૧૬ વર્ષની છોકરી અને તેની બહેનપણીને નોકરી અપાવવાના બહાને પ્રફુલ્લ લોઢાએ તેમને પોતાના ચકાલાના ઘરમાં ગોંધી રાખી હતી અને ત્યાર બાદ તેમના પર જાતીય અત્યાચાર કર્યો હતો
પ્રફુલ્લ લોઢા
મુંબઈ પોલીસે ૬૨ વર્ષના મૂળ જળગાવના પ્રફુલ્લ લોઢાની બે ટીનેજર પર જાતીય અત્યાચાર અને એક મહિલા પર બળાત્કાર કરવાના આરોપસર સોમવારે ધરપકડ કરી હતી. એક ફરિયાદ સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં અને બીજી ફરિયાદ MIDC પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે કહ્યું કે ‘૧૬ વર્ષની છોકરી અને તેની બહેનપણીને નોકરી અપાવવાના બહાને પ્રફુલ્લ લોઢાએ તેમને પોતાના ચકાલાના ઘરમાં ગોંધી રાખી હતી અને ત્યાર બાદ તેમના પર જાતીય અત્યાચાર કર્યો હતો અને તેમના વાંધાજનક ફોટો પણ પાડ્યા હતા. એ ઉપરાંત પ્રફુલ્લ લોઢાએ એક મહિલા પર અંધેરીમાં બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ છે. આ બન્ને ઘટના જુલાઈમાં જ બની હતી. સાકીનાકા પોલીસે ચકાલામાંથી પાંચમી જુલાઈએ પ્રફુલ્લ લોઢાની ધરપકડ કરી હતી. સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં તેની સામે નોંધાયેલા કેસમાં કોર્ટે તેને જેલ-કસ્ટડી આપ્યા બાદ MIDC પોલીસે બળાત્કારના કેસમાં તેની કસ્ટડી લીધી છે. ત્યાર બાદ તેના મુંબઈ સહિત જળગાવ, જામનેર અને પહુરના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું અને લૅપટૉપ, પેનડ્રાઇવ તથા અન્ય કેટલાંક ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ જપ્ત કર્યાં હતાં. તેની સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પ્રફુલ્લ લોઢા પોતાને ભારતીય જનતા પાર્ટી (BJP)નો કાર્યકર ગણવામાં આવે છે. જોકે એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે એ થોડા વખત પહેલાં BJPનો સામાન્ય કાર્યકર અને એ પછી BJPના નેતા ગિરીશ મહાજનની નજીકનો માણસ ગણાતો હતો. જોકે ગયા વર્ષે તેમની વચ્ચે અંટસ થતાં પ્રફુલ્લ લોઢાએ એક વિડિયો પ્રસારિત કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે ગિરીશ મહાજન મારી પાસે પુરાવા માગે છે, જો હું એક બટન દબાવીશ તો આખા દેશમાં રાજકીય ભૂકંપ આવી જશે.
ADVERTISEMENT
હવે વિરોધ પક્ષ એ જાણવાની કોશિશ કરી રહ્યો છે કે તેની પાસે એવું તે કયું બટન હતું જેનાથી દેશમાં રાજકીય ભૂકંપ સર્જાશે.


