Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મમ્મીએ આપ્યું દીકરાને નવજીવન

મમ્મીએ આપ્યું દીકરાને નવજીવન

Published : 07 July, 2024 07:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલીમાં રહેતા દીકરાનું લિવર ફેલ થતાં સિનિયર સિટિઝન માતાએ પળભરની પણ રાહ જોયા વગર લિવર આપ્યું ઃ જેમ-તેમ ૩૫ લાખ રૂપિયા ભેગા કરીને લિવર ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન કરાવ્યું, પણ હવે ઇન્ફેક્શનને લીધે આર્ટિલરી બ્લૉક થઈ જતાં ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી પડશે

દીકરો અને પ્રેરણાદાયી માતા

દીકરો અને પ્રેરણાદાયી માતા


બોરીવલીમાં રહેતા ૩૬ વર્ષના મેહુલ નગદિયાનાં ૫૭ વર્ષનાં મમ્મી જયશ્રી નગદિયા બે વખત જનની બન્યાં છે અને દીકરાને નવજીવન આપ્યું છે. જે સમયે દીકરાએ મમ્મીને સંભાળવાનો સમય હોય ત્યારે વૃદ્ધ અવસ્થામાં હોવા છતાં મમ્મીએ એક પળની પણ રાહ જોયા વગર દીકરા માટે અડીખમ ઊભા રહીને ‌લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. આવી અચાનક આવી પડેલી આપદા માટે પરિવાર તૈયાર ન હોવાથી ઘરની ચાર મહિલાઓએ પોતાના દાગીના વેચવાથી લઈને બહારથી વ્યાજથી પૈસા લઈને મેહુલની સારવાર અને ઑપરેશન કરાવ્યું હોવાથી એમાં ૩૫ લાખ રૂપિયાનો ખર્ચ આવી ગયો છે. ડિસ્ચાર્જના ત્રણ દિવસ બાદ તેને ઇન્ફેક્શન થતાં ફરી હૉ‌સ્પિટલમાં ઍડ્મિટ કરતાં બે નાની સર્જરી કરવાની છે, પરંતુ પરિવારને હવે આર્થિક મદદની જરૂર છે.


અચાનક ખબર પડી



ગોરેગામમાં રહેતી મેહુલ નગદિયાની બહેન તૃપ્તિ નગદિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘થોડા સમય પહેલાં મેહુલનું બ્લડ-પ્રેશર લો થઈ જતાં તેને હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કર્યો હતો. સારવાર દરમ્યાન જાણ થઈ કે મેહુલનું ‌લિવર ફેલ્યર થયું હોવાથી તબિયત વધુ ખરાબ થઈ રહી છે. ૧૫ દિવસ નાલાસોપારાની હૉસ્પિટલમાં સારવાર લીધા બાદ ત્યાંથી બીજે સારવાર લેવાનું કહેવામાં આવ્યું હતું. હૉસ્પિટલે અમને કહી દીધું હતું કે કોઈ પણ રીતે મેહુલનું લિવર ટ્રાન્સપ્લાન્ટ તો કરાવવું જ પડશે.’  


મમ્મી પહેલાં તૈયાર થયાં

મેહુલને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનર જોઈશે અને એ તાત્કાલિક મળવો મુશ્કેલ હતું, પરંતુ મમ્મીને જાણ થતાં એક પળ પણ વિચાર્યા વગર મમ્મીએ હું જ આપીશ એવું કહ્યું હતું એમ જણાવીને તૃપ્તિએ કહ્યું હતું કે અમે બધાએ તેમને સમજાવ્યાં, પણ તેમણે નક્કી જ કરી લીધું હતું કે હું મારા દીકરા માટે કંઈ પણ કરીશ; તેને કંઈ થવા દઈશ નહીં.


