રાયતે બ્રિજ પર કાળી-પીળી ઇકો ટૅક્સી અને સિમેન્ટ મિક્સરની સામસામી ટક્કરને કારણે વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો
અકસ્માત બાદ ઇકોમાં પ્રવાસ કરી રહેલા પૅસેન્જરોને બહાર કાઢવા માટે સ્થાનિક રહેવાસીઓએ મદદ કરી હતી.
કલ્યાણ-અહિલ્યાનગર હાઇવે પર કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશન (ટિટવાલા પોલીસ-સ્ટેશન)ની હદમાં ગઈ કાલે સવારે ગોવિલી ગામ પાસેના રાયતે બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. કલ્યાણથી મુરબાડ જઈ રહેલી કાળી-પીળી ઇકો ટૅક્સી અને સામેથી આવતું સિમેન્ટ મિક્સર સવારે ૧૦.૪૫ વાગ્યે સામસામે અથડાયાં હતાં જેને કારણે ઇકોમાં પ્રવાસ કરી રહેલા પૅસેન્જરોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માતમાં કુલ ૧૧ જણના મોત થયાં છે અને એક જણ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલોને ઉલ્હાસનગરની સેન્ટ્રલ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોમાં ૮ પુરુષો અને ૩ મહિલાઓનો સમાવેશ હતો. અકસ્માતની આ ઘટનાને કારણે હાઇવે પર ઘણા સમય સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો.
ઓવર-સ્પીડિંગ કે ઓવરલોડિંગ?
કલ્યાણ–મુરબાડ વચ્ચે રોજ ટૅક્સી અને પ્રાઇવેટ વ્હીકલ્સમાં પૅસેન્જરો માટે પૉઇન્ટ ટુ પૉઇન્ટ સર્વિસ ચાલે છે જેમાં અનેક પૅસેન્જરો પ્રવાસ કરે છે. પ્રાથમિક તપાસમાં એવું કહેવાયું છે કે ઓવરસ્પીડને કારણે આ અકસ્માત થયો હશે. બીજી બાજુ એમ પણ કહેવાય છે કે ટૅક્સીમાં નિર્ધારિત પૅસેન્જરોની સંખ્યા કરતાં વધુ પૅસેન્જરોને બેસાડીને લઈ જવાય છે જેને કારણે મુસાફરોના જીવનું જોખમ વધી જાય છે.
ADVERTISEMENT
એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ૧૧ લોકોમાં એક જ પરિવારના ૩ સભ્યોનો સમાવેશ છે. મોડી સાંજ સુધી ૧૧માંથી ૯ જણની ઓળખ થઈ શકી છે. પોલીસે કહ્યું હતું કે ‘વૅનમાં ૬ પ્રવાસીઓની ક્ષમતા સામે ૧૧ જણને બેસાડવામાં આવ્યા હતા. એ ઉપરાંત એ સસ્તો સિંગલ સાઇડ જ ચાલુ હોવાથી બે વાહનો સામસામે આવીને અથડાઈ ગયાં હતાં.
