Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શૉર્ટ-ટર્મમાં ભાવ ઘટશે, પછી ફરી ભાવો દઝાડશે

શૉર્ટ-ટર્મમાં ભાવ ઘટશે, પછી ફરી ભાવો દઝાડશે

04 June, 2023 04:05 PM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ન‍વી મુંબઈની એપીએમસી માર્કેટના વેપારીઓ કહે છે કે સરકારના આ પગલાથી હમણાં તાત્કાલિક બજારમાં ભાવમાં ઘટાડો જોવા મળશે, પણ લાંબા ગાળે તુવર અને અડદની દાળના ભાવ વધુ ઘટશે નહીં. 

તુવેરદાળ

તુવેરદાળ


તુવેર અને અડદની દાળના ભાવવધારા પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી સરકારે શુક્રવારે મિલરો, બિગ ચેઇન રીટેલરો, વેપારીઓ, છૂટક વિક્રેતાઓ અને આયાતકારો પર સ્ટૉકમયાર્દા લાદી દીધી હતી. જોકે ન‍વી મુંબઈની એપીએમસી માર્કેટના વેપારીઓ કહે છે કે સરકારના આ પગલાથી હમણાં તાત્કાલિક બજારમાં ભાવમાં ઘટાડો જોવા મળશે, પણ લાંબા ગાળે તુવર અને અડદની દાળના ભાવ વધુ ઘટશે નહીં. 
આ અઠવાડિયે તુવેર અને અડદના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ વર્ષની શરૂઆતથી જ બંને કૉમોડિટીના ભાવ ઊંચા છે જેના કારણે સમગ્ર કઠોળ સંકુલના ભાવ પ્રભાવિત થયા છે. અપેક્ષા કરતાં નીચી આવક અને સારી માગ સાથે ભાવ દબાણ હેઠળ છે. સરકારે માર્ચ ૨૦૨૪ સુધી બંને કૉમોડિટીઝની શૂન્ય ડ્યુટી પર આયાત કરવાની મંજૂરી આપી દીધી છે.
 મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર્સ, ફુડ ઍન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન દ્વારા સ્ટૉકલિમિટ માટેનું કારણ આપતાં કહેવામાં આવ્યું છે કે ‘અમે આ પગલું સંગ્રહ અને અનૈતિક અટકળોને રોકવા માટે લીધું છે. આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો પર ક્રૅકડાઉન કરવા માટેનું આ બીજું પગલું છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઉત્પાદનમાં અંદાજિત ઘટાડાને કારણે બે કઠોળના છૂટક ભાવમાં વધારો થયો છે, જેના કારણે સરકાર દ્વારા શુક્રવાર, બીજી જૂનથી સ્ટૉકલિમિટ લાદવામાં આવી છે. તુવેર અને અડદની દાળ પરની સ્ટૉકમર્યાદા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ૩૧ ઑક્ટોબર ૨૦૨૩ સુધી નિર્ધારિત કરવામાં આવી છે.’
નવા આદેશ પ્રમાણે જથ્થાબંધ વિક્રેતાઓ ૨૦૦ ટન સુધી સ્ટૉક રાખી શકશે. છૂટક વિક્રેતાઓ માટે મર્યાદા પાંચ ટન અને મોટી રીટેલ ચેઇનના ડેપો પર ૨૦૦ ટન સુધી નક્કી કરવામાં આવી છે. એ જ રીતે મિલરો અગાઉના ત્રણ મહિનાના ઉત્પાદન અથવા વાર્ષિક સ્થાપિત ક્ષમતાના ૨૫ ટકા જેટલો સ્ટૉક જાળવી શકે છે. આયાતકારોને સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે કે તેઓ કસ્ટમ્સ સત્તાવાળાઓ દ્વારા કન્સાઇનમેન્ટ ક્લિયર કર્યાના ૩૦ દિવસથી વધુ સમય સુધી સ્ટૉક નહીં રાખી શકે.
મંત્રાલયના ડેટા પ્રમાણે તુવેરની દાળની અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત બીજી જૂને ૧૯ ટકા વધીને ૧૨૨.૮૬ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી, જે એક વર્ષ અગાઉ ૧૦૩.૨૫ રૂપિયા પ્રતિ કિલો હતી. એ જ રીતે અડદની સરેરાશ છૂટક કિંમત ૫.૨૬ ટકાથી વધીને ૧૧૦.૫૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી, જે આ સમયગાળામાં ૧૦૫.૦૫ રૂપિયા હતી.
આ અઠવાડિયે તુવેર અને અડદના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે એમ જણાવીને ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે તાત્કાલિક અમલમાં આવે એ રીતે દાળોમાં સ્ટૉકલિમિટ લાદી દેતાં થોડા દિવસ દાણાબજારમાં દાળોના ભાવમાં ઘટાડો જોવા મળશે, પણ આ ઘટાડો લાંબા સમય સુધી ટકશે નહીં. મુંબઈ જેવાં મહાનગરોમાં સરકારે અત્યારે જાહેર કરેલી સ્ટૉકમર્યાદા ખૂબ જ ઓછી છે. એકંદર આ વખતે તુવેર અને અડદમાં પચાસ ટકા જેટલું પાકનું ઉત્પાદન ઓછું થયું છે. આથી આપણે બહારના દેશો પર નિર્ભર છીએ. જેવી આપણા દેશની લેવાલી નીકળે છે કે તરત જ બહારના દેશોમાં ભાવમાં ઉછાળો આવી જાય છે. સરકારે પહેલેથી સ્ટૉક પોર્ટલ પર અપડેટ કરવાનું સૂચન કર્યું છે. આવા સ્ટૉકલિમિટના કાયદાથી વેપારીઓ પર ઇન્સ્પેકટર રાજનો બોજો વધી જાય છે. વેપારીઓ આ કારણે માલ રાખવાનું ઓછું કરી દેશે એટલે બજારમાં માલની અછત સર્જાઈ શકે છે એવી અમારી માન્યતા છે.’
ગયા અઠવાડિયે દાળના ભાવ ૧૦૫ રૂપિયા પ્રતિ કિલોથી એની ગુણવત્તા પ્રમાણે ૧૩૦ રૂપિયા પ્રતિ કિલો ચાલતા હતા એમ જણાવીને ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘ગઈ કાલે હોલસેલ માર્કેટમાં તુવેરદાળના ભાવ નીચલી સપાટીએ ૧૧૦થી ૧૧૫ રૂપિયા પ્રતિ કિલોએ અને ઉપલી સપાટીએ ૧૩૦થી ૧૩૫ રૂપિયા પ્રતિ કિલોએ માર્કેટમાં હતા, જ્યારે અડદની દાળના ભાવ નીચેલી સપાટીએ ૯૫થી ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો અને ઉપલી સપાટીએ ૧૦૫થી ૧૧૦ રૂપિયા પ્રતિ કિલો હતા. આવનારા ૧૫ દિવસમાં ભાવમાં આનાથી વધારે વધઘટ થવાની શકયતાઓ ઓછી છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2023 04:05 PM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK