પુણેના પિંપરી-ચિંચવડની ચોંકાવનારી ઘટના
પુણેમાં રિક્ષામાંથી શિવાની સુપેકરનો મૃતદેહ મળી આવ્યો હતો
પુણેના પિંપરી-ચિંચવડમાં અત્યંત ચોંકાવનારી ઘટના બની છે, જેમાં લિવ-ઇન રિલેશનમાં રહેતા પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને રિક્ષામાં નાખીને ઘરની બહાર મૂકી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ શિવાની સુપેકર નામની યુવતીનાં લગ્ન થયાં હતાં, પરંતુ તેનું પતિ સાથે જામતું નહોતું. આ દરમ્યાન તેની ઓળખાણ રિક્ષા ચલાવતા વિનાયક આવળે સાથે થતાં શિવાની તેની સાથે બે વર્ષથી લિવ-ઇન રિલેશનમાં રહેતી હતી. જોકે કોઈક કારણસર બન્ને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. આથી વિનાયકે શિવાનીની હત્યા કરી હતી. બાદમાં તેના મૃતદેહને રિક્ષામાં મૂકી દીધો હતો અને રિક્ષા શિવાનીની મમ્મીના ઘરની બહાર ઊભી રાખીને પલાયન થઈ ગયો છે. ગઈ કાલે સવારના ઘણા સમયથી એક જ જગ્યાએ ઊભી રહેલી રિક્ષાની ચકાસણી કરતાં એમાં એક મહિલાનો મૃતદેહ હોવાનું જણાતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો તાબો લીધો હતો અને આસપાસમાં પૂછપરછ કરતાં એ મૃતદેહ શિવાની સુપેકરનો હોવાનું જણાયું હતું. આ હત્યા શિવાની સાથે રહેતા રિક્ષા-ડ્રાઇવર વિનાયક આવળે જ કરી હોવાની શંકા છે એટલે પુણેના વાકડ પોલીસ-સ્ટેશનની ટીમે તેને શોધવાના પ્રયાસ હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું હતું.


