જ્યાં સુધી લોકો નહીં સમજે ત્યાં સુધી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા બહુ ઓછી છે : નીતિન ગડકરી
નીતિન ગડકરી
મુંબઈ : કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ નાગપુરમાં આયોજિત કરાયેલા એક ફન્ક્શનમાં હાજરી આપી હતી અને ત્યારે દેશમાં થતા રોડ-અકસ્માત બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રોડ-અકસ્માત ઘટાડવા અમે દંડની રકમ વધારી, કાયદા કડક કર્યા, ટેક્નૉલૉજી પણ લાવ્યા, પરંતુ એમ છતાં અકસ્માત થાય છે અને લોકાના જીવ જાય છે, એ બહુ ખેદની વાત છે. જ્યાં સુધી લોકો જાતે આ બાબત સમજીને વાહનો નહીં ચલાવે, ટ્રાફિકના નિયમો નહીં પાળે ત્યાં સુધી અક્સ્માતો ઓછા થવાની શક્યતા ઓછી છે. જોકે તેમણે વધુમાં કહ્યું કે નાનપણથી જ બાળકને જો આ બાબતે માહિતી અપાય કે પછી સ્કૂલોમાં એ વિશે સમજ આપવામાં આવે તો એ પ્રમાણેની કેળવણી તે મોટો થઈ વાહન ચલાવતો થાય ત્યારે ઉપયોગી થઈ શકે.
અકસ્માતો કઈ રીતે રોકી શકાય એ માટે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘અમે અકસ્માત નથી રોકી શક્યા એ બાબતનો અમને ખેદ છે. દેશભરમાં દર વર્ષે પાંચ લાખ જેટલા રોડ-ઍક્સિડન્ટ થાય છે, જેમાં ૧.૬૮ લાખ લોકો મૃત્યુ પામે છે. એમાં પણ ૬૫ ટકા મૃતકોની ઉંમર ૧૮થી ૩૫ની વચ્ચેની હોય છે. આમ જ્યારે ઘરની યુવાન વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના પર ડિપેન્ડન્ટ મા-બાપ, પત્ની, બાળકો વગેરેનું જીવન દુષ્કર થઈ જાય છે. એ આખો પરિવાર ભાંગી પડે છે. અમે અકસ્માત રોકવા અકસ્માત કેમ થાય છે એનું કારણ જાણવા પ્રયાસ કરીએ છીએ. એન્જિનિયરિંગ ફૉલ્ટ હોય તો એ સુધારીએ, બ્લૅક સ્પૉટ શોધી કાઢી ત્યાં સાવચેતીનાં પગલાં લઈએ છીએ. કારમાં છ ઍર-બૅગ્સ કમ્પ્લસરી કરી રહ્યાં છીએ. રોજેરોજ લાંબી સફર કરતા ટ્રક-ડ્રાઇવરની કેબિન પણ કમ્પ્લસરી એસીની હોય એવું કરી રહ્યા છીએ. હવે અત્યાધુનિક ટેક્નૉલૉજી સુવિધા વાળી વૉલ્વો બસ પણ લાવી રહ્યા છીએ, અમે અમારાથી બનતા પ્રયાસ કરીએ છીએ. બીજી બાજુ અકસ્માત ઘટાડવા દંડની રકમ વધારી, કાયદા કડક કર્યા, ટેક્નૉલૉજી પણ લાવ્યા. એમ છતાં અકસ્માતો તો થાય જ છે. લોકો હેલ્મેટ પહેરતા નથી અને રેડ સિગ્નલ હોય તો પણ રોકાતા નથી. કાન પર મોબાઇલ મૂકી વાતો કરે છે, તેમને કાયદાનો ડર જ નથી અને કાયદાનું માન પણ નથી. જ્યાં સુધી તેઓ પોતાનું વર્તન નહીં બદલે ત્યાં સુધી અકસ્માત અટકવાના નથી. લોકો પોતે ગંભીરતા સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો એની સંખ્યા ચોક્કસ ઘટી શકે.’


