લોકોને વિવિધ સાઇબર અને સોશ્યલ મીડિયાના ગુનાઓથી બચાવવા અને સાઇબર ગુનાઓ વિશે જાગૃતિ લાવવા વૉટ્સઍપ ચૅનલ શરૂ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ પોલીસે મહિલાઓની સુરક્ષા, નાર્કોટિક્સ અને સાઇબર છેતરપિંડી અટકાવવા માટે ગઈ કાલે સવારે વાશીના સિડકો ઑડિટોરિયમમાં પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાની હાજરીમાં વૉટ્સઍપ ચૅનલ શરૂ કરીને એની સાથે જ એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે જેના પર લોકો તેમની સાથે થયેલા ગુનાની માહિતી પોલીસને આપી શકે છે. ટેક્નૉલૉજીના યુગમાં વધતી જતી ટેક્નૉલૉજી સાથે સાઇબર ગુનાઓ દિવસે-દિવસે વધી રહ્યા છે ત્યારે લોકોને વિવિધ સાઇબર અને સોશ્યલ મીડિયાના ગુનાઓથી બચાવવા અને સાઇબર ગુનાઓ વિશે જાગૃતિ લાવવા વૉટ્સઍપ ચૅનલ શરૂ કરવામાં આવી છે.
88281 12112 હેલ્પલાઇન નંબર ૨૪ કલાક લોકોની સેવામાં ઉપલબ્ધ હશે એમ જણાવતાં નવી મુંબઈના પોલીસ-કમિશનર મિલિંદ ભારમ્બેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજકાલ વૉટ્સઍપ અને સોશ્યલ મીડિયા પર મોટા ભાગના લોકો ઍક્ટિવ રહે છે. તેઓ આવા સાઇબર ક્રાઇમથી બચી શકે એ માટે વૉટ્સઍપ ચૅનલ શરૂ કરવામાં આવી છે. એમાં અમે રોજ અલગ-અલગ સાઇબર છેતરપિંડીના વિડિયો પોસ્ટ કરીશું. આ વિડિયોમાં કઈ રીતે સાઇબર ગઠિયાઓ લોકોને છેતરતા હોય છે એની માહિતી હશે. આ ઉપરાંત આનાથી કેવી રીતે બચવું એની માહિતી પણ હશે.’