અહીંના ગોરેવાડા માર્ગ પાસેની ખુલ્લી જમીનમાંથી આ ઘાતક બુલેટ મળતાં ખળભળાટ
નાગપુરમાં બ્રિજ નીચેના નાળામાંથી કારતૂસ ભરેલી થેલી મળી આવી હતી.
મુંબઈ ઃ રાજ્યની વિધાનસભાનું શિયાળ સત્ર નાગપુરમાં ચાલી રહ્યું છે ત્યારે અહીંના એક માર્ગ પાસેથી મોટા પ્રમાણમાં જીવંત કારતૂસ ગઈ કાલે મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. રાજ્યના તમામ વિધાનસભ્યો નાગપુરમાં અધિવેશન માટે પહોંચ્યા છે ત્યારે તેમની સુરક્ષા માટે ૧૧ હજાર પોલીસની ફોજ તહેનાત કરવામાં આવી હોવા છતાં અહીંના ગિટ્ટીખદાન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોરેવાડા રસ્તાના પુલની નીચેથી વહેતા નાળામાંથી ૧૫૦ જેટલી જીવંત કારતૂસ ગઈ કાલે બપોરે મળી આવી હતી. આટલી મોટી માત્રામાં કારતૂસ મળતાં નાગપુરમાં ખળભળાટ મચી ગયો હતો.
પોલીસે આપેલી માહિતી મુજબ બપોરના ૧૨ વાગ્યે એક વ્યક્તિ પુલની નીચે આવેલા નાળામાં પેશાબ કરવા ગઈ ત્યારે તેને એક થેલીમાં રાખવામાં આવેલી જીવંત કારતૂસ જોવા મળી હતી. તેણે સ્થાનિક પોલીસને જાણ કરતાં અહીં પોલીસની ટીમ બૉમ્બ-સ્ક્વૉડ અને ડૉગ-સ્ક્વૉડ સાથે પહોંચી હતી. પોલીસે નાળાની નીચેથી મળી આવેલી થેલી તપાસતાં એમાંથી ૧૫૦થી વધુ જીવંત કારતૂસ મળી આવી હતી. આસપાસ પણ આવી ઘાતક વસ્તુઓ મળવાની શક્યતાથી પોલીસે આ વિસ્તારમાં ત્રણ કલાક સુધી સઘન તપાસ હાથ ધરી હતી. જોકે બીજું કંઈ હાથ નહોતું લાગ્યું. એટીએસની ટીમે પણ ઘટનાસ્થળે તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈકે કારતૂસ ભરેલી થેલી બ્રિજ ઉપરથી ફેંકી દીધી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

