સમેતશિખરમાં ધાર્મિક રિવાજ અને પરંપરાનું થશે પાલન
ટુસુના તહેવારની શાંતિથી ઉજવણી થાય અને કાયદો - વ્યવસ્થા જળવાઈ રહે એ માટે રવિવારે સ્થાનિક જૈન અને સંથાલ સમુદાયના અગ્રણીઓની સાથે સ્થાનિક વિધાનસભ્યો અને પ્રશાસનના અધિકારીઓની મીટિંગ.
પારસનાથ પર્વત પર વર્ષોની પરંપરા પ્રમાણે અર્ચના-પૂજા થતી રહેશે એવો ઝારખંડમાં યોજાયેલી મીટિંગમાં લેવાયો નિર્ણયઃ જોકે આ બધા વચ્ચે સમેતશિખરના સ્થાનિક રહેવાસીઓ આજથી આંદોલનની શરૂઆત કરશે
ઝારખંડમાં આવેલા શ્રી સમેતશિખર તીર્થના પારસનાથ પર્વતના સંદર્ભમાં ઑગસ્ટ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે ઇકો-સેન્સિટિવ ઝોનને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેના પર જૈનોના આંદોલન બાદ કેન્દ્ર સરકારે પાંચમી જાન્યુઆરીએ સ્ટે આપી દીધો હતો અને હવે પછી સમેતશિખર તીર્થ પર કોઈ ગરબડ ન થાય એ જોવા માટે મૉનિટરિંગ કમિટીની રચના કરવાની જાહેરાત કરી હતી. એને પરિણામે જૈનોએ તેમના આંદોલનને ગયા ગુરુવારથી વિરામ આપી દીધો હતો. જોકે સમેતશિખરના સ્થાનિક રહેવાસીઓ સમેતશિખર અને પારસનાથ પર્વત પર અમારો હક હતો, છે અને રહેશે એ માગણી સાથે આજે આંદોલનની શરૂઆત કરવાના છે.
ADVERTISEMENT
આ દરમિયાન મકરસંક્રાન્તિના દિવસે ઝારખંડનો ટુસુનો તહેવાર શાંતિથી પાર પડે અને એ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ઝારખંડના મધુબન ગેસ્ટ હાઉસમાં રવિવારે સ્થાનિક બધા જ સમુદાયના જૈન સંઘોના અગ્રણીઓએ અને સમેતશિખરના સંથાલ સમુદાયના અગ્રણીઓએ પ્રશાસનના અધિકારીઓ સાથે એક મીટિંગ કરી હતી. આ મીટિંગમાં બંને સમુદાય વચ્ચે સંપ અને શાંતિ જળવાઈ રહે એ માટે પારસનાથ પર્વત પર વર્ષોની પરંપરા જે રીતે ચાલી રહી છે એ રીતે જ તેમની અર્ચના-પૂજા કરતા રહેશે એવો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય પ્રમાણે બંને સમુદાયના અસ્તિત્વની ભાવના અને આસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આથી મકરસંક્રાન્તિના તહેવાર જેને ઝારખંડમાં ટુસુના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે એ દરમ્યાન જૈનોના તીર્થ યાત્રીઓને તકલીફ ન થાય એ રીતે મરાંગ બુરુ તીર્થસ્થળ પર સ્થાનિક લોકો તેમની આસ્થા પ્રમાણે ઉજવણી કરવામાં આવશે.
ટુસુ તહેવાર ઝારખંડની કુડમી કોમ અને આદિવાસીઓનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવારની શ્રી સમેતશિખરજી અને પારસનાથ હિલ પર ૧૦૦ વર્ષથી વધારે લાંબા સમયથી ઉજવણી કરવામાં આવે છે. આ પર્વ નારી શક્તિના સન્માન અને સ્વાભિમાન તરીકે મનાવવામાં આવે છે. ઝારખંડના પંચપગના ક્ષેત્રમાં નજીકમાં ઠંડીની મોસમમાં અનાજની વાવણી કર્યા પછી એક મહિના સુધી એની ઉજવણી કરવામાં આવે છે. જેમ હિન્દુઓ દિવાળીના તહેવારની પાંચ દિવસ સુધી ઉજવણી કરે છે એમ ઝારખંડમાં ટુસુનો તહેવાર નવા વર્ષનું સ્વાગત કરવા માટે ધામધૂમથી ઊજવાય છે. એમાં ચારેય દિવસ સરઘસ નીકળે છે તેમ જ રસ્તા પર અનેક પ્રકારના નાચગાન પણ કરવામાં આવે છે. આ તહેવાર અગહન સંક્રાન્તિથી લઈને મકરસંક્રાન્તિ સુધી ઊજવાય છે. કુંવારી કન્યાઓ ટુસુની સ્થાપના કરીને રોજ સાંજે અર્ચનાપૂજા કરીને આ તહેવારની ઉજવણી કરે છે.
રવિવારે મધુબન ગેસ્ટ હાઉસમાં મળેલી મીટિંગમાં પારસનાથ પર્વતના ચાલી રહેલા વિવાદને નિપટવા માટે સ્થાનિક વિધાનસભ્ય, જૈન સમુદાય અને જૈન ટ્રસ્ટના દિગંબર અને શ્વેતાંબરના પ્રતિનિધિઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, સ્થાનિક સંથાલય અને ગેરસંથાલયોના અગુવા અને જિલ્લા પ્રશાસકના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મીટિંગ સકારાત્મક રહી હતી. બંને સમુદાયે અસ્તિત્વની ભાવના યથાવત્ રાખવા પર ભાર મૂક્યો હતો.
આ માહિતી આપતાં રાંચીના જૈન અગ્રણી પંકજ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મીટિંગની ચર્ચાવિચારણા અને વાર્તાલાપમાં બંને પક્ષો વચ્ચે નિર્ણય લેવાયો હતો કે જૈન સમુદાય તરફથી કોઈ પણ નવા નિયમો લાદવામાં નહીં આવે. એનાથી સંથાલ સમુદાય કોઈ પ્રતિબંધ નહીં લાવે જેનાથી આપસમાં નારાજગી ઊભી થાય અને વાતાવરણ તોફાની બને. સમેતશિખર તીર્થમાં આવતા જૈનો પર જ સ્થાનિક રહેવાસીઓનો નિર્વાહ ચાલી રહ્યો છે. આથી બંને સમુદાય તેમની વર્ષોથી ચાલી આવતા ધાર્મિક રિવાજ અને પરંપરાનું પાલન કરશે અને એકબીજાનું સન્માન કરશે. ટુસુના તહેવારના દિવસે આ પર્વત પર કોઈ પણ બલિ ૭૦ વર્ષથી વધુ સમયથી ચડાવવામાં આવતો નથી. રવિવારે રચાયેલી કમિટીના આદેશ પ્રમાણે ટુસુના દિવસે કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે પારસનાથ પર્વતની આસપાસ માંસ-મદિરાનું વેચાણ કે સેવન કરવામાં આવશે નહીં. આ પર્વતની પવિત્રતાની જાળવણીની જવાબદારી રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. રવિવારે બંને સમુદાયના નેતાઓ અને પ્રશાસન કેન્દ્ર સરકારના નોટિફિકેશન પર અમલીકરણ થાય એના પર તેમની નજર રાખશે.’
જોકે આ દરમિયાન પારસનાથ પર્વતના ચાલી રહેલા વિવાદમાં હવે આદિવાસી સંગઠનો અને સ્થાનિક રહેવાસીઓ પર કૂદી પડ્યાં છે. આદિવાસી સંગઠનોએ પારસનાથ પર્વત પોતાનું પૂજનીય સ્થાન હોવાનો દાવો કર્યો છે. તેમના આ સ્થાનને બચાવવા માટે આજે સમેતશિખરમાં દેશભરના આદિવાસીઓ જોડાવાની અપીલ કરવામાં આવી છે. આ સંગઠનોનું નેતૃત્વ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ વિધાનસભ્ય લેબિન હેંબ્રમ કરી રહ્યા છે. પહાડીના આસપાસનાં લગભગ ૫૦ ગામોના લોકોએ કહ્યું છે કે તેઓ પર્વતની તળેટીમાં તેમના બાપ-દાદાની પેઢીઓથી સાથે રહે છે આ પર્વત પર કોઈ ખાસ સમુદાયનો અધિકાર નથી. તેઓ કહે છે કે સૌથી પ્રાચીન સંગઠન આદિવાસીઓનું છે. આ પર્વત પર મરાંગ બુરુ છે. મરાંગનો અર્થ દેવતા અને બુરુનો અર્થ પર્વત થાય છે. સદીઓથી અહીં અમે અમારી પ્રાચીન પરંપરા પ્રમાણે પૂજા કરીએ છીએ. કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ પણ આદેશ આપે અમે અહીંથી હટવાના નથી. અમે મૂળ નિવાસીઓ છીએ અને અમને આ સ્થાન પરથી કે બીજી રીતની પરંપરાના નિર્વાહથી રોકવામાં આવશે તો એની સામે ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
ઝારખંડ મુક્તિ મોરચાના વિધાનસભ્યો તેમની વોટબૅન્ક સાચવવા માટે કોઈ પણ રીતે પારસનાથ તીર્થ જૈનોના હાથમાં જાય કે સરકાર આ મુદ્દે કોઈ સમાધાન કરે એવું ઇચ્છતા નથી. મળેલી માહિતી પ્રમાણે વિધાનસભ્ય લેબિન હેંબ્રમ સહિત આદિવાસી સંગઠનોના નેતા નરેશ મુર્મૂ, પીસી મુર્મૂ, અજય ઉરાંવ, સુશાંતો મુખરજી કહે છે કે જૈન મુનિઓ પારસનાથ પર્વત પર તપશ્ચર્યા કરવા આવ્યા હતા અને અહીં તેમનું નિધન થઈ ગયું એનો મતલબ એવો નથી કે આ પર્વત જૈન સમુદાયનો થઈ ગયો. આ ધરોહરથી બચાવવા માટે દેશભરમાંથી હજારો આદિવાસીઓ આજે સમેતશિખરજી પહોંચશે. પારસનાથ પર્વત અમારો છે અને અમારો રહેશે એ માગણી સાથે ૨૫ જાન્યુઆરીએ બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાતુ ગામમાં આદિવાસીઓ ભૂખહડતાળ પર ઊતરશે.
પંકજ જૈને આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા મહિનાઓથી સ્થાનીય ભાષાઓ અને મૂળવાસીઓના અધિકારો માટે લડી રહેલા અને અત્યાર સુધીમાં સેંકડો સભાઓ કરી ચૂકેલા યુવાનેતા જયરતા મહતોએ પણ ધમકી આપી છે કે ‘આ પર્વતની તળેટીમાં રહેનારી દરેક વ્યક્તિનો આના પર અધિકાર છે. જો સ્થાનિક રહેવાસીઓને આ પર્વત પર જતાં કોઈ રોકશે કે રોકવાનો પ્રયાસ પણ કરશે તો જોરદાર આંદોલન થશે.’
