અંધેરીમાં આયોજિત ‘છોગાળા રે નવરાત્રિ ઉત્સવ’માં તે ધૂમ મચાવશે. રાસરસિયાઓને આ નવરાત્રિમાં ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે, પણ એના માટે પાસની વ્યવસ્થા કરવામાં આવી છે
ગઈ કાલે રાખવામાં આવેલી પ્રેસ-કૉન્ફરન્સમાં ગીતા રબારીએ લોકોને ગરબે ઘુમાવ્યા હતા (તસવીર : અનુરાગ અહિરે)
કચ્છની કોયલ ગીતા રબારી આ વખતે મુંબઈમાં પહેલી વખત નવરાત્રિ ગજવશે. અંધેરી-પૂર્વમાં મહાકાળી ગુફા માર્ગ પર આવેલી હોલી ફૅમિલી હાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં બીજેપીના સ્થાનિક નેતા મુરજી પટેલ દ્વારા ‘છોગાળા રે નવરાત્રિ ઉત્સવ’માં ગીતા રબારી મુંબઈગરાઓને રાસ-ગરબા રમાડશે.
નવરાત્રિના આયોજન વિશે બીજેપીના નેતા મુરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘મુંબઈ શહેરમાં નવરાત્રિનાં આયોજનો તો ઘણાં થાય છે, પરંતુ અમે નક્કી કર્યું હતું કે મુંબઈવાસીઓને અને ખાસ કરીને અંધેરીમાં રહેતા લોકોને અસલી ગુજરાતની નવરાત્રિનો પરિચય કરાવીએ જેમાં છટા, સૂર-તાલ અને સંગીતમાં ગુજરાતનો રણકો હોય. આ માટે સંસ્કૃતિ અને સૂરના સુભગ મિલન સાથે અમે અંધેરીની હોલી ફૅમિલી હાઈ સ્કૂલના મેદાનમાં છોગાળા રે નવરાત્રિનું આયોજન કર્યું છે. અમારા પ્રેરણાસ્રોત એવા ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસજીની શુભકામનાઓ તેમ જ જન-ભાગીદારીથી આ કાર્યક્રમ સફળ થશે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે અંધેરીમાં પહેલી વખત મોટા પાયે નવરાત્રિનું હોલી ફૅમિલી હાઈ સ્કૂલના મેદાનમાં આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે અહીં દરરોજ ૧૦,૦૦૦ લોકો રાસ-ગરબા રમી શકશે અને ૪,૦૦૦ લોકો બેસીને નવરાત્રિ માણી શકશે.
નવરાત્રિ ઉત્સવ વિશે પત્રકારો સાથે વાતચીત કરતાં કચ્છની કોયલ ગીતા રબારીએ કહ્યું હતું કે ‘મેં મારી કરીઅરમાં દેશ-વિદેશમાં અનેક નવરાત્રિ કરી છે, પરંતુ મુંબઈના ઘરઆંગણે નવરાત્રિ દરમિયાન પર્ફોર્મન્સનો આ પહેલો મોકો છે. મુંબઈના ગુજરાતીઓ એટલે સવાયા ગુજરાતીઓ. મને પૂરો વિશ્વાસ છે કે રસિકો આ નવરાત્રિને ખૂબ માણશે.’
‘રોણા શેર રે’ ફેમ એવી આ કચ્છી કોયલ સામાન્ય રીતે કચ્છી ભાતીગળ પોશાકમાં જોવા મળે છે. રાસરસિયાઓને આ નવરાત્રિમાં ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે, પણ એના માટે પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. અંધેરીના રહેવાસીઓ માટે પચાસ ટકા પાસ રિઝર્વ રાખવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિસ્તારમાંથી અહીં આવનારાઓ માટે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.


