Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇસ દૂધ મેં સબ કુછ કાલા હૈ

ઇસ દૂધ મેં સબ કુછ કાલા હૈ

Published : 13 July, 2026 07:14 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

મહારાષ્ટ્રમાં બનાવટી દૂધના ઝેરી નેટવર્ક પર FDAની સર્જિકલ સ્ટ્રાઇકનાં મંડાણ કેવી રીતે થયાં?

દૂધની ચકાસણી કરી રહેલા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશનના કર્મચારીઓ.

દૂધની ચકાસણી કરી રહેલા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશનના કર્મચારીઓ.


પામ આ‍ૅઇલ, શૅમ્પૂ, યુરિયા અને ડિ‌ટર્જન્ટ જેવા ખતરનાક પદાર્થોના ઉપયોગથી નકલી દૂધને અસલી જેવો ઓપ આપતા બદમાશો પર એકસાથે પાંચ જિલ્લામાં ત્રાટકીને તુકારામ મુંઢેએ સપાટો બોલાવી દીધો છે. આખા રૅકેટનો પર્દાફાશ કેવી રીતે થયો એ જાણી લો અને સાથે એ પણ સમજી લો કે તમારા ઘરે આવતા દૂધની ચકાસણી કેમ કરશો

તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)એ સ્વચ્છતા અને હેલ્થને લગતા નિયમો ન પાળતાં ફૂડ-આઉટલેટ્સ, હોટેલો વગેરે પર તવાઈ શરૂ કર્યા પછી દૂધમાં ભેળસેળ કરતા લોકો સામે જે મોરચો માંડ્યો છે એનાથી ખળભળાટ મચી ગયો છે. ભેળસેળિયા દૂધ સામેની FDAની કાર્યવાહી દિવસે-દિવસે તીવ્ર થતી જાય છે. ક્યાંક FDA હલકી કક્ષાનું હજારો લીટર દૂધ જપ્ત કરીને ગટરમાં વહાવી દે છે તો ક્યાંક ગુનેગારો પોતે જ પકડાઈ ન જવાય એટલે દૂધ ઢોળી નાખે છે.



મહારાષ્ટ્રનાં કેટલાંય શહેરોની જાણીતી ડેરીઓ FDAના સપાટામાં આવી ગઈ છે અને તેમની ચોરી પકડાઈ ગઈ છે. જોખમી દૂધ સામેની FDAની આ સર્જિકલ સ્ટ્રાઇકની શરૂઆત ચોથી અને પાંચમી જુલાઈએ પાંચ જિલ્લાઓમાં એકસાથે હાથ ધરાયેલા મહાઑપરેશનથી થઈ હતી. સિન્થેટિક દૂધ સામેની આ અત્યાર સુધીની મોટી કાનૂની કાર્યવાહી હતી જેમાં દોઢેક કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ઘાતક કેમિકલયુક્ત વીસેક હજાર લીટર દૂધનો ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઑપરેશનમાં કેટલાક લોકોની ધરપકડ પણ થઈ.


કેવી રીતે ભાંડો ફૂટ્યો?

આ કોઈ સામાન્ય રેઇડ નહોતી પરંતુ હાઈ-લેવલ ઑપરેશન હતું. FDAની ગુપ્તચર ટીમને સાતમી જૂને ટિપ મળી હતી કે રાજ્યમાં કુદરતી દૂધના નામે કેમિકલ દૂધ બનાવતા અને વેચતા લોકોનું સંગઠિત નેટવર્ક ચાલી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ ઝેર બનાવવાનો મુખ્ય સ્રોત પુણે જિલ્લાનો મંચર વિસ્તાર હતો. સતત આ સેટઅપ પર નજર રાખીને તથા બધા જ મહત્ત્વના પુરાવા ભેગા કરીને ચોથી અને પાંચમી જુલાઈએ મહારાષ્ટ્ર FDAના ૩૦ ફૂડ સેફ્ટી ઑફિસર્સ અને પુણે ગ્રામીણ પોલીસના ૪૦ અધિકારીઓની વિશેષ ટીમ બનાવવામાં આવી. પૂરેપૂરા પ્લાનિંગ સાથે પુણે, અહિલ્યાનગર, સોલાપુર, જાલના અને થાણે આ પાંચ જિલ્લાઓમાં એક જ સમયે એકસાથે રેઇડ પાડવામાં આવી જેથી ગુનેગારોને ભાગવાની કે પુરાવા નાશ કરવાની તક જ ન મળે. આ કાર્યવાહીમાં ડેરી ઉદ્યોગ કરતી પાંચ કંપનીઓનાં કેમ જોખમી છે આ દૂધ?