સ્થાનિક જૈનો અને જનજાતિ સમુદાયમાં કોઈ વૈમનસ્ય નથી
ગઈ કાલે હજી મૉનિટરિંગ કમિટીની રચના થઈ નથી એમ જણાવતાં મૂળ દિલ્હીના પરંતુ છેલ્લાં ચાર વર્ષથી સમેતશિખરજી દેરાસરનો વહીવટ સંભાળી રહેલા સુભાષ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમેતિશિખરજી તીર્થના મુદ્દે સ્થાનિક જૈનોમાં કે જનજાતિ સમુદાયમાં કોઈ વૈમનસ્ય છે નહીં અને અહીંના અમે સ્થાનિક રહેવાસીઓ આગળ જતાં પણ આ બે સુમદાય વચ્ચે વૈમનસ્ય થાય નહીં એ માટે પ્રયાસ કરી રહ્યા છે. અમારી રવિવારની મીટિંગમાં પણ બંને સમુદાયોએ એકબીજા સાથે પ્રેમભાવ વધે અને કોઈ વિવાદો સર્જાય નહીં એવા જ નિર્ણયો લીધા હતા.
સરકાર દ્વારા રાજ્યનાં નવ જૈન તીર્થની ટૂર
જૈનો માટે સારા સમાચાર છે. રાજ્યના ડિપાર્ટમેન્ટ ઑફ ટૂરિઝમે રાજ્યનાં મહત્ત્વનાં નવ જૈન તીર્થોને આવરી લેતી ટૂરનું આયોજન કર્યું છે. રાજ્યનાં જૈન તીર્થોની સુરક્ષા અને વિકાસ અંતર્ગત ‘પવિત્ર જૈન તીર્થ દર્શન સર્કિટ’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજભવનમાં ગઈ કાલે ભગત સિંહ કોશ્યારી અને મહામંડલેશ્વર શ્રી વિશ્વેશ્વરાનંદ ગિરિજીના હસ્તે પર્યટનપ્રધાન મંગલ પ્રભાત લોઢાએ આ સર્કિટનું લોકાર્પણ કર્યું હતું. ભગત સિંહ કોશિયારીએ આ પ્રસંગે કહ્યું હતું કે ‘અધ્યાત્મને ધ્યાનમાં લેતાં હાલના સમયમાં પર્યટન સાથે તીર્થાટન પણ એટલું જ મહત્ત્વનું છે અને જૈન તીર્થદર્શન સર્કિટના માધ્યમથી તીર્થક્ષેત્રની સુરક્ષા અને વિકાસના કામને હાથમાં લેવાનો આ પ્રયાસ સારો છે. મોટાં-મોટાં સંકટો અને આક્રમણો પછી પણ આપણી સંસ્કૃતિ અને ધર્મ અબાધિત રહ્યાં છે. જૈન ધર્મ અને સમાજનું દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસમાં બહુ મોટું યોગદાન રહેલું છે. હવે પછી આપણે પણ ભગવાન જિનેન્દ્રના માર્ગે આગળ વધવું જોઈએ.’ આ તીર્થાટન હેઠળ નાશિક જિલ્લાના સટાનામાં આવેલું શ્રી માંગીતુંગીજી દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર દેવસ્થાન, શાહપુર માનસ મંદિર, ધુળે જિલ્લાના સાક્રીમાં આવેલું શ્રી બલસાના શ્વેતાંબર જૈન તીર્થ, કોલ્હાપુર જિલ્લામાં બાહુબલીનું શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર, કોલ્હાપુર જિલ્લાનું કુમ્ભોજ બાહુબલિ જૈન મંદિર, નાશિક જિલ્લાના દીંડોરી તાલુકામાં વણીમાં આવેલું શ્રી અમીઝરા શંખેશ્વર પાર્શ્વભ્યુદય તીર્થ, પુણે જિલ્લાના શિરુર તાલુકાના પાબળમાં આવેલું પદ્મ અને જૈન તીર્થ, મુંબઈના પાયધુનીનું શ્રી ગોડીજી પાર્શ્વનાથ તીર્થ અને વાશિમ જિલ્લાના માલેગાવ તાલુકામાં આવેલા શિરપુરનું અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાન તીર્થ સ્થળ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

