અધૂરામાં પૂરું, ઈસ્ટર્ન સબર્બ્સ માટે એક વિકલ્પ એવા વિક્રોલીના પુલનું કામ તો બીએમસીએ ૪૦ ટકા જેટલું માંડ પૂરું કર્યું છે

ઘાટકોપર ઈસ્ટ-વેસ્ટને જોડતો આ જર્જરિત બ્રિજ તોડી પાડવામાં આવશે
ઈસ્ટર્ન સબર્બ્સમાં બ્રિજની સમસ્યા વધી રહી છે તથા બીએમસીએ એને નિવારવા માટે સમય સાથે હોડ બકી છે. રેલવે ટૂંક સમયમાં ઘાટકોપર પૂર્વ-પશ્ચિમને જોડતા જર્જરિત બ્રિજને તોડી પાડવાનું આયોજન કરી રહી છે તથા વિક્રોલીનો સૌથી નજીકનો બ્રિજ ૪૦ ટકા જેટલો પૂર્ણ થયો છે. એવામાં બીએમસી ઘાટકોપરનો પુલ તોડી પાડવામાં આવે એ પહેલાં વિક્રોલીના બ્રિજનું કામ પૂરું કરવા માટે સમય સાથે રેસ લગાવી રહ્યું છે.
બીએમસીના અધિકારીએ જણાવ્યા અનુસાર વિક્રોલી ફાટક રેલવે ઓવરબ્રિજનું કાર્ય ૪૦ ટકા જેટલું પૂર્ણ થયું છે. અત્યાર સુધી ૬૫૬ મીટર લાંબા અને ૫૦ મીટર પહોળા આ બ્રિજના બે પિલર તૈયાર છે. આમ લગભગ મે ૨૦૨૩ સુધીમાં એ પૂર્ણ થવું અપેક્ષિત છે.
અધૂરો વિક્રોલી બ્રિજ, જેનું કામ બીએમસીએ પૂરું નથી કર્યું (તસવીર : સમીર માર્કન્ડે)
વિક્રોલી-પૂર્વના રહેવાસી ડૉક્ટર યોગેશ ભાલેરાવે જણાવ્યા અનુસાર બ્રિજનું બાંધકામ ૨૦૧૮માં શરૂ કરવામાં આવ્યું હતું. મહામારીમાં આ કામ ઝડપથી પૂરું કરી શકાય એમ હતું, પરંતુ એમ ન થતાં હજી સુધી માત્ર ૪૦ ટકા કામ પૂર્ણ થયું છે તથા હજી સુધી માત્ર પિલર્સ જ બેસાડાયા છે. હવે આવતા ૬ મહિનામાં બાકીનું ૬૦ ટકા કામ પૂર્ણ કરવું કઈ રીતે શક્ય છે?
ઘાટકોપરનો બ્રિજ જર્જરિત છે તથા મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશનની યાદીમાં ફરી બાંધવાના પુલોની સૂચિમાં સ્થાન ધરાવે છે. ૪૫ વર્ષ જૂનો આ બ્રિજ ઘાટકોપર-અંધેરી રોડને કનેક્ટ કરે છે, જે બંધ કરવામાં આવે તો મોટરચાલકો માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. ઘાટકોપર બ્રિજની નજીકનો વૈકલ્પિક બ્રિજ વિક્રોલી બ્રિજ છે, જે હજી પૂર્ણ થયો નથી. આમ જો વિક્રોલીનો બ્રિજ તૈયાર થતાં પહેલાં ઘાટકોપરના બ્રિજને તોડી પાડવામાં આવે તો એ જ પ્રકારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે, જેવી હાલમાં અંધેરીનો ગોખલે બ્રિજ બંધ કરવાથી થઈ રહી છે. ઘાટકોપર-પૂર્વથી પશ્ચિમમાં જવા માટે મહાત્મા ગાંધી રોડ પર એક બ્રિજ છે, પરંતુ એ સિંગલ લેનનો હોવાથી હંમેશાં ટ્રાફિક જૅમની સ્થિતિ રહે છે.
વિલંબને કારણે ખર્ચ વધે છે
૨૦૧૮માં શરૂ કરાયેલો બ્રિજ ૨૦૨૦ સુધી પૂર્ણ થવા અપેક્ષિત હતો, પરંતુ હવે આ બ્રિજ મે ૨૦૨૩ સુધી પૂર્ણ થવાની આશા સેવાઈ રહી છે. આ વિલંબને કારણે બ્રિજનો ખર્ચ પણ અગાઉના ૪૫.૭૭ કરોડથી વધીને ૮૮.૪૫ કરોડ પર પહોંચ્યો છે. અધિકારીઓએ કરેલા દાવા મુજબ કેટલીક જમીન હસ્તગતનું તેમ જ બ્રિજના ગર્ડરની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ વિકાસની પુષ્ટિ કરી હતી. એક વિભાગીય અધિકારીઓએ જણાવ્યું હતું કે વહેલો-મોડો બ્રિજ તોડવો જ પડશે. આ પુલ જોખમી યાદીમાં છે અને ટૂંક સમયમાં એને તોડી પાડવામાં આવશે, પરંતુ એને માટે પણ એક પ્રક્રિયા છે, જેમાં ટ્રાફિક પોલીસની પરવાનગી અને અન્ય ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે.