Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવાજી મહારાજનું ક્યારેય નામ ન લેનારા શરદ પવારને ૪૦ વર્ષે છત્રપતિની યાદ આવી

શિવાજી મહારાજનું ક્યારેય નામ ન લેનારા શરદ પવારને ૪૦ વર્ષે છત્રપતિની યાદ આવી

25 February, 2024 08:11 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ ઠાકરેએ કહ્યું કે મુસ્લિમોના મત મેળવવા માટે એનસીપીના સ્થાપકે ક્યારેય શિવાજી મહારાજને યાદ નથી કર્યા, હવે પગ નીચે પાણીનો રેલો આવતાં રાયગડ જઈને તુતારી વગાડી

શરદ પવાર ચાર દાયકા બાદ પહેલી વખત રાયગડ કિલ્લામાં પાલખીમાં બેસીને પહોંચ્યા હતા અને છત્રપતિ શિવાજી મહારાજના સિંહાસન સામે પોતાના નવા પક્ષના ચૂંટણીચિહન તુતારીનું અનાવરણ કર્યું હતું.  પી.ટી.આઇ.

શરદ પવાર ચાર દાયકા બાદ પહેલી વખત રાયગડ કિલ્લામાં પાલખીમાં બેસીને પહોંચ્યા હતા અને છત્રપતિ શિવાજી મહારાજના સિંહાસન સામે પોતાના નવા પક્ષના ચૂંટણીચિહન તુતારીનું અનાવરણ કર્યું હતું. પી.ટી.આઇ.


એનસીપીના સ્થાપક શરદ પવારે ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની હતી એ રાયગડ કિલ્લામાં જઈને પોતાના નવા પક્ષના ચૂંટણીચિહન તુતારીનું અનાવરણ કર્યું હતું. શરદ પવાર પાલખીમાં બેસીને કિલ્લા પર પહોંચ્યા હતા. રાજ ઠાકરેએ શરદ પવારે ૪૦ વર્ષ બાદ છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરવા બદલ તેમની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી શરદ પવારને શિવાજી યાદ નહોતા આવ્યા અને હવે અચાનક તેઓ રાયગડ કિલ્લામાં પહોંચ્યા છે.

રાજ ઠાકરેએ ગઈ કાલે ડોમ્બિવલીની મુલાકાત વખતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મેં અગાઉ અનેક વખત કહ્યું છે કે આપણા મહાપુરુષો અને આપણી જાતિમાં ફૂટ પાડવાનું રાજકારણ અત્યારે ચાલી રહ્યું છે. શરદ પવારે ક્યારેય છત્રપતિનું નામ નહોતું લીધું અને આજે તેમને રાયગડ યાદ આવ્યો. મેં તેમની જાહેર મુલાકાત લીધી હતી ત્યારે પૂછ્યું હતું કે તમે શાહુ-ફુલે અને આંબેડકરનું નામ કાયમ લો છો, પણ છત્રપતિનું નામ ક્યારેય લેતા નથી. શિવાજી મહારાજનું નામ લેવાથી મુસ્લિમોના મત નહીં મળે? તેમણે આ સવાલનો એ સમયે કોઈ જવાબ નહોતો આપ્યો. તેમનો આ ભ્રમ દૂર થઈ ગયો છે? હવે તેમને છત્રપતિ શિવાજી મહારાજ યાદ આવ્યા?’રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વ​રિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ ગઈ કાલે શરદ પવાર પર નિશાન તાકતાં કહ્યું હતું કે ‘મને એક વાતનો આનંદ છે કે આખરે ૪૦ વર્ષ બાદ પવારસાહેબ રાયગડ કિલ્લા પર ગયા. અજિતદાદાને કોઈ એક વાત પર ક્રેડિટ આપવાની આવે તો તેમણે શરદ પવારને ચાલીસ વર્ષ બાદ છત્રપતિ શિવાજી મહારાજનાં ચરણે લાવી દીધા. શરદ પવારે અહીં તુતારીનું અનાવરણ કર્યું છે એ ક્યાં અને કેટલી વાગે છે એ આપણને ભવિષ્યમાં જોવા મળશે.’