આ દૂધમાં વપરાતા પદાર્થો ધીમું ઝેર છે જે માનવશરીરનાં અંગોને અંદરથી કોતરી ખાય છે. આ સંદર્ભે ફૂડ લૅબોરેટરીના એક્સપર્ટ કહે છે, ‘ડિટર્જન્ટ અને શૅમ્પૂમાં રહેલાં કેમિકલ્સ પેટમાં જવાથી આંતરડાંની નાજુક લેયરને નુકસાન કરે છે. એ અલ્સર, ક્રોનિક ગૅસ્ટ્રાઇટિસ અને લાંબા ગાળે પાચનતંત્રના કૅન્સરનું મુખ્ય કારણ બને છે. પામ ઑઇલ ખરાબ કૉલેસ્ટરોલ વધારે છે જે ધમનીઓમાં જામી જાય છે. એનાથી નાની ઉંમરે હાર્ટ-અટૅક અને હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યાઓ વકરી રહી છે. યુરિયા અને અન્ય પ્રિઝર્વેટિવ્સ જેવા પદાર્થો શરીરમાં પ્રવેશે એટલે એને ફિલ્ટર કરવાનું કામ લિવર અને કિડનીનું છે. સતત આવું દૂધ પીવાથી કિડની-ફેલ્યરનું જોખમ અનેકગણું વધી જાય છે. ખાસ કરીને નાનાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે આ જીવલેણ સાબિત થઈ શકે છે. નાનાં બાળકોને આવા દૂધથી ડીહાઇડ્રેશન થઈ શકે છે.’ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં અને ૪ કંપનીઓને સંપૂર્ણ બંધ કરી દેવાઈ. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના કમિશનર તુકારામ મુંઢેએ પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન કહ્યું હતું કે ‘દૂધ એ બાળકો અને દરદીઓના આહારનો મહત્ત્વનો ભાગ છે. એમાં જાણીજોઈને કેમિકલ ભેળવવું એ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી પણ સમાજ વિરુદ્ધનો ગંભીર ગુનો છે. ગુનેગારો સામે કોઈ દયા દાખવવામાં આવશે નહીં. અમે માત્ર દૂધ જપ્ત કરીને અટકવાના નથી. સપ્લાયર્સ, ટ્રાન્સપોર્ટર્સથી લઈને વચેટિયાઓ સુધીની આખી સપ્લાય-ચેઇનને નેસ્તનાબૂદ કરીશું.’

કેવી રીતે બનાવતા દૂધ?

આ ટોળકીની કાર્યપદ્ધતિ ભલભલાનાં રૂંવાડાં ઊભાં થઈ જાય એવી છે. તેઓ ઓછા ખર્ચે અંધાધૂંધ નફો કમાવા માટે આ આખી પ્રક્રિયા કરતા હતા. સૌથી પહેલાં પાણીની અંદર સ્કિમ્ડ મિલ્ક પાઉડર અને વ્હે/ડેરી પરમીએટ પાઉડર મિક્સ કરવામાં આવતો જેથી પાણીનો રંગ સફેદ થાય. એ પછી દૂધમાં નૅચરલ મિલ્ક જેવી ઘટ્ટતા અને ચીકાશ લાવવા માટે એમાં સસ્તું પામ ઑઇલ અને ઇમલ્સિફાયર ઉમેરાતું. સૌથી ભયાનક બાબત એ છે કે દૂધમાં ફીણ લાવવા અને બરાબર મિક્સ કરવા માટે એમાં ડિટર્જન્ટ અને શૅમ્પૂ ઉમેરવામાં આવતાં હતાં. આ રીતે નકલી કેમિકલયુક્ત સિન્થેટિક દૂધ તૈયાર કરી એને અસલી કુદરતી દૂધમાં ભેળવીને ચિલિંગ સેન્ટર્સ અને મોટાં પૅકિંગ કેન્દ્રો દ્વારા ગ્રાહકોના ઘર સુધી સપ્લાય કરવામાં આવતું હતું. આ રૅકેટના પર્દાફાશ પહેલાંની ગુપ્ત તપાસ દરમ્યાન અન્ન અને ઔષધ પ્રશાસને માત્ર કોઈ માલ જપ્ત કરવા પર જ ભાર ન આપતાં સમગ્ર સપ્લાય-ચેઇનનું વિશ્લેષણ કર્યું. એમાં મુખ્ય સપ્લાયર, મિડલમેન, દૂધ એકત્રીકરણ કેન્દ્રો, ચિલિંગ સેન્ટર્સ અને આગળની વેચાણવ્યવસ્થાની સાંકળનો ખુલાસો થયો અને પછી આખી સપ્લાય-ચેઇન પર કાર્યવાહી કરવામાં આવી.

તમારા ઘરે આવતા દૂધની ચકાસણી કેમ કરશો? 

ટાઇલ્સની ત્રાંસી સપાટી પર શુદ્ધ દૂધ ધીમેથી વહેશે અને પાછળ સફેદ લીટી જેવો ડાઘ છોડશે. નકલી દૂધ કોઈ પણ ડાઘ વગર ફટાફટ વહી જશે.

મુંબઈની અગ્રણી ફૂડ-લૅબોરેટરીના અગ્રણી ફૂડ-ઍનલિસ્ટ આ સંદર્ભે કહે છે, ‘આમ તો પાકા પાયે દૂધમાં ભેળસેળ છે કે નહીં એ ચેક કરવું અઘરું છે, પરંતુ કેટલીક બાબતોથી અંદાજ લગાવી શકાય છે. જેમ કે સ્ટાર્ચ પાઉડર અને યુરિયા હોય એ દૂધ મોટા પ્રમાણમાં તપેલીને ચોંટી જશે અને ચીકાશવાળી મલાઈ હશે. દૂધ ગરમ કરતાં એનો રંગ બદલાઈને ઝાંખો પીળો થાય અને ઉપરની મલાઈમાં તૈલીય ભાગ ઊપસી આવે તો એ ભેળસેળયુક્ત હોઈ શકે છે. બીજા એક ટેસ્ટિંગમાં કાચના ગ્લાસમાં એક ટીપું દૂધ નાખો તો દૂધની ધાર સરખી દેખાય તો એ ઓરિજિનલ છે, પણ જો એમાં થોડાક કણો છૂટા પડી ગયાનું દેખાય તો એ ભેળસેળવાળું હોઈ શકે. લાકડાની કે ટાઇલ્સની ત્રાંસી સપાટી પર દૂધનું એક ટીપું સરકાવો. શુદ્ધ દૂધ ધીમેથી વહેશે અને પાછળ સફેદ લીટી જેવો ડાઘ છોડશે. નકલી કે પાણીવાળું દૂધ કોઈ પણ ડાઘ વગર ફટાફટ વહી જશે. બીજું, ઘણા લોકો દૂધની થેલીમાં જરાક કાણું પાડીને એમાંથી અડધોઅડધ સારું દૂધ કાઢીને એમાં બનાવટી દૂધ ભેળવી નાખે છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં બ્રૅન્ડેડ થેલીઓમાં ઊચક દૂધ ભરવાનું પણ કામ ચાલતું હોવાનું કહેવાય છે. એટલે કંપનીનું દૂધ ખરીદતા હો ત્યારે પણ દૂધની થેલીની કન્ડિશન ધ્યાનથી જોજો. દૂધમાં ‌ડિટર્જન્ટ છે કે નહીં એ ચેક કરવા કાચની એક નાની બૉટલમાં થોડું દૂધ અને એટલું જ પાણી ભરીને પાંચ મિનિટ જોરથી હલાવો. કપડાં ધોવાના સાબુ જેવું ઘટ્ટ અને લાંબો સમય સુધી ન બેસે એવું ફીણ દેખાશે એ દૂધમાં ડિટર્જન્ટ કે શૅમ્પૂની ભેળસેળ ચોક્કસ છે એ દર્શાવે છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 07:14 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK