કલ્યાણની દુકાનની વિચિત્ર ઘટના : મહિલાને લેહંગો ન ગમ્યો એને પગલે થયેલા વિવાદમાં તેના ફિયૉન્સેએ આવીને ચૉપરથી ચીરફાડ કરી નાખી : પોલીસે કરી ધરપકડ
કલ્યાણ-વેસ્ટની કલાક્ષેત્ર સાડીની દુકાનમાં લેહંગાની ચૉપરથી ચીરફાડ કરી રહેલા આરોપીનો CCTV કૅમેરાનો વિડિયો.
દુકાનદાર અને ગ્રાહક વચ્ચે માલની બાબતમાં વિવાદો થવા એ સામાન્ય ઘટના છે, પરંતુ કલ્યાણ-વેસ્ટની એક સાડીની દુકાનમાં ઘાઘરો બદલી આપવાની બાબતે એક વિચિત્ર બનાવ બન્યો હતો. મહિલા ઘરાકના ફિયૉન્સેએ આવીને મહિલાએ ખરીદેલા ઘાઘરાની ચોપરથી ચીરફાડ કરી નાખ્યા બાદ દુકાનના કર્મચારીઓને ધમકી આપી હતી કે જેમ આ લેહંગાને ફાડી નાખ્યો છે એ રીતે તમને પણ ફાડી નાખીશ અને ત્યાં હાજર રહેલા ઘરાકો ફફડી ઊઠ્યા હતા. જોકે આ બનાવ પછી પોલીસે એ યુવાનની ધરપકડ કર્યા બાદ સૌના જીવ હેઠા બેઠા હતા.
આ બનાવની માહિતી આપતાં કલ્યાણ-વેસ્ટના આગરા રોડ પર આવેલા કલાક્ષેત્ર સાડી સ્ટોરના માલિક ભરત મોતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી દુકાનેથી ૧૭ જૂને મેઘના નામની એક મહિલા તેના લગ્નપ્રસંગમાં પહેરવા માટે ૩૨,૩૦૦ રૂપિયાનો લેહંગો ખરીદીને ગઈ હતી. ત્યાર પછી એ જ દિવસે રાતના નવ વાગ્યે એ મહિલાએ દુકાનમાં ફોન કરીને કહ્યું હતું કે તેને લેહંગો પસંદ ન હોવાથી એના પૈસા તેને પાછા જોઈએ છે. જોકે અમે તેને કહ્યું હતું કે પૈસા તો અમે પાછા નહીં આપી શકીએ. અમારી દુકાનના નિયમ પ્રમાણે અમે તેને ક્રેડિટ-નોટ આપીને કહ્યું હતું કે ૩૧ જુલાઈ સુધીમાં તને ગમતી કોઈ પણ ખરીદી આ ક્રેડિટ-નોટ સામે કરી શકે છે. શનિવાર, ૧૯ જુલાઈએ આ મહિલા અમારી દુકાને સાંજે ૪.૧૦ વાગ્યે પાછી આવી હતી, પરંતુ અમે તેને કહ્યું હતું કે અમારે ત્યાં હમણાં સેલ ચાલે છે એટલે કોઈ નવું કલેક્શન આવ્યું નથી. ઑગસ્ટ મહિનામાં નવું કલેક્શન આવશે ત્યારે તું તારા ગમતાં કપડાં ખરીદીને લઈ જજે જેથી આ મહિલા અને તેની સાથે આવેલી તેની રિલેટિવ મહિલા અમે પછી આવીશું એમ કહીને ખરીદી કર્યા વગર જ હસતી-હસતી જતી રહી હતી.’
ADVERTISEMENT
મેઘના અને તેની સાથેની મહિલા તો શાંતિથી દુકાનમાંથી જતી રહી હતી, પરંતુ સાંજના ૬.૩૦ વાગ્યે મેઘનાનો ફિયૉન્સે સુમિત અગ્રેસિવ મૂડમાં દુકાનમાં આવ્યો હતો એમ જણાવતાં ભરત મોતાએ કહ્યું હતું કે ‘આ સમયે હું દુકાનમાં હાજર નહોતો. સુમિતે આવીને મારા મૅનેજર અને સ્ટાફ સાથે અન્ય ઘરાકોની હાજરીમાં જ ગાળાગાળી શરૂ કરી હતી. બહુ વિવાદ થતાં મારા મૅનેજરે સુમિતને કહ્યું હતું કે તમે અમારી દુકાનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)માં જોઈ શકો છો કે અમારી દુકાનના સ્ટાફે મેઘના સાથે અપમાનજનક વર્તન કર્યું નથી. આમ છતાં સુમિતે ગાળાગાળી ચાલુ જ રાખી હતી અને ત્યાર બાદ તેણે લેહંગો જોવા માગ્યો હતો અને તેના ખિસ્સામાંથી ચૉપર કાઢીને જાણે કોઈ વ્યક્તિના પેટમાં ચૉપર ઘુસાડતો હોય એ રીતે લેહંગામાં ચૉપર ઘુસાડીને વારંવાર ચીરફાડ કરી નાખી હતી તેમ જ મૅનેજરને ધમકી આપતાં કહ્યું હતું કે જેમ આ લેહંગો ફાડી નાખ્યો છે એમ તમને પણ ફાડી નાખીને તમારી પાસેથી ત્રણ લાખ રૂપિયા વસૂલ કરીશ અને ગૂગલ રિવ્યુ પર પોસ્ટ કરીને તમારી દુકાનની કિંમત ઝીરો કરી નાખીશ. તેનું આ રૂપ જોઈને દુકાનના કર્મચારીઓ અને ત્યાં હાજર રહેલા ઘરાકો ફફડી ગયા હતા.’
મને ફોન પર આ બનાવની જાણકારી મારા મૅનેજરે આપી હતી એમ જણાવતાં ભરત મોતાએ કહ્યું હતું કે ‘મામલાની ગંભીરતા જોઈને અને ક્યારેક આવો અગ્રેસિવ માણસ દુકાનના કોઈ સ્ટાફ પર પણ જીવલેણ હુમલો કરી શકે છે એમ વિચારીને અમે બાઝારપેઠ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. જોકે પોલીસ-અધિકારીએ મામલાની ગંભીરતા જાણ્યા વગર જ ફરિયાદ લીધી નહોતી. આખરે અમારા કલ્યાણના ભારતીય જનતા પાર્ટીના વેપારી આગેવાન રાકેશ મુથાએ ઍડિશનલ પોલીસ કમિશનરને CCTV કૅમેરાના ફુટેજ મોકલતાં જ પોલીસની રાતના દોડાદોડી શરૂ થઈ ગઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ દુકાનમાં આવીને ફરીથી ફુટેજ ચેક કર્યા બાદ સુમિતની શસ્ત્રો રાખવાના અને ધાકધમકી આપવાના ગુના હેઠળ મોડી રાતે ધરપકડ કરી હતી.’
બાઝારપેઠના એક પોલીસ અધિકારીએ આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કલાક્ષેત્ર સાડીના મૅનેજરની ફરિયાદ અને દુકાનના CCTV કૅમેરાના ફુટેજના આધારે આરોપીની ગેરકાયદે શસ્ત્ર રાખીને જાહેરમાં ધાકધમકી આપવા બદ્દલ ગુનો દાખલ કરીને શનિવારે રાતના જ ધરપકડ કરી છે.’

