પોતાની પાસે પડેલા પૈસા સ્ટૉકમાર્કેટમાં ઇન્વેસ્ટ કરવા ગૂગલ પર સર્ચ કરવા ગયાં એમાં ફસાયાં
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવી મુંબઈના ખારઘરમાં રહેતાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)નાં ભૂતપૂર્વ મહિલા મૅનેજરે પોતાની પાસે પડેલા પૈસા શૅરમાર્કેટમાં ઇન્વેસ્ટ કરવા મે મહિનાના અંતમાં ગૂગલ પર તપાસ કરવા જતાં ૪,૪૦,૨૫,૨૫૦ રૂપિયા સાઇબર ફ્રૉડમાં ગુમાવ્યા હોવાની ફરિયાદ નવી મુંબઈના સાઇબર પોલીસ-સ્ટેશનમાં બુધવારે નોંધાઈ છે. સાઇબર ગઠિયાએ મે, જૂન અને જુલાઈ મહિનાની શરૂઆત સુધી તેમને અલગ-અલગ શૅર વિશેની માહિતી આપીને પૈસા ઇન્વેસ્ટ કરાવ્યા હતા. એમાં પાંચ કરોડ રૂપિયા કરતાં વધારેનો પ્રૉફિટ દેખાતાં પોતાના પૈસા અને પ્રૉફિટ પાછા મેળવવા જતાં પોતાની સાથે થયેલી છેતરપિંડીની તેમને જાણ થઈ હતી.
રિઝર્વ બૅન્કનાં ૬૭ વર્ષનાં ભૂતપૂર્વ મહિલા મૅનેજરે સાઇબર ગઠિયાની લાલચમાં આવીને પોતાનું તમામ સેવિંગ્સ સાઇબર ફ્રૉડમાં ગુમાવ્યું હતું એમ જણાવતાં નવી મુંબઈના સાઇબર વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખારઘરમાં રહેતાં આ મહિલાએ પોતાની પાસે પડેલા પૈસા શૅરમાર્કેટમાં ઇન્વેસ્ટ કરવા મે મહિનામાં ગૂગલ પર સર્ચ કર્યું ત્યારે તેમને એક કંપનીની માહિતી મળી હતી. એ કંપનીના હેડ ઑફ ડિરેક્ટરની તપાસ કરતાં કંપની વિશ્વાસપાત્ર હોવાની તેમને ખાતરી થઈ હતી. ત્યાર બાદ તેમને એક વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કરવામાં આવ્યાં હતાં. આ ગ્રુપમાં શૅરટ્રેડિંગ ટિપ્સ વિશે સતત પોસ્ટ આવતી હતી એટલું જ નહીં, ગ્રુપમાં રહેલા લોકો શૅરમાં થયેલા પ્રૉફિટના સ્ક્રીનશૉટ પણ ગ્રુપમાં નાખી રહ્યા હતા. એ જોઈને મહિલાને વિશ્વાસ થયો હતો અને તેઓ શૅરમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર થયાં હતાં. ત્યારે તેમને https://www.lfgjkbn.com લિન્ક મોકલીને આધાર કાર્ડ, મોબાઇલ-નંબર વગેરે માહિતી ભરવા કહેવામાં આવ્યું હતું. એ ભરી દેતાં મહિલાનો યુઝર ID પાસવર્ડ જનરેટ થયો હતો. એ પછી IPO ખરીદવા, બલ્ક ટ્રેડિંગ, અપર સર્કિટ, ઓવર ધ કાઉન્ટર (OTC) જેવાં વિવિધ કારણો આપીને ૨૪ મેથી ૯ જુલાઈ સુધીમાં મહિલાએ અલગ-અલગ બૅન્ક-અકાઉન્ટમાં ૪,૪૦,૨૫,૨૫૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. થોડા વખત પછી એ લિન્ક પોર્ટલ પર ૧૫,૭૩,૭૮,૧૯૯ રૂપિયાનો નફો મહિલાને દેખાતો હોવાથી તેણે પાંચ કરોડ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે એ રકમ ઉપાડી શકી નહોતી. મહિલાએ કસ્ટમર કૅરનો સંપર્ક કર્યો ત્યારે તેને દંડની રકમ ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું. એની સાથે કહેવામાં આવ્યું કે આ રકમ તાત્કાલિક ચૂકવવી પડશે, નહીં તો કોઈ રીફન્ડ મળશે નહીં. અંતે આ લિન્ક પોર્ટલ વિશે પૂછપરછ કરી ત્યારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં તેણે અમારી પાસે ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
પૈસા પાછા મેળવવા મહિલાએ બૅન્કમાંથી લોન પણ લીધી હતી એમ જણાવીને એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાએ જે પૈસા સાઇબર ફ્રૉડમાં ગુમાવ્યા છે એમાંથી ૮૦ ટકા રકમ તેની અને તેના પતિની હતી. બાકી પૈસાની તેણે બૅન્કમાંથી લોન કઢાવી હતી જે સાઇબર ફ્રૉડમાં મહિલાએ ગુમાવ્યા છે. એની રિકવરી માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.’