ઘરની મહિલાઓએ દાગીના વેચ્યા

ઑપરેશન માટે આર્થિક પરિ‌સ્થિતિ ન હોવાથી ઑપરેશન ડિલે થઈ રહ્યું હતું એમ જણાવીને તૃપ્તિએ કહ્યું હતું કે ‘શરૂઆતમાં અમુક હૉસ્પિટલે ના પાડ્યા બાદ અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉ‌સ્પિટલમાં ડૉક્ટરે હા પાડી હોવાથી તેને ત્યાં શિફ્ટ કરવો પડ્યો હતો. ત્યાં ઑપરેશન માટે પૈસા ભરવા પડે એમ હતા. મમ્મીના ઑપરેશનના પાંચ લાખ રૂપ‌િયા અને મેહુલના ઑપરેશનના ૧૯ લાખ રૂપિયા મળીને આખા પૅકેજના ૨૪ લાખ રૂપિયા થતા હતા. નાના-મોટા ખર્ચા તો અલગ જ હતા. જીવન-મરણનો સવાલ હોવાથી હું, ભાભી, મમ્મી, મોટી મમ્મી મળીને ઘરની મહિલાઓએ પોતાનું સ્ત્રીધન વેચી નાખ્યું હતું. આ ઉપરાંત સેવિંગ્સથી લઈને પરિવારજનોએ તેમનાથી થતી બધી મદદ કરી અને વ્યાજથી પૈસા લઈને તેનું ઑપરેશન કરાવ્યું હતું. પહેલાં મેહુલનું બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં લાવીને જૂનમાં ૧૮ કલાકનું ઑપરેશન ચાલ્યું હતું, જ્યારે મમ્મીનું રાતે બે વાગ્યા સુધી ઑપરેશન ચાલ્યું હતું. ઑપરેશન બાદ ત્રણ દિવસ તો મેહુલ વેન્ટિલેટર પર હતો. મેહુલને રિકવર થતાં છ મહિના અને મમ્મીને રિકવર થતાં દોઢ મહિનો લાગશે તેમ જ બન્નેની ખૂબ કાળજી લેવાનું કહેવાયું છે.’

ડિસ્ચાર્જ બાદ ઇન્ફેક્શનનું પાણી નીકળવા માંડ્યું

બધું વેચીને અને ઉધાર લઈને કુલ સારવારનો આમ તો ૫૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ ગયો હતો અને અડધું બિલ બાકી રાખીને ડિસ્ચાર્જ લીધો હતો એમ જણાવીને ભાવુક થઈને તૃપ્તિએ વધુમાં કહ્યું હતું કે ‘ડિસ્ચાર્જ લીધાના ત્રણ દિવસ બાદ મેહુલને છાતી અને પેટ પરના ટાંકામાંથી ઇન્ફેક્શનનું પાણી નીકળવા માંડ્યું હતું. હાલમાં ફરી તેને ઍડ્મિટ કરવામાં આવ્યો છે અને તેને અંદર ઇન્ફેક્શન થતાં એન્ડોસ્કોપી કર્યું છે. ત્યાર બાદ સી.ટી. સ્કૅન કરતાં લિવર સુધી જતી આર્ટિલરી બ્લૉક થઈ જતાં લોહી ત્યાં સુધી પહોંચતું ન હોવાનું ‌નિદાન થતાં હવે ઍન્જિયોપ્લાસ્ટી કરવા કહ્યું છે જેથી લિવર સુધી બ્લડ પહોંચી શકે. એના માટે સાડાચાર લાખ રૂપિયા ભરવા કહ્યું છે, પરંતુ એની વ્યવસ્થા ન થતાં આ ઑપરેશન થઈ રહ્યું નથી અને એને કારણે જીવ જોખમમાં મુકાય એમ છે. જેટલી શક્ય હતી એટલી મદદ મેળવવાની અમારી કોશિશ ચાલુ છે. જો કોઈનો આર્થિક સાથ-સહકાર મળી રહેશે તો અમે તેમના આભારી રહીશું.’

મેહુલ નગદિયાને આર્થિક મદદ કરવા નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકાય
Bank Name : HDFC Bank Ltd.
Branch Name : Juhu Versova link road, Andheri-West
Kokilaben Dhirubhai Ambani Hospital A/C no. 50100077330526
IFSC : HDFC0000019
Patient id No : 238935
આ પરિવારને મદદ કરનાર એટલે કે ડોનેશન આપનાર વ્યક્તિએ સ્ક્રીનશૉટ 98205 50179 નંબર પર તૃપ્તિ નગદિયાને વૉટ્સઍપ પર મોકલવાનો રહેશે જેથી ડોનેશનમાં કેટલી રકમ આવી એનો ટ્રૅક રાખવામાં મદદ મળી રહે એટલું જ નહીં, ડૉનેશન આપનારે પેશન્ટ આઇડી લખવાનો રહેશે. 

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK