વિધાનસભામાં પણ મામલો ગાજ્યો: વિરોધ પક્ષના નેતા અજિત પવારે આ પ્રકરણમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું કહ્યુંઃ એસઆઇટી દ્વારા તપાસ કરાશે

શીતલ મ્હાત્રે, પ્રકાશ સુર્વે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સેનાનાં પ્રવક્તા અને ભૂતપૂર્વ નગરસેવિકા અને વિધાનસભ્ય પ્રકાશ સુર્વેના વાંધાજનક વિડિયો મામલામાં પોલીસે ગઈ કાલે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આથી આરોપીઓની સંખ્યા પાંચ થઈ છે, જેમને કોર્ટે ૧૫ માર્ચ સુધીની પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. પાંચ આરોપીમાંથી ચાર ઉદ્ધવ ઠાકરે જૂથના તો એક કૉન્ગ્રેસના કાર્યકર હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલો ગઈ કાલે રાજ્યની વિધાનસભામાં પણ ગાજ્યો હતો. વિરોધી પક્ષના નેતા અજિત પવારે પણ વિધાનસભામાં આ પ્રકરણમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું કહ્યું હતું. આ મામલાને ગંભીરતાથી લઈને સરકારે એની તપાસ કરવા એસઆઇટી ગઠિત કરવાનો નિર્ણય લીધો છે.
શિવસેનાના એકનાથ શિંદે જૂથના માગાઠાણેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વે અને પ્રવક્તા શીતલ મ્હાત્રેનો વાંધાજનક વિડિયો વાઇરલ થવાના મામલામાં પોલીસે ગઈ કાલે યુવાસેનાના સાઈનાથ દુર્ગે, ફેસબુક પર માતોશ્રી પેજ હૅન્ડલ કરનારા વિનાયક ડાવરે તેમ જ રવીન્દ્ર ચૌધરી નામના આરોપીની ધરપકડ કરી હતી. સાઈનાથ દુર્ગે આદિત્ય ઠાકરેનો મિત્ર છે, જેની પોલીસે ઍરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. પાંચમાંથી ચાર આરોપી ઉદ્વવ ઠાકરે જૂથના અને એક કૉન્ગ્રેસનો કાર્યકર હોવાનું જાણવા મળ્યું હતું.
આ મામલો ગઈ કાલે વિધાનસભામાં પણ ગાજ્યો હતો. મહિલા વિધાનસભ્યો મનીષા ચૌધરી અને યામિની જાધવે એક મહિલાની ઇજ્જત ઉછાળનારા આરોપીઓને કડક સજા કરવાની માગણી કરી હતી. વિરોધી પક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું કે ‘રાજકીય કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં ચારિત્રનું ખૂબ મહત્ત્વ હોય છે. એક મહિલાની ઇજ્જત ઉછાળવાના આ મામલામાં કોઈ માસ્ટરમાઇન્ડ છે કે નહીં એની તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ.
ઈડીના સમન્સને હસન મુશ્રીફે હાઈ કોર્ટમાં પડકાર્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ એનસીપીના વિધાનસભ્ય હસન મુશ્રીફને ગઈ કાલે ઈડીની ઑફિસમાં આવવાના સમન્સ મોકલ્યા હતા. જોકે સમન્સ મોકલાયા બાદ હસન મુશ્રીફ અને તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કલાકો સુધી ગાયબ રહ્યા હતા. ગઈ કાલે સવારે તેઓ કાગલમાં જોવા મળ્યા હતા અને તેમના વકીલે બૉમ્બે હાઈ કોર્ટમાં ઈડીની વારંવાર થઈ રહેલી તપાસને પડકારવા માટે અરજી દાખલ કરી હતી. આજે આ અરજીની સુનાવણી થવાની શક્યતા છે.
જૂના પેન્શન મામલે ૧૮ લાખ કર્મચારી બેમુદત હડતાળ કરશે
રાજ્યમાં બીજાં રાજ્યોની જેમ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે આજથી રાજ્યના ૧૮ લાખ સરકારી કર્મચારી બેમુદત હડતાળ કરશે. પેન્શન બાબતે આંદોલન કરી રહેલા કર્મચારી અને રાજ્ય સરકાર વચ્ચે ગઈ કાલે એક બેઠક થઈ હતી. જોકે આ બેઠકમાં કોઈ નિર્ણય નહોતો થયો એટલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠકમાં કર્મચારીઓને પેન્શન બાબતે કોઈ આશ્વાસન નહોતું મળ્યું એટલે આજથી તેઓ બેમુદત હડતાળ ઉપર ઊતરવાની શક્યતા છે. રાજ્ય સરકારે આ મામલે એક સમિતિ બનાવીને ઘટતું કરવાનું કહ્યું હતું.
કાંદા ઉત્પાદકોને ૩૦૦ રૂપિયા બોનસ અપાશે
રાજ્યમાં કાંદાની ખેતી કરનારાઓને પૂરતા ભાવ નથી મળતા એટલે તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે એટલે સરકારે કાંદાની ખરીદી કરવાની માગણી ખેડૂતો અને વિરોધી પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે વિધાનસભાના સત્રમાં કાંદાની ખેતી કરનારા ખેડૂતોને ક્વિન્ટલદીઠ ૩૦૦ રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાતથી કાંદાની ખેતી કરનારા ખેડૂતોને રાહત મળી શકે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભામાં કહ્યું હતું કે ‘૨૦૧૬માં કાંદાની ખેતી કરતા ખેડૂતોને ૧૦૦ રૂપિયા, ૨૦૧૭માં ૨૦૦ રૂપિયા અને આ વર્ષે ૩૦૦ રૂપિયા બોનસ આપવામાં આવશે. આ સિવાય નાફેડ દ્વારા કાંદાની ખરીદી પણ શરૂ કરવામાં આવી છે. અહીં ખેડૂતોને સાડાદસ રૂપિયા કિલોદીઠ આપવામાં આવી રહ્યા છે.’
વિધાનપરિષદમાં એનસીપીના ગટ નેતા એકનાથ શિંદે?
વિધાન પરિષદમાં એનસીપી પક્ષનું ગટ નેતાપદ અને પ્રતોદનું પદ ખાલી છે. એકનાથ શિંદેની ગટ નેતા પદે અને અનિકેત તટકરેની પ્રતોદના પદે નિયુક્તિ કરવામાં આવી હોવાની માહિતી મળતાં ગઈ કાલે વિધાનસભામાં હોબાળો મચી ગયો હતો. એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે કહ્યું હતું કે અધિકૃત વેબસાઇટ પર આ નામ દેખાઈ રહ્યાં છે એટલે ગંભીર ભૂલ છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વડા પ્રધાન કહી રહ્યા છે અને હવે એનસીપીના નેતા પણ બનવા માગે છે, એવી મજાક કરી હતી. આ મામલો વિધાન પરિષદનો છે એટલે અહીં એના પર કોઈ ચર્ચા ન થઈ શકે એમ કહીને વિધાનસભાના સ્પીકર ઍડ્. રાહુલ નાર્વેકરે આ ગંભીર ભૂલને સુધારી લેવા સૂચના જારી કરી હતી.