કોવિડ વખતે લાંબા અંતરની અનેક ટ્રેનોને સ્પેશ્યલ ટ્રેનના નામ હેઠળ દોડાવવામાં આવી હતી, પરંતુ એ ગયો એને ત્રણ વર્ષ થવા છતાં પૅસેન્જર ટ્રેનના પ્રવાસીઓએ મેલ-એક્સપ્રેસનાં ભાડાં ચૂકવવા પડતાં હોવાથી પ્રવાસીઓ અને રેલવે અસોસિએશને દર્શાવી નારાજગી
બાંદરાથી વાપી પૅસેન્જર ટ્રેનમાં પહેલાં ૩૫ રૂપિયામાં જઈ શકાતું. હવે એના માટે ૭૦ રૂપિયા ખર્ચવા પડે છે.
કોરોના દરમ્યાન પહેલી વખત રેલવેસેવા પ્રભાવિત થઈ હતી. ત્યારે લોકલ સેવાનો મર્યાદિત ઉપયોગ કરાયો હતો. કોરોનાકાળ વખતે લાંબા અંતરની અનેક લોકલ ટ્રેનોને સ્પેશ્યલ ટ્રેન તરીકે દોડાવામાં આવતી હતી. જોકે ત્યાર બાદ હજી સુધી પૅસેન્જર ટ્રેનોને સ્પેશ્યલ ટ્રેન તરીકે જ દોડાવવામાં આવી રહી છે અને પૅસેન્જર ટ્રેનોનું ભાડું મેલ-એક્સપ્રેસ ટ્રેનના ભાડા પ્રમાણે લેવામાં આવી રહ્યું છે. પૅસેન્જર ટ્રેનોમાં સૌથી વધુ પ્રવાસ દરરોજ લાંબા અંતરથી કામે આવતા-જતા અને મધ્યમવર્ગીય, શ્રમિક વગેરે લોકો કરતા હોય છે. આવા દરરોજ કમાઈને પેટ ભરતા પ્રવાસીઓ માટે દરરોજનું મેલ-એક્સપ્રેસ જેટલું ભાડું ચૂકવવું આર્થિક રીતે મુશ્કેલ બને છે. એથી આ પૅસેન્જરો દ્વારા ટ્રેનોના સમયને પહેલાંની જેમ કરવામાં આવે એવી માગણી કરાઈ રહી છે. આ ઉપરાંત ટ્વીટ દ્વારા ફરિયાદ કરવામાં આવતાં રેલવેની મેલ-એક્સપ્રેસની ગાઇડલાઇન્સ પ્રમાણે ભાડું વસૂલ કરવામાં આવ્યું હોવાનો જવાબ અપાતો હોવાથી રેલવે અસોસિએશન દ્વારા નારાજગી દાખવવામાં આવી રહી છે. આ ટ્રેનોની ટિકિટનાં ભાડાં પહેલાં પ્રમાણે કરવાની માગણી પ્રવાસીઓ દ્વારા કરાઈ છે.



