આંબેડકર જયંતીના કાર્યક્રમ વખતે થયેલા ઝઘડા પછી પિતા-પુત્ર દ્વારા જીવલેણ હુમલો
અશોક કાંબળે
થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં ૮ મેએ સાંજે રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI) આઠવલે જૂથના ૪૨ વર્ષના પદાધિકારી અશોક કાંબળે પર લોખંડના સળિયા અને કોયતા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ સારવાર દરમ્યાન મંગળવારે તેનું મૃત્યુ થતાં વાગળે એસ્ટેટ વિસ્તારમાં તનાવનો માહોલ સર્જાયો હતો. આ મામલે શ્રીનગર પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને ૫૦ વર્ષના મુખ્ય આરોપી અર્જુન કોકણેની ધરપકડ કરી છે, જ્યારે તેના પુત્ર આકાશ કોકણેની શોધ ચલાવવામાં આવી રહી છે. મંગળવારે રાતે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને તનાવનો માહોલ ફેલાઈ ગયો હતો અને ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે મામલો શાંત પાડવામાં આવ્યો હતો. આ ઘટના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વિધાનસભા વિસ્તારમાં બની હતી.
શ્રીનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અશોક કાંબળે RPI-આઠવલે ગ્રુપમાં થાણે જિલ્લા યુવક આઘાડીના જનરલ સેક્રેટરી તરીકે સક્રિય હતો અને વાગળે એસ્ટેટના રામનગર વિસ્તારમાં પત્ની અર્ચના અને બે પુત્રીઓ સિદ્ધિ તથા માહી સાથે રહેતો હતો. ૧૪ એપ્રિલે યોજાયેલા આંબેડકર જયંતીના સરઘસમાં આરોપી આકાશ કોકણે મહિલાઓ નાચી રહી હતી એ જગ્યાએ ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ સમયે અશોક કાંબળેએ તેને ટોક્યો હતો અને બહાર કાઢ્યો હતો. આ વાતનો ખાર રાખીને આકાશે એ સમયે જ અશોક કાંબળેને જોઈ લેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ જ અદાવતમાં ૮ મેએ અશોક કાંબળે લગ્નના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો ત્યારે પિતા-પુત્રે તેને ઘેરીને કાર્યક્રમથી થોડે દૂર અશોક પર બેરહેમીથી હુમલો શરૂ કર્યો હતો. બૂમાબૂમ સાંભળીને અશોકની પત્ની ત્યાં દોડી આવી ત્યારે તેની નજર સામે જ લોખંડના કોયતા અને લોખંડના સળિયા વડે અશોકને નિર્દયતાથી ફટકારી રહ્યા હતા. શરૂઆતમાં આ મામલે અમે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન અશોક કાંબળેનું મોત થતાં હવે આ કેસને હત્યાના ગુનામાં બદલવામાં આવ્યો છે.’
