અઢાર વર્ણના ગુરુદેવ ઓધવરામજીની હરિદ્વારના આશ્રમથી નીકળેલી ઓધવ જ્યોતનો રથ રવિવારે નવી મુંબઈના વાશીમાં ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં આવી
ગુરુદેવ ઓધવરામજીની ઓધવ જ્યોતનું APMCના વેપારીઓએ કર્યું ભવ્ય સ્વાગત
અઢાર વર્ણના ગુરુદેવ ઓધવરામજીની હરિદ્વારના આશ્રમથી નીકળેલી ઓધવ જ્યોતનો રથ રવિવારે નવી મુંબઈના વાશીમાં ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં આવી પહોંચતાં વેપારીઓએ એનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં વેપારીઓ અને ભક્તો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને ઓધવ જ્યોતનાં દર્શનનો લાભ લીધો હતો એવું વેપારીઓની સંસ્થા ગ્રેઇન, રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (ગ્રોમા)ના પ્રેસિડન્ટ ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.
ગુરુદેવ ઓધવરામજીના કચ્છના જખૌમાં આવેલા જન્મસ્થળે તેમના મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે. ૨૮થી ૩૦ એપ્રિલ દરમ્યાન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. ૩૦ માર્ચે સવારે ૯ વાગ્યે ઓધવરામજીની દિવ્ય ઓધવ જ્યોતનો રથ નીકળ્યો હતો અને એ દિલ્હી, નાંદેડ, ઔરંગાબાદ, પુણે, સાંગલી, ગોવા, રત્નાગિરિ અને ખેડ થઈને રવિવારે નવી મુંબઈ આવી પહોંચ્યો હતો. APMC માર્કેટના ઓધવ ધામ ખાતે એની પધરામણી થઈ હતી. હવે આ ઓધવ જ્યોત રથ ઘાટકોપર, થાણે, વસઈ, ઉમરગામ, સરીગામ, વાપી, વલસાડ, ચીખલી, ભરૂચ, વડોદરા, અમદાવાદ, હિંમતનગર, રાજકોટ, જામનગર, મોરબી અને ગાંધીધામ થઈને જખૌ પહોંચશે.

