આધુનિક અને લક્ઝરી સુવિધા સાથેના આ ક્રૂઝ ટર્મિનલને કારણે વિદેશી અને દેશના સહેલાણીઓને કોઈ પણ હાડમારી વગરની સફરનો અનુભવ થશે
મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલ
મુંબઈમાં બૅલાર્ડ પિયર પર ૪,૧૫,૦૦૦ સ્ક્વેરફુટમાં તૈયાર કરાયેલા ભવ્ય મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલનું આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. આ ટર્મિનલ ડેવલપ કરવાથી દેશના ક્રૂઝ ટૂરિઝમને વેગ મળશે એમ કહેવાઈ રહ્યું છે.
દેશનાં બંદરોનો વિકાસ કરવાના પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલ ડેવલપ કરવામાં આવ્યું છે. આધુનિક અને લક્ઝરી સુવિધા સાથેના આ ક્રૂઝ ટર્મિનલને કારણે વિદેશી અને દેશના સહેલાણીઓને કોઈ પણ હાડમારી વગરની સફરનો અનુભવ થશે.
ADVERTISEMENT
મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલની વિશેષતાઓ
૪,૧૫,૦૦૦ સ્ક્વેરફુટમાં ફેલાયેલા આ ક્રૂઝ ટર્મિનલ પર વર્ષે ૧૦ લાખ સહેલાણીઓની આસાનીથી અવરજવર થઈ શકે એવી એની રચના કરવામાં આવી છે.
એકની પાછળ એક પાંચ જહાજો લાંગરી શકાશે અને રોજના ૧૦,૦૦૦ જેટલા સહેલાણીઓની સુવિધા સાચવી શકાશે.
આ ક્રૂઝ ટર્મિનલમાં ૭૨ ચેક-ઇન અને ઇમિગ્રેશન કાઉન્ટર રાખવામાં
આવ્યાં છે, જેથી સહેલાણીઓને કોઈ અગવડ ન પડે.
એકસાથે ૩૦૦ કરતાં વધુ વાહનો પાર્ક કરી શકાશે.
મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલ ક્રૂઝ ભારત મિશન હેઠળ ડેવલપ કરવામાં આવ્યું છે. ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું હોવાથી એ દેશમાં ક્રૂઝ ટૂરિઝમને પ્રોત્સાહન આપશે.
ક્રૂઝ ભારત મિશન હેઠળ ઑશન ઍન્ડ હાર્બર ક્રૂઝ, રિવર ઍન્ડ આઇસલૅન્ડ ક્રૂઝ અને આઇસલૅન્ડ ઍન્ડ લાઇટ હાઉસ ક્રૂઝ એમ ત્રણ તબક્કામાં ક્રૂઝ ટૂરિઝમ ડેવલપ કરવામાં આવશે.
મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલ ૨૧ એપ્રિલથી જ કાર્યરત થઈ ગયું છે. એ વખતે કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે એને લીલી ઝંડી દેખાડી હતી.
ટર્મિનલની છત કામને અનુરૂપ અંદરથી મોજાંની, લહેરોની ડિઝાઇનમાં બનાવવામાં આવી છે.
મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલ ઊભું કરવા ૫૫૬ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.
મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલને કારણે દેશના ક્રૂઝ ટૂરિઝમમાં વધારો થશે અને એ દેશી અને વિદેશી એમ બન્ને પ્રકારના સહેલાણીઓને આકર્ષશે જેને કારણે દેશનો આર્થિક વિકાસ થશે.


