પહેલા દિવસે જ મુસાફરોએ કાર છોડીને મેટ્રોની મુસાફરી પસંદ કરી એટલે JVLR મેટ્રો સ્ટેશનની બહાર પાર્કિંગ ફુલ, જોકે ફુલ્લી અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનને કારણે મોબાઇલનું નેટવર્ક ન મળવાની ફરિયાદ પણ ઊઠી
આરે-JVLR મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાં કાર મૂકીને મુસાફરોએ મેટ્રો 3માં જવાનું પસંદ કર્યું હતું તો મિનિમમ ભાડું ખર્ચીને બાળકોએ કફ પરેડથી વિધાનભવનની મેટ્રો મુસાફરીની મજા માણી હતી. તસવીરો : સતેજ શિંદે
આરેથી કફ પરેડ વચ્ચે સંપૂર્ણ માર્ગ પર શરૂ થયેલી મેટ્રો 3ને મુંબઈગરાઓએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. પહેલા જ દિવસે અનેક મુસાફરોએ સાઉથ મુંબઈ પહોંચવા માટે કારને બદલે મેટ્રોમાં જવાનું પસંદ કર્યું હતું, જેને પગલે આરે-JVLR (જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ) મેટ્રો સ્ટેશનનું પાર્કિંગ ફુલ થઈ ગયું હતું. પીક અવર્સમાં સ્ટેશનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી. અનેક મુસાફરોએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે પહેલા જ દિવસે મેટ્રોમાં બેસવાની જગ્યા ન મળી. મેટ્રો 3નો આખો રૂટ શરૂ થવાના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ મુસાફરોએ ઍક્વાલાઇનમાં મુસાફરી કરી હતી.
ફુલ્લી અન્ડરગ્રાઉન્ડ હોવાને કારણે મેટ્રો સ્ટેશનો પર કે મેટ્રોમાં બેઠા પછી મોબાઇલમાં નેટવર્ક ઇશ્યુ થવાની સૌથી વધુ ફરિયાદ મળી હતી. નેટવર્ક ન હોવાને કારણે મુસાફરોને કૅશમાં જ ટિકિટ લેવી પડી હતી. જો સ્ટેશનની બહારથી ઍપ દ્વારા ટિકિટ લીધી હોય તો જ ઑનલાઇન પેમેન્ટનો ઑપ્શન મળ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) મેટ્રો સ્ટેશન પર સ્ટેશનના નામનાં સાઇન બોર્ડ પૂરતાં નહોતાં. મેટ્રોમાં મુસાફરી ન કરવાની હોય તો પણ અનેક મુસાફરોએ સબવે તરીકે મેટ્રો સ્ટેશનનો ઉપયોગ કર્યો હતો જેને કારણે મેટ્રોના મુસાફરોને અગવડ થઈ હતી. અમુક ફેરિયાઓ પણ મેટ્રો પરિસરમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા.
ADVERTISEMENT
આવો છે લોકોનો રિવ્યુ
મેટ્રો 3નો અંતિમ તબક્કો શરૂ થતાં સાઉથ મુંબઈના મુસાફરોએ ટિકિટ સાથેના અને મેટ્રોમાં બેઠેલા અનેક ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. રૂપક આર. નામના એક મુસાફરે કહ્યું હતું કે સ્ટેશનો પર સફાઈનો હજી એક રાઉન્ડ કરવો જોઈએ, પછી એ વર્લ્ડ ક્લાસ ગણાશે. શ્રીકાંત જોશી નામના મુસાફરે જણાવ્યું હતું કે ‘ટ્રાવેલ ટાઇમ એક્સલન્ટ છે અને ટ્રેન પણ ખૂબ સ્મૂધ છે. બસ, ફિનિશિંગ ટચ મિસિંગ છે.’


