પોલીસનું કહેવું છે કે આ લોકો કોઈ ગૅન્ગ સાથે સંકળાયેલા નથી જેમની પાસેથી બૉલીવુડના સ્ટારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી : જોકે તેઓ ગુનાહિત બૅકગ્રાઉન્ડ ધરાવે છે
સલમાન ખાન
સલમાન ખાનના પનવેલમાં ફાર્મહાઉસમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરાયેલી બે વ્યક્તિ એવી કોઈ ગૅન્ગ સાથે સંકળાયેલી નથી જ્યાંથી બૉલીવુડના સ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જોકે તેઓ પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં ગુનાહિત બૅકગ્રાઉન્ડ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે તેઓ પોતાનું આધાર કાર્ડ પંજાબમાં ભૂલી ગયા હતા એટલે તેમણે મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ગયા અઠવાડિયે ફર્નિચરના વેપારી અજેશકુમાર ઓમપ્રકાશ ગીલા અને ગુરુસેવક સિંહ તેજ સિંહ સિખે પનવેલમાં સલમાન ખાનના ફાર્મહાઉસમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમને સિક્યૉરિટી ગાર્ડ દ્વારા પકડીને પોલીસને સોંપવામાં આવ્યા હતા, જે પછી બન્ને સામે ટ્રેસપાસિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં વધુ તપાસ કરતાં સામે આવ્યું હતું કે બન્નેની પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં સ્થાનિક ગુંડાઓ સાથેની લડાઈ બાદ તેઓ પહેલી વાર મુંબઈ આવ્યા હતા. ત્યાર બાદ તેમણે સેલિબ્રિટીઝનાં ઘરોની બહાર તેમની એક ઝલક મેળવવા માટે મુલાકાત લીધી હતી. દરમ્યાન સલમાન ખાનનું અર્પિતા ફાર્મહાઉસ પનવેલના અંદરના ભાગમાં હોવાનું જાણવા મળતાં તેઓ કમ્પાઉન્ડમાં સરળતાથી પ્રવેશવાની તકની આશાએ રિક્ષામાં પનવેલ પહોંચ્યા હતા. પોલીસની તપાસમાં બન્નેના મોબાઇલ ફોન પર એક જ ફોટો સાથે બે આધાર કાર્ડની સૉફ્ટ કૉપી મળી હતી, જેમાં કાર્ડના એક સેટમાં અજેશકુમાર ઓમપ્રકાશ ગીલા અને મહેશકુમાર રામનિવાસના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા સેટમાં વિનોદકુમાર રાધેશ્યામ અને ગુરુસેવક સિંહ તેજ સિંહ સિખ તરીકે નામ દર્શાવવામાં આવ્યું હતું. એ વિશે પૂછવા પર બન્નેએ પોલીસને કહ્યું હતું કે તેમણે આધાર કાર્ડ મોબાઇલ પર બનાવ્યું હતું, કારણ કે તેમની પાસે તેમના અસલ આધાર કાર્ડ નહોતું. પંજાબથી ટ્રેનની મુસાફરી દરમ્યાન તેમણે જાણ્યું કે મુંબઈમાં હોટેલની રૂમ બુક કરવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે. તેમની પાસે આધાર કાર્ડ ન હોવાથી ઇન્ટરનેટની મદદથી આધાર કાર્ડ તૈયાર કર્યું હતું અને એના પર પોતાના ફોટો ચોંટાડી દીધા હતા.
ADVERTISEMENT
પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સલમાન ખાનને જે ગૅન્ગથી ધમકીઓ મળી હતી એની સાથે આ બન્નેને કંઈ લાગતું-વળગતું નથી. પ્રાથમિક તપાસમાં તેઓ પંજાબના કોઈ લોકલ ગુંડાઓથી ડરીને મુંબઈ આવી પહોંચ્યા હતા. આ કેસમાં તેમને નોટિસ આપી છોડી મૂકવામાં આવ્યા છે.’


