આ સંદર્ભે મુંબઈ પોલીસે પણ સ્પષ્ટતા કરી હતી કે રવીના સામે કરવામાં આવેલા એ આક્ષેપો જૂઠા છે.
રવીના ટંડન
રવીના ટંડને બીજી જૂને દારૂની અસર હેઠળ તેની કાર બેકાળજીપૂર્વક ચલાવીને સિનિયર સિટિઝનોને અડફેટે લીધા અને એથી લોકોએ તેને ધક્કે ચડાવી હોવાનો આરોપ મૂકીને સોશ્યલ મીડિયા પર વિડિયો મૂકનાર ફ્રીલાન્સ જર્નલિસ્ટને રવીનાએ હવે માનહાનિની નોટિસ મોકલી છે. આ સંદર્ભે મુંબઈ પોલીસે પણ સ્પષ્ટતા કરી હતી કે રવીના સામે કરવામાં આવેલા એ આક્ષેપો જૂઠા છે.
રવીનાની વકીલ સના રઈસે આ સંદર્ભે કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં રવીનાને ખોટી રીતે એક શાબ્દિક ટપાટપીમાં સંડોવીને તેના પર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે ત્યાર બાદ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં ખોટા હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે એમ છતાં પોતાને પત્રકાર કહેડાવતી તે વ્યક્તિએ એ ઘટના બદલ સોશ્યલ મીડિયા પર જે માહિતી મૂકી હતી એ હકીકતમાં ખોટી અને ગેરમાર્ગે દોરનારી હતી. આવા જાણીજોઈને કરાયેલા ખોટા પ્રચારને કારણે રવીનાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. અમે ન્યાય મેળવવા આ સંદર્ભે હાલ કાયદાકીય પગલાં લઈ રહ્યા છીએ. અમે તે વ્યક્તિને કહ્યું પણ ખરું કે તે એ વિડિયો હટાવી લે. એમ છતાં તેણે એ વિડિયો હટાવ્યો નથી. તેણે એ માટે ના પાડી દીધી છે.’
દરમ્યાન એવું જાણવા મળ્યું છે કે રવીનાએ એ ઘટનામાં તેના ડ્રાઇવરને ટોળાથી બચાવવા જે હિંમત બતાવી હતી એ માટે તેને હ્યુમન રાઇટ્સ કમિશને બ્રેવરી અવૉર્ડ આપવાનું નક્કી કર્યું છે અને એ માટે ૩૧ ઑગસ્ટે તેને દિલ્હી બોલાવવામાં આવી છે.