શરદ પવાર પાલખીમાં બેસીને રાયગડ કિલ્લા પર ગયા હોવાનો વિડિયો વાઇરલ થતાં લોકોએ શરદ પવારની ટીકા કરતાં લખ્યું છે કે જેમણે છત્રપતિ શિવાજી મહારાજને જાણતા રાજા ન કહો એમ બોલીને અપમાન કર્યું હતું, એક પણ રાજાના કિલ્લા શ્રી રાયગડ તીર્થની યાત્રા નહોતી કરી તેમને હવે ૮૩ વર્ષની ઉંમરે કિલ્લામાં જઈને છત્રપતિ શિવાજી મહારાજના સિંહાસન સામે નતમસ્ક થઈને તુતારી વગાડવી પડી છે એવો સમય આવ્યો છે. આને કહેવાય નિયતિનો ફટકો અને છત્રપતિ શિવાજી મહારાજની દૈવી શક્તિનો પરચો.

ઠાકરેની મશાલ પેટશે નહીં અને પવારની તુતારી પણ નહીં વાગે
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને નિશાન બનાવતાં બીજેપીના વરિષ્ઠ પ્રધાન અને રાજ્યના કૅબિનેટ પ્રધાન ગિરીશ મહાજને ગઈ કાલે કહ્યું હતું કે ‘મેં થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે વિસ્ફોટ થશે. એ જ સમયે કૉન્ગ્રેસમાં ફૂટ પડી. સુપ્રિયા સુળે, રોહિત પવાર અને અજિત પવારના કૌટુંબિક સંબંધ છે. આથી આજે તેઓ શા માટે મળ્યાં હતાં એ તો અજિતદાદા જ કહી શકે. રાજ્યમાં આઠ દિવસમાં ફરી રાજકીય વિસ્ફોટ થઈ શકે છે. અત્યારની અને ભવિષ્યની રાજકીય સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેની મશાલ પેટવાની કે શરદ પવારની તુતારી વાગવાની કોઈ શક્યતા નથી. ટૂંક સમયમાં જ મહાયુતિના લોકસભાના ઉમેદવારોની જાહેરાત થઈ જશે.’


મનોજ જરાંગે પાટીલ સામે આજે બૉમ્બ ફૂટશે?
મરાઠા આંદોલનમાં મનોજ જરાંગે પાટીલ સાથે ખભેખભા મિલાવીને કામ કરનારા કીર્તનકાર અજય બારસકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘હું આવતી કાલે બૉમ્બ ફોડીશ. મનોજ જરાંગે પાટીલે કોને વિધાનસભ્ય બનાવવાનું સપનું દેખાડ્યું છે એના પુરાવા મારી પાસે છે. તેના સંબંધીઓ પાસે ૪૫ ડમ્પર કેવી રીતે આવ્યાં એની તપાસ કરવાની માગણી ઈડીમાં કરવાનો છું. હું આવતી કાલે ૧૧ વાગ્યે મનોજ જરાંગે પાટીલની પોલ ખોલીશ.’

અજય બારસકરે પત્રકારો સાથેની વાતચીતમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘હું મહારાજની સાથે વકીલ પણ છું. મારી પાસે મનોજ જરાંગે પાટીલના રેકૉર્ડિંગ સહિતના પુરાવા છે. તેણે લોનાવલામાં બંધ દરવાજે મીટિંગ કરી હતી એ વિશે પૂછ્યું હતું. સભામાં મરાઠા સમાજની છ માગણી માન્ય કરવામાં આવી હતી. લોનાવલાની મીટિંગ બાદ એ કેમ ભૂલી દેવાઈ? અંતરવલીમાં આત્મહત્યા કરનારા ૪૫ મરાઠા ભાઈઓના પરિવારને નોકરી આપવાની વાત ક્યાં ઊડી ગઈ? ૨૦૧૭માં મરાઠા સમાજને ઓબીસીથી અલગ આરક્ષણ આપવાની વાત મનોજ જરાંગે પાટીલ કરતા હતા. હવે માગણી બદલી નાખી અને કુણબી પ્રમાણપત્રની માગણી કરી રહ્યા છે. તેની સામે પુણેમાં ચીટિંગનો મામલો છે. તે કહે છે કે મને ટ્રૅપ કરવામાં આવી રહ્યો છે. ટ્રૅપ કાળા ધંધા કરનારા પર થાય. તે કયો કાળો ધંધો કરે છે? જે ​પિ​ટિશનને કારણે ગાયકવાડ કમિટીનું આરક્ષણ આવ્યું એ મારા લીધે આવ્યું છે. આવતી કાલે ૧૧ વાગ્યે અહીં બૉમ્બધડાકો થશે. મનોજ જરાંગે પાટીલ કેવા છે એની માહિતી હું જાહેર કરીશ.’

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2024 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK