠાકરેને કારણે શિવસેનાની ૭૦ બેઠક ગુમાવી હતી. બીજેપીના મતદારસંઘમાં તેમણે પોતાના માણસોને કામે લગાવ્યા હતા એટલે બીજેપીએ શિવસેનાના પ્રધાનોને વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં હરાવ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ આઘાડીના પક્ષો સાથે સેટલમેન્ટ કર્યું હતું. કઈ બેઠક પાડવી અને શેમાં વિજય મેળવવો એના આંકડાનું ગણિત માંડવામાં આવ્યું હતું. આ બાબતે મેં મહાવિકાસ આઘાડીની સરકાર અસ્તિત્વમાં આવ્યાના બે મહિના બાદ એકનાથ શિંદે સાથે લાંબી વાતચીત કરી હતી.’


એ દિવસે સંજય રાઉત શરદ પવારના ખોળે બેસી જશે
વિરોધી પક્ષો અત્યારે એકનાથ શિંદે પર નાગપુરની જમીનમાં ભ્રષ્ટાચાર કરવાનો આરોપ કરી રહ્યા છે ત્યારે એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટે ગઈ કાલે કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડી સરકારની સત્તા હતી ત્યારે કોઈ પણ મામલાની તપાસ નહોતી થઈ. હવે જ્યારે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન છે ત્યારે તેમને પરેશાન કરી રહ્યા છો. તેઓ અત્યારે ઝડપથી કામ કરી રહ્યા છે ત્યારે એમાં અડચણ પેદા કરી રહ્યા છે. અત્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના એનસીપી ચલાવી રહી છે. સંજય રાઉત શિવસેનાના નહીં, પણ શરદ પવારના પ્રવક્તા છે. જે દિવસે ઉદ્ધવ ઠાકરે જૂથ ખતમ થઈ જશે એ દિવસે સંજય રાઉત શરદ પવારના ખોળામાં બેસી જશે.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2022 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK