એક રિક્ષા-ડ્રાઇવર આવી સર્વિસ ઑફર કરીને મહિને ૬થી ૮ લાખ રૂપિયા કમાય છે એવી પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા પછી થઈ આ કાર્યવાહી
પ્રતીકાત્મક તસવીર
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં US કૉન્સ્યુલેટની બહાર ઊભા રહીને મહિને લાખો રૂપિયા કમાતા રિક્ષા-ડ્રાઇવર વિશે વાઇરલ થયેલી પોસ્ટ બાદ તાજેતરમાં BKC પોલીસે બિનસત્તાવાર લૉકરસેવા ચલાવતા રિક્ષા-ડ્રાઇવરોને તાત્કાલિક આવી ગેરકાયદે સર્વિસ બંધ કરવાની વૉર્નિંગ આપી છે. બૅન્ગલોરસ્થિત ઑન્ટ્રપ્રનર રાહુલ રૂપાણીએ લિન્ક્ડઇન પર એક રસપ્રદ અનુભવ શૅર કરીને કહ્યું હતું કે એક રિક્ષા-ડ્રાઇવરે મારી વીઝા અપૉઇન્ટમેન્ટ દરમ્યાન ૧૦૦૦ રૂપિયામાં મારી બૅગ સુરક્ષિત રાખવાની ઑફર કરી હતી. એ ઉપરાંત BKCનો આ રિક્ષા-ડ્રાઇવર દર મહિને ૬થી ૮ લાખ રૂપિયા કમાતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ માહિતી બાદ BKC પોલીસે આશરે ૧૨ રિક્ષા-ડ્રાઇવરોને વૉર્નિંગ આપી છે.
BKC પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર યોગેશ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હજારો વીઝા-અરજદારો BKC ખાતે US કૉન્સ્યુલેટની મુલાકાત લે છે જેમાંથી ઘણાને ખબર નથી કે પરિસરમાં બૅગ લઈ જવા પર સખત પ્રતિબંધ છે. નજીકમાં કોઈ સત્તાવાર લૉકર કે સ્ટોરેજ સુવિધા ન હોવાથી અરજદારો ઘણી વાર પોતાનો સામાન ક્યાં મૂકવો એ વિશે ચિંતિત રહે છે. એવામાં ઑટો-ડ્રાઇવરને વૈકલ્પિક ઉકેલ ઑફર કરવાની સંપૂર્ણ તક મળી જતી હોય છે. દરમ્યાન વાઇરલ વિડિયો બાદ તાત્કાલિક અમે આ કેસની તપાસે લાગીને US કૉન્સ્યુલેટની બહાર ઊભા રહેતા આશરે ૧૫ રિક્ષા-ડ્રાઇવરોને અને તેમના યુનિયનને બોલાવીને બિનસત્તાવાર લૉકરસેવા તાત્કાલિક બંધ કરવા વિશે સૂચના આપી હતી. રિક્ષા-ડ્રાઇવરો પાસે કોઈની વસ્તુ સંભાળવાનું એટલે કે લૉકરસેવા ચલાવવાનું લાઇસન્સ નથી, તેઓ પાસે માત્ર વાહન ચલાવવાનું લાઇસન્સ છે. આ વિશે અમે કોઈ કેસ નોંધ્યો નથી. ઉપરાંત જે રિક્ષા-ડ્રાઇવરની પોસ્ટ વાઇરલ થઈ હતી તેની દર મહિને માત્ર ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ રૂપિયાની ઇન્કમ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.’

