શિવસેનાના સંસદસભ્યે સોશ્યલ મીડિયા અને OTT પર આવતી બીભત્સ કન્ટેન્ટને અટકાવવા કડક કાનૂન બનાવવાની માગ કરી
ગઈ કાલે લોકસભામાં બોલતા થાણેના સંસદસભ્ય નરેશ મ્હસ્કે.
ફેમસ યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયા, સ્ટૅન્ડઅપ કૉમેડિયન અને ઇન્ફ્લુએન્સર સમય રૈના, ઇન્ફ્લુએન્સર અપૂર્વા માખીજા, આશિષ ચંચલાણી સહિત ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોના સ્પર્ધકો તથા આયોજકો સામે શોમાં અભદ્ર ભાષા અને મમ્મી-પપ્પાને લઈને વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પોલીસે સોમવારે ફરિયાદ નોંધ્યા બાદ આ મામલો ગઈ કાલે સંસદમાં પહોંચ્યો હતો. થાણેના શિવસેનાના સંસદસભ્ય નરેશ મ્હસ્કેએ સંસદમાં કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા, પૉડકાસ્ટ અને ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ પર ખોટી પદ્ધતિથી ભારતીય સંસ્કૃતિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બાબતને રોકવા માટે કાયદો બનવો જોઈએ.
OTT પ્લૅટફૉર્મ પર ફ્રીડમ ઑફ સ્પીચના નામે અયોગ્ય પદ્ધતિથી અમુક વસ્તુઓ દેખાડવામાં આવે છે, દેવ-દેવીનું અપમાન થાય એવી ભાષા બોલવામાં આવે છે.
ADVERTISEMENT
OTT પ્લૅટફૉર્મ પર કોઈ પણ પ્રકારનું સેન્સર નથી. વાંધાજનક કન્ટેન્ટ પર કોઈ નિયંત્રણ નથી. સરકારે આ બાબતે ધ્યાન આપીને એના માટે પણ સેન્સર બોર્ડ બનાવવું જોઈએ.
OTT પ્લૅટફૉર્મ અને પૉડકાસ્ટર્સ માટે કડક કાયદો બનાવીને તેમની સામે ફરિયાદ નોંધાવવી જોઈએ.’
મામલો સંસદમાં પહોંચ્યા બાદ સંસદની સમિતિ રણવીર અલાહાબાદિયાને નોટિસ મોકલવા પર વિચાર કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.


