છેલ્લો મૃતહેદ બહાર કાઢીને ૮૩ કલાક બાદ રેસ્ક્યુ ઑપરેશન પૂરું કરવામાં આવ્યું, મૃત્યુઆંક ૯ થયો, ૧૪ લોકોને બચાવવામાં આવ્યા
પુણે નજીક મોશીમાં વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ ધરાશાયી થયો હતો તે.
પુણે નજીક મોશીમાં વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ ધરાશાયી થવાના કારણે છેલ્લા ગુમ થયેલા માણસનો મૃતદેહ બચાવટીમોએ રવિવારે વહેલી સવારે શોધી કાઢ્યો હતો, જેનાથી આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ૯ થયો હતો. ત્યાર બાદ કુલ ૮૩ કલાક ચાલેલી આ શોધખોળની કામગીરી બંધ કરવામાં આવી હતી. વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટના એક વરિષ્ઠ અધિકારીએ ૮ જુલાઈની ઘટનાને ‘ઍક્ટ ઑફ ગૉડ’ ગણાવી હતી.
પુણે જિલ્લાના મોશી ખાતે પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંચાલિત વેસ્ટ-ટુ-એનર્જી (WTE) પ્લાન્ટના ૩ માળના વહીવટી બિલ્ડિંગ પર ટનબંધ કચરાનો ઢગલો ભૂસ્ખલનની જેમ પડતાં એ તૂટી પડ્યું હતું. ઑફિસરોએ જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે કાટમાળમાંથી છેલ્લા ગુમ થયેલા વામન કસબેનો મૃતદેહ મળી આવ્યો હતો જેનાથી મૃત્યુઆંક ૯ થયો હતો, જ્યારે ૧૪ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ઍન્ટની વેસ્ટ ગ્રુપના ગ્રુપ-પ્રેસિડન્ટ મહેન્દ્ર અનંતુલાએ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ‘આ ઍક્ટ ઑફ ગૉડ હતું - કુદરતી આફત. કોઈ એની આગાહી કરી શક્યું નહીં. કંપની આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોનો મેડિકલ ખર્ચ ભોગવશે.’
ગ્રુપ-પ્રેસિડન્ટ મહેન્દ્ર અનંતુલાએ કંપનીના યોગદાન અને વીમા પૉલિસી દ્વારા દરેક મરનારના પરિવાર માટે પચીસ-પચીસ લાખ રૂપિયાનું વળતર પૅકેજ પણ જાહેર કર્યું હતું. વળી કંપની દુર્ઘટનામાં મરનાર દરેક વ્યક્તિના પરિવારના એક સભ્યને ફુલ ટાઇમ નોકરી આપશે અને તેમનાં ટીનેજ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવશે એવી જાહેરાત પણ કરી હતી.
