કલ્યાણ–મુરબાડ રોડ પર થયેલા ભયાનક અકસ્માત બાદ ટ્રાફિક-પોલીસ ઍક્શનમાં
કલ્યાણના ટ્રાફિક-વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી
કલ્યાણ–મુરબાડ રોડ પર થયેલા ભયાનક અકસ્માતમાં ૧૧ મુસાફરોનાં મૃત્યુ બાદ ટ્રાફિક-પોલીસ હરકતમાં આવી છે અને કડક કાર્યવાહી શરૂ કરી છે. કલ્યાણના સ્ટેશન વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ ચેકિંગ માટે ખાસ ટીમો તહેનાત કરવામાં આવી છે. નિયમ તોડનારા ડ્રાઇવરોને ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને હવે દંડ કોર્ટ મારફત ચૂકવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એમ છતાં કલ્યાણના ટ્રાફિક-વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે ‘માત્ર કાર્યવાહી પૂરતી નથી, નાગરિકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે. કલ્યાણના વિવિધ ભાગમાં સરપ્રાઇઝ તપાસ ગોઠવીને અમે કાર્યવાહી સાથે મુસાફરોને પણ અપીલ કરી છે કે તેઓ ઓવરલોડેડ વાહનોમાં મુસાફરી કરવાનું ટાળે અને નિયમભંગ કરતાં વાહનોની માહિતી અમને આપીને સુરક્ષા જાળવવામાં મદદ કરે.’
