નવ મહિનાથી ચાલી રહેલા શિવસેનામાં સત્તાસંઘર્ષની સુપ્રીમ કોર્ટમાં પાંચ જસ્ટિસની બંધારણીય ખંડપીઠ સમક્ષ ગઈ કાલે વધુ એક સુનાવણી પાર પડી હતી

ફાઇલ તસવીર
નવ મહિનાથી ચાલી રહેલા શિવસેનામાં સત્તાસંઘર્ષની સુપ્રીમ કોર્ટમાં પાંચ જસ્ટિસની બંધારણીય ખંડપીઠ સમક્ષ ગઈ કાલે વધુ એક સુનાવણી પાર પડી હતી. આ સમયે શિવસેનામાં બળવો થયા બાદ રાજ્યમાં ઊભી થયેલી રાજકીય કટોકટી વખતે તત્કાલીન ગર્વનરે લીધેલા નિર્ણય બાબતે કોર્ટે સવાલ કર્યા હતા. બળવા બાદ લઘુમતીમાં આવી ગયેલી સરકારને ફ્લોર-ટેસ્ટ કરવાનો પત્ર લખવાની સાથે એકનાથ શિંદે જૂથે નવી સરકાર બનાવવા પત્ર લખ્યો હતો ત્યારે રાજ્યપાલે તેઓ કયા પક્ષના છે એ પૂછવાને બદલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. રાજ્યપાલનું આવું વર્તન લોકશાહી માટે બરાબર નથી એમ કોર્ટે કહ્યું હતું.
શિવસેનાના સત્તાસંઘર્ષ બાબતે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે રાજ્ય સરકાર વતી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી. આ સમયે ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે કહ્યું હતું કે શિવસેનાના બળવો કરનારા વિધાનસભ્યોએ રાજ્યપાલનો સંપર્ક કર્યો ત્યારે રાજ્યપાલે તેમને પૂછવું જોઈતું હતું કે ત્રણ વર્ષ સુધી તમે એનસીપી અને કૉન્ગ્રેસ સાથેની સરકારમાં ખુશ હતા તો રાતોરાત એવું શું બની ગયું કે તમે સરકારમાંથી બહાર નીકળવા માગો છો? સત્તાધારી પક્ષમાં વિધાનસભ્યો વચ્ચે મતભેદ હોય એનો અર્થ એવો નથી કે રાજ્યપાલ આ વિધાનસભ્યો સરકારમાંથી બહાર પડવા માગે છે એટલે ફ્લોર-ટેસ્ટ લેવાનું કહે. આ લોકશાહીનો દુ:ખદ તમાશો છે.’
રાજ્ય સરકાર અને રાજ્યપાલ વતી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં શિવસેનાના ૩૪ વિધાનસભ્યોએ રાજ્યપાલને સરકારમાંથી બહાર પડવા બાબતે અને તેઓ મુખ્ય પ્રધાન તેમ જ શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મત સાથે સંમત નથી એ સંબંધે પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમને ધમકી આપવામાં આવી હોવાનું અને કેટલાંક સ્થળે હુમલા પણ થયા હોવાનું લખવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ પત્ર વિશે કહ્યું હતું કે ‘સરકારમાંથી બહાર પડેલા વિધાનસભ્યોના આવા પત્રથી તાત્કાલિક કોઈ નિર્ણય લેવાની જરૂર નહોતી. સરકાર વિધાનસભામાં બહુમતી ગુમાવી દે કે સરકાર તૂટી પડે તો રાજ્યપાલ ચાલી રહેલી સરકારને ફ્લોર-ટેસ્ટ લેવાનું કહી શકે.’
ઉદ્ધવ ઠાકરે વતી કોર્ટમાં દલીલ કરનારા ઍડ્વોકેટ કપિલ સિબલે કહ્યું હતું કે ‘વિધાનસભ્યોને જનતા ચૂંટે છે. ચૂંટણી પંચ ચૂંટાયેલા વિધાનસભ્યોને પત્ર આપે ત્યાર બાદ વિધાનસભામાં વિધાનસભ્યોની ઓળખ રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે થાય છે. વિધાનસભાના સ્પીકર અને રાજ્યપાલ પક્ષને ધ્યાનમાં રાખે છે. વિધાનસભ્યોની કોઈ ઓળખ નથી હોતી. લોકશાહી એટલે માત્ર આંકડાની રમત નથી. રાજ્યપાલ અને વિધાનસભાના સ્પીકરે વિધાનસભ્યોની સંખ્યા જ નહીં પણ રાજકીય પક્ષને પણ મહત્ત્વ આપવું જોઈએ. આથી રાજ્યપાલે પણ આંકડાને બદલે પક્ષને મહત્ત્વ આપવું જોઈએ.’
પાંચ જસ્ટિસની ખંડપીઠે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આજે સુનાવણી હાથ ધરવાનું કહીને ગઈ કાલની સુનાવણી મોકૂફ રાખી હતી.