અંધેરીમાં રહેતા અને ડેકોરેશન મટીરિયલના બિઝનેસ સાથે સંકળાયેલા દીપેશ પાસડ અહીં ફૅમિલી સાથે ગ્રુપમાં આવ્યા હતા, પરંતુ આતંકવાદી ઘટના બાદ તેમણે પોતાની ટૂર ટૂંકાવીને પાછા મુંબઈ આવવાનો નિર્ણય લીધો છે. વધુ જાણકારી આપતાં દીપેશ પાસડ કહે છે, અમે કુલ ૧૦ જણ છીએ.
દીપેશ પાસડ ફૅમિલી સાથે
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ટૂરિસ્ટોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. કેટલાક લોકોએ રૂટ બદલી નાખ્યા છે, કેટલાક લોકો પહલગામ છોડીને અન્ય સ્થળે નીકળી ગયા છે તો કેટલાકે પોતાની કાશ્મીરની ટૂર ટૂંકાવી દીધી છે. અંધેરીમાં રહેતા અને ડેકોરેશન મટીરિયલના બિઝનેસ સાથે સંકળાયેલા દીપેશ પાસડ અહીં ફૅમિલી સાથે ગ્રુપમાં આવ્યા હતા, પરંતુ આતંકવાદી ઘટના બાદ તેમણે પોતાની ટૂર ટૂંકાવીને પાછા મુંબઈ આવવાનો નિર્ણય લીધો છે. આ વિશે વધુ જાણકારી આપતાં દીપેશ પાસડ કહે છે, ‘અમે કુલ ૧૦ જણ છીએ. કાશ્મીરમાં હજી અમારા બે દિવસ બાકી હતા, પણ જેવા અમને આ ન્યુઝ મળ્યા એટલે તરત અમે પાછા વળવાનો નિર્ણય લઈ લીધો હતો. અમે સોમવારે જ પહલગામની આ જગ્યાએ હતા જ્યાં મંગળવારે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. અમે ત્યાં અનેક ફોટો અને વિડિયો પણ લીધા હતા. એ ખૂબ જ સુંદર અને અવિસ્મરણીય જગ્યા હતી, પરંતુ આતંકવાદી ઘટના બાદ આ સ્થળને યાદ કરતાંની સાથે રૂંવાડાં ઊભાં થઈ જાય છે. જેવા અમને આ ઘાતકી ઘટનાના ન્યુઝ મળ્યા એટલે તરત અમે મુંબઈ પાછા ફરવાનો નિર્ણય લઈ લીધો હતો.’
કેમ કરીને જમ્મુ સુધી પહોંચ્યા એ અમે જ જાણીએ છીએ
જમ્મુ સુધી કેટલી તકલીફો વેઠીને આવ્યા એ વિશે સવિસ્તર માહિતી આપતાં દીપેશ પાસડ કહે છે, ‘આતંકવાદી હુમલાના સમાચાર આવ્યા ત્યારે અમે પહલગામના જ એક વિસ્તારમાં હતા. એટલે મેં તરત મુંબઈની ઍર ટિકિટ માટે તપાસ કરવા માંડી. જોકે ઑન ધ સ્પૉટ ટિકિટના દર આસમાને હતા અને અમે દસ જણ હતા એટલે આટલા બધા માટે ટિકિટ લેવી ગજવાને પરવડતું પણ નહોતું એટલે મેં અન્ય સ્થળેથી ટિકિટ લેવાની ટ્રાય કરી અને અમને જમ્મુથી તત્કાલની ટિકિટ મળી ગઈ. જોકે મુખ્ય સવાલ જમ્મુ સુધી પહોંચવાનો હતો. પહલગામથી જમ્મુ સુધી પહોંચવું અમારા માટે સરળ હતું નહીં. નસીબજોગે અમારો સામાન અમારી પાસે જ હતો એટલે અમારે હોટેલ પર જવું પડ્યું નહીં. અમે સીધા જમ્મુ માટે જ નીકળી ગયા. પહલગામથી લઈને કટરા સુધી પહોંચતાં-પહોંચતાં અમે થાકી ગયા હતા. દર થોડાં-થોડાં ડગલે પોલીસ-ચેકિંગ. દરેક જગ્યાએ સમાન ચેક થાય, આઇ-કાર્ડ ચેક કરે, પૂછપરછ કરે. એમાં પાછાં સાથે બાળકો પણ હતાં એટલે તેઓ તો ખૂબ જ ડરી ગયાં હતાં. નહીં ખાવાની સૂઝ, ન પાણી પીવાની. બસ ક્યારે ઍરપોર્ટ પર આવી પહોંચીએ એ જ ચિંતા હતી. અમને જમ્મુ જવા દીધા, પણ લોકોને પહલગામ જતા રોકતા હતા. અમારા જ સર્કલમાં અમુક લોકો છે જેઓ હજી પહલગામની હોટેલમાં જ છે. સિક્યૉરિટીને ધ્યાનમાં રાખીને તેમને બહાર નીકળવા દીધા નહોતા. સદનસીબે અમે બહાર જ હતા એટલે ક્વિક નિર્ણય લઈ શક્યા. સાંજે ૬ વાગ્યે અમે પહલગામથી નીકળેલા તે મોડી રાત્રે કટરા પહોંચ્યા. ત્યાંથી જમ્મુ આવ્યા અને બુધવારે સાંજે મુંબઈ આવવા માટે ફ્લાઇટ પકડી લીધી હતી.’

