ઘોડબંદર રોડ પર અકસ્માતોને લીધે વાહનોની લાંબી લાઇન થવાની અને વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાઈ જવાની વારંવાર ઘટનાઓ છતાં સરકારના કાને ફરિયાદ સંભળાઈ નથી, ગઈ કાલે ફરી એવા જ ટ્રાફિકમાં અટવાયેલા પૅસેન્જરો વિરોધ કરવા રસ્તે ઊતરીને ગરબા રમવા લાગ્યા
ઘોડબંદર રોડ પર ટૅન્કર ઊંધું પડી જતાં ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.
ઘોડબંદર રોડ પરથી પસાર થતા વાહનચાલકો માટે છેલ્લા ઘણા સમયથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પૅચ પર ખરાબ રસ્તા અને ભારે વાહનોની આવ-જાને લીધે અવારનવાર ટ્રાફિક જૅમ થાય છે. કલાકો સુધી જૅમમાં ફસાઈ જવાની નોબત આવતી હોય છે. ટ્રાફિક જૅમની સમસ્યાથી કંટાળેલા મુસાફરો ઘણી વાર અલગ જ રીતે વિરોધ પ્રદર્શિત કરવા સાથે પોતાનો રોષ ઠાલવતા હોય છે. એવા જ વિચિત્ર વિરોધનાં દૃશ્યો રવિવારે પણ જોવા મળ્યાં હતાં. ઘોડબંદરના ટ્રાફિક જૅમમાં ફસાયેલા મુસાફરોએ કંટાળાને નાથવાની અને પોતાનો રોષ અભિવ્યક્ત કરવાની યુનિક અને ઇન્ટરેસ્ટિંગ રીત શોધી કાઢી હતી.
ગુજરાત તરફથી આવતી ટ્રાફિકમાં ફસાયેલી લકઝરી બસોમાંથી ઊતરીને મુસાફરો રસ્તાની વચ્ચે ગરબા રમવા લાગ્યા હતા. ગરબાની રમઝટ જામવાને લીધે તરત જ રસ્તા પર અટવાયેલા, અકળાયેલા મુસાફરો હૉર્નના ઘોંઘાટને બદલે ઢોલના તાલે નાચવા માંડ્યા હતા.
ADVERTISEMENT
રવિવારે સવારે ગાયમુખ નજીક એક કન્ટેનર ટ્રક ઊંધું પડી ગયું હતું. આ અકસ્માતને કારણે બે કલાકથી વધુ સમય માટે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો અને એને કારણે હજારો લોકો કલાકો સુધી અટવાઈ ગયા. એમાં પણ ઘોડબંદર-ગાયમુખ વચ્ચે રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે એથી અમુક વાહનો મુંબઈ-અમદાવાદ હાઇવે પર નવઘરથી કાજુપાડા તરફ પાછાં ફરી રહ્યાં હતાં.


