Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આખરે મુંબઈમાં આવી રહી છે ફાયર બાઇક્સ

આખરે મુંબઈમાં આવી રહી છે ફાયર બાઇક્સ

17 October, 2021 01:17 PM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

દરેક વૉર્ડમાં એક-એક બાઇક હશે : આ બાઇક્સ સાંકડી અને ગીચ ગલીઓમાં આગની દુર્ઘટના વખતે ઝડપથી પહોંચીને એને ઓલવવાની પ્રાથમિક કામગીરી શરૂ કરી શકશે

એક ફાયર બાઇક પર બે ફાયરમેન ૪૦ લિટર પાણી અને એક પમ્પ સાથે ઘટનાસ્થળે પહોંચી શકે છે

એક ફાયર બાઇક પર બે ફાયરમેન ૪૦ લિટર પાણી અને એક પમ્પ સાથે ઘટનાસ્થળે પહોંચી શકે છે


મુંબઈના સાંકડા અને નાની ગલી-રસ્તામાં ઉપયોગી થઈ શકે એવી ફાયર બાઇક્સ લેવાની પ્રક્રિયા ફાયર બ્રિગેડ દ્વારા બે વર્ષ પહેલાં હાથ ધરાઈ હતી. ગણતરીના દિવસોમાં આ બાઇક્સનું આખરે શહેરમાં આગમન થઈ રહ્યું છે. ટેન્ડરપ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે અને પંદર દિવસની અંદર સ્ટૅન્ડિંગ કમિટી સામે પ્રસ્તાવ મૂકવામાં આવશે.

મુંબઈ પાસે પૂરતાં ફાયર એન્જિન ઉપલબ્ધ છે. ઊંચી ઇમારતો માટે ૯૦ મીટરની હાઇડ્રોલિક લેડર (સીડી) પણ છે. જોકે ફાયર બ્રિગેડ વિભાગ નાનાં-નાનાં ફાયર સ્ટેશન્સ અને નાનાં ફાયર એન્જિન મેળવવા માટે મહેનત કરી રહી હતી જેથી ભીડવાળા-ગીચ વિસ્તારોમાં અને સાંકડી જગ્યાઓમાં ભડકેલી આગને કાબૂમાં લાવવાની પ્રાથમિક કામગીરી થઈ શકે. ૩૦ જૂન ૨૦૧૬ના દિવસે અંધેરી (પશ્ચિમ)માં મેડિકલ સ્ટોરમાં આગ લાગી હતી, જેમાં ૯ લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના પછી તાત્કાલિક સાંકડા વિસ્તારોમાં આગની ઘટના સામે લડવા ફાયર બ્રિગેડે કમર કસી હતી. મુંબઈમાં આગની ઘટના સામે લડવામાં સાંકડી ગલીઓ, ટ્રાફિક જૅમ, રસ્તાની બન્ને બાજુ પાર્કિંગ વગેરે અનેક પડકારો છે. ભીડવાળા અને સાંકડા વિસ્તારોમાં આગના સ્થળે જલદીથી પહોંચીને પ્રાથમિક પગલાં ભરી શકે એવી સુવિધા વહેલી તકે ઊભી કરવાની જરૂર અંધેરીની ઘટના પછી સ્પષ્ટ સામે આવી હતી. જોકે એમ છતાં ફાયર બાઇક્સની ખરીદી જુદાં-જુદાં કારણોથી  બે વર્ષ સુધી પાછી ઠેલાતી રહી હતી.



એક ફાયર બાઇક પર બે ફાયરમેન ૪૦ લિટર પાણી અને એક પમ્પ સાથે ઘટનાસ્થળે પહોંચી શકે છે. ૪૦ લિટર પાણી આમ જોતાં ઓછું લાગે, પણ આગ લાગ્યા પછી એને ફેલાતી અટકાવવામાં અને પ્રાથમિક પગલાં તરીકે તે મહત્ત્વનું બની રહે છે. ફાયર બાઇક સાથે અટૅચ કરેલો પમ્પ એક મિનિટમાં ૮ લિટર પાણી છાંટી શકે છે. આગના સ્થળે પાણી ઉપલબ્ધ ન હોય તો પણ પાંચ મિનિટ સુધી તે સળંગ પાણી છાંટી શકે છે.


ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર રાજેન્દ્ર ચૌધરી કહે છે કે ફાયર બાઇક ઓછામાં ઓછી પાંચથી છ મિનિટ વહેલી પહોંચી શકે છે અને આગ ઓલવવાની કામગીરી આરંભી દઈ શકે છે. એની પાણીની ટૅન્ક નાની હોય છે, પણ તે તરત ભરાઈ શકે એવી છે. આ ટૅન્કને બકેટથી કે પાણીના પાઇપથી ઝડપથી ફરી ભરી શકાય છે અને છંટકાવ ચાલુ રહી શકે છે. આ કારણે મોટાં એન્જિનો આવી પહોંચે ત્યાં સુધી પ્રાથમિક ઉપચાર તરીકે તે મહત્ત્વનું કામ કરી શકે છે.

ફાયર વિભાગના અધિકારીઓ પાસેથી જાણવા મળે છે કે ૮૦ ટકાથી વધુ આગના બનાવ ઇલેક્ટ્રિક શૉર્ટ-સર્કિટને લીધે થતા હોય છે. પહેલી નજરમાં સામાન્ય લાગે એવા તણખા પણ આગ ઓલવવા માટેનાં સંસાધનો પહોંચે એટલી વારમાં દાવાનળમાં પરિણમી શકે છે.


રાજેન્દ્ર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ‘ટેન્ડરપ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે અને શહેરમાં ૨૪ વૉર્ડ માટે ૨૪ બાઇક હશે. દરેક વૉર્ડમાં એક બાઇક હશે. સ્ટૅન્ડિંગ કમિટીને બે સપ્તાહની અંદર પ્રસ્તાવ મોકલવામાં આવશે. એક વાર પ્રસ્તાવ મંજૂર થઈ જશે અને વર્કઑર્ડર આપી દેવામાં આવશે એટલે ત્રણ મહિનામાં ફાયર બાઇક્સનું શહેરમાં આગમન થઈ જશે.’

મુંબઈ મહાનગરપાલિકાએ માર્ચ ૨૦૨૦માં લૉકડાઉન પહેલાં ટેન્ડર જાહેર કર્યાં હતાં, પણ નવા પ્રકારનું વેહિકલ હોવાથી સુધરાઈને મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ અૅન્ડ હાઇવેઝ પાસેથી પરવાનગી નહોતી મળી. એવામાં લૉકડાઉનને લીધે તમામ પ્રક્રિયાઓ અટવાઈ ગઈ. એથી ડિસેમ્બર ૨૦૨૦માં ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ કૉન્ટ્રૅક્ટર નક્કી કરવામાં બીજા ૯ મહિના વીતી ગયા હતા. અત્યારે ફાયર બ્રિગેડ સ્ટૅન્ડિંગ કમિટીમાં ચર્ચા માટે મૂકવાના પ્રસ્તાવને અંતિમ રૂપ આપી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 01:17 PM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK