પતિની હત્યા કરીને તેને ઘરમાં દાટી દીધા પછી ઉપર નવી ટાઇલ્સ લગાવવા પોતાના જેઠને જ બોલાવ્યો નાલાસોપારાની કાતિલ પત્નીએ
જીવ ગુમાવનારા વિજય ચૌહાણનો મોટો ભાઈ અજય ચૌહાણ કડિયાકામ કરે છે
નાલાસોપારામાં પત્નીએ પતિને પ્રેમીની મદદથી પતાવીને ઘરમાં જ દાટી દીધો હતો એટલું જ નહીં, એના પર પતિના મોટા ભાઈ પાસે જ ટાઇલ્સ લગાવડાવી હતી. જોકે હવે મરનાર વિજય ચૌહાણના મોટા ભાઈ અજય ચૌહાણે કહ્યું છે કે મને ખબર નહોતી કે હું મારા ભાઈને જ દાટી રહ્યો છું.
આ ઘટનાથી અજાણ અજયને તેના નાના ભાઈની પત્ની ગુડિયા ઉર્ફે ચમન ઘરમાં ટાઇલ્સ લગાવવા બોલાવી રહી હતી. ગુડિયાએ તેના પાડોશી પ્રેમી મોનુ વિશ્વકર્મા સાથે મળીને પતિ વિજયની હત્યા કરી હતી અને પછી ઘરમાં જ દાટી દીધો હતો. વિજયનો મોટો ભાઈ અજય કડિયાકામ કરે છે. ગુડિયાએ તેને કહ્યું હતું કે પાઇપલાઇન નાખવાની હતી એટલે ઘરમાં તોડકામ થયું હોવાથી તમે આવીને ટાઇલ્સ નાખી જાઓ. જોકે તે બીજા કામમાં અટવાયેલો હોવાથી ટાઇલ્સ નાખવા નહોતો જઈ શક્યો. આખરે ટાઇમ કાઢીને તેણે ગયા શનિવારે ૧૯ જુલાઈએ જઈને ટાઇલ્સ લગાડી હતી.
ADVERTISEMENT
અજયે આ બાબતે કહ્યું હતું કે ‘મને ગુડિયાએ એમ કહ્યું કે વિજય ગુસ્સામાં ઘર છોડીને હાલ કાંદિવલી તે જ્યાં કામ કરે છે ત્યાં જ રહે છે. મેં કહ્યું કે તે કેમ ફોન નથી ઉપાડતો? એના જવાબમાં ગુડિયાએ કહ્યું હતું કે તેણે નવો ફોન લીધો છે. જોકે એ પછી મેં જ્યાં વિજય કામ કરતો હતો ત્યાં જઈને તપાસ કરી તો મને એમ કહેવામાં આવ્યું કે તેણે તો અઠવાડિયા પહેલાં જ નોકરી છોડી દીધી છે.’
એ પછી વિજયના અન્ય એક ભાઈ અખિલેશે આ બાબતે પેલ્હાર પોલીસ-સ્ટેશનમાં તેના મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. ગુડિયાએ તેને એમ કહ્યું હતું કે વિજય હવે નવું કામ મળ્યું હોવાથી કુર્લા રહે છે. આમ ગુડિયા દ્વારા વિજય બાબતે અલગ-અલગ માહિતી તેના ભાઈઓને આપવામાં આવી હતી. જોકે ગુડિયા અને મોનુ ત્યાર બાદ નાસી ગયાં હતાં. પોલીસે આવીને ઘરમાં તપાસ કરી ત્યારે ઘરમાં લગાડવામાં આવેલી નવી ટાઇલ્સને કારણે શંકા ગઈ હતી. એ કાઢીને તપાસ કરતાં વિજયનો દાટેલો મૃતદેહ મળી આવ્યો હતો. પેલ્હાર પોલીસે ત્યાર બાદ તપાસ કરીને ગુડિયા અને મોનુને ઝડપી લીધાં હતાં.


