NEET-UG પેપર લીક કાંડને કારણે બાકી વિદ્યાર્થીઓને હાલાકી? : મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલે આપી માહિતી
ચંદ્રકાંત પાટીલ
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીકને કારણે પરીક્ષા પાછળ ઠેલાઈ હોવાથી રાજ્યમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી કૉલેજમાં ઍડ્મિશનની પ્રક્રિયામાં પણ વિલંબ થશે એવું રાજ્યના એજ્યુકેશન મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું. ઍડ્મિશન મોડું થવાનું હોવાથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ મોડેથી શરૂ થશે એવી માહિતી તેમણે આપી હતી. ઑલ ઇન્ડિયા ક્વોટા હેઠળ આવતી એન્જિનિયરિંગની ૯ બ્રાન્ચનાં ઍડ્મિશન અને ફાર્મસીનાં ૧૫ ટકા ઍડ્મિશન NEET-UGની પરીક્ષા પછી જ આપી શકાય એમ હોવાથી એની રીએક્ઝામ ન થાય ત્યાં સુધી ઍડ્મિશનની પ્રક્રિયા શરૂ કરી શકાય એ શક્ય નથી. એ સિવાય જે વિદ્યાર્થીઓ NEET-UGમાં સારું પ્રદર્શન નથી કરતા તેઓ પછીથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું પસંદ કરતા હોય છે જેને પગલે તેમની પરીક્ષા ન લેવાય ત્યાં સુધી એન્જિનિયરિંગનાં ઍડ્મિશન પણ શરૂ નહીં કરી શકાય એવું ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું.
