પુણેમાં રેવ પાર્ટીમાં પકડાયેલા પ્રાંજલ ખેવલકર સામે નવા ચોંકાવનારા આક્ષેપો
પ્રાંજલ ખેવલકર
પુણે પોલીસે થોડા દિવસ પહેલાં એક ફ્લૅટમાં દરોડો પાડીને રેવ પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એમાં રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકર સહિત અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના મહિલા આયોગમાં મળેલી ફરિયાદોમાં પ્રાંજલ પર ગંભીર આરોપ કરવામાં આવ્યો હતો. એ આરોપની તપાસ કરવાનો આદેશ પણ પુણે પોલીસને આપવામાં આવ્યો હતો.
રાજ્યના મહિલા આયોગનાં અધ્યક્ષ રૂપાલી ચાકણકરે એ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હોવાનું પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘જે અહેવાલ સોંપાયો છે એમાં રેવ પાર્ટીની તપાસ અંતર્ગત પોલીસે પ્રાંજલ ખેવલકરના હડપસરના ઘરેથી તેનો મોબાઇલ જપ્ત કર્યો હતો. એના ગુપ્ત ફોલ્ડરમાં ૨૫૨ અશ્ળીલ વિડિયો અને ૧૪૯૭ નગ્ન ફોટો સેવ કરેલા હોવાનું જણાઈ આવ્યું હતું. વળી ઘણાબધા વિડિયોમાં પ્રાંજલ પોતે હોવાનું જણાઈ આવ્યું છે. આમ આ બહુ મોટું રૅકેટ છે. એ ગુપ્ત ફોલ્ડરનો નંબર આરુષના નામે સેવ કરવામાં આવ્યો હતો.’
ADVERTISEMENT
પિક્ચરમાં કામ અપાવવાના બહાને યુવતીઓને બોલાવવામાં આવતી
ફિલ્મમાં કામ આપવાના બહાને યુવતીઓને બોલાવવામાં આવતી હતી. આ કામ આરુષ કરતો હતો. ગોવા, લોનાવલા, સાકીનાકા, જળગાંવ એમ અલગ-અલગ જગ્યાએ યુવતીઓને બોલાવવામાં આવતી હતી. આ યુવતીઓ સાથે જાતીય અત્યાચાર કરવામાં આવ્યો હતો એવું જણાઈ આવ્યું છે. આ એક અનૈતિક માનવતસ્કરીનું મોટું રૅકેટ હોવાની શક્યતા છે એમ જણાવીને રૂપાલી ચાકણકરે કહ્યું હતું કે ‘આ કેસમાં અનૈતિક શોષણ, માનવતસ્કરી અને મહિલાઓનું અનૈતિક શોષણ થયું હોવાથી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની સ્થાપના કરીને તપાસ કરવા પત્ર લખીને જણાવાયું છે. ૨૮ વખત રૂમ બુક કરાવીને મહિલાઓનું શોષણ કરવામાં આવ્યું હતું એવું તપાસમાં જણાઈ આવ્યું હતું. તેના મોબાઇલ અને ફોનકૉલ્સની તપાસ થવી જોઈએ. અનેક વિડિયોમાં પ્રાંજલ ખેવલકર પોતે છે. એવું જાણવા મળ્યું છે કે જે યુવતીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એવી યુવતીઓનો યુઝ થયો છે. કેટલીક યુવતીઓએ ફરિયાદ કરી છે. બીજી યુવતીઓ પણ આગળ આવે.’


