પહલગામમાં આતંકવાદીઓના હુમલા વિશે શરદ પવારનું વિચિત્ર નિવેદન : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પીડિતોના પરિવારજનોને જઈને મળો
શરદ પવાર
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ગઈ કાલે પહેલી વખત શરદ પવારે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને કહ્યું હતું કે ‘હિન્દુ હોવાનું જાણ્યા બાદ આતંકવાદીઓએ ટૂરિસ્ટોને ગોળીઓ મારી હોવાનું કહેવાય છે, પણ આમાં શું સત્ય છે એની મને જાણ નથી. પહલગામમાં માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જ્યારે તેમણે મહિલાઓ અને બાળકોને હાથ નહોતો લગાડ્યો.’
આવું કહીને શરદ પવારે આતંકવાદીઓએ હિન્દુઓને જ નિશાન બનાવવામાં આવ્યા છે કે કેમ એના પર સવાલ ઉઠાવ્યો હતો એટલું જ નહીં, મહિલાઓ અને બાળકોને છોડી દીધાં હોવાનું કહીને તેમના પર રહેમ કરવામાં આવ્યો છે એવો ઇશારો કર્યો હતો. શરદ પવારે એમ પણ કહ્યું હતું કે ‘ભૂતકાળમાં આવા અનેક હુમલા થયા છે ત્યારે ધર્મનું નામ ક્યારેય નહોતું લેવામાં આવ્યું. આથી અત્યારે પણ ધાર્મિક માહોલ ખરાબ થાય એવું કોઈએ ન કરવું જોઈએ.’
ADVERTISEMENT
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારના નિવેદન વિશે કહ્યું હતું કે ‘શરદ પવારને હિન્દુઓને જ નિશાન બનાવવામાં આવ્યા હોવાની જાણ ન હોય તો તેમણે હુમલામાં મૃત્યુ પામેલા પરિવારજનોને મળીને માહિતી મેળવવી જોઈએ. ૨૬ લોકોના જીવ ગયા છે તેમના કુટુંબીજનો ઘટનાસ્થળે હાજર હતા. તેમણે જે કહ્યું છે એ શરદ પવારે સાંભળવું જોઈએ જેથી તેમને ખ્યાલ આવશે કે હિન્દુઓને જ નિશાન બનાવવામાં આવ્યા છે કે નહીં?’

