ઑક્ટોબરના સાત જ દિવસમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૫૦થી ગબડીને ૧૦૦ને પાર કરી ગયો છે અને તહેવારોની સીઝનમાં તો હવા હજી વધુ ખરાબ થશે એવી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે
ફાઇલ તસવીર
પાછલા દિવસોમાં મુંબઈની ઍર ક્વૉલિટીમાં ભારે ઘટાડો થવા લાગ્યો છે. નિષ્ણાતો કહે છે કે આ આવી રહેલા પ્રદૂષિત શિયાળાનો સંકેત છે. ગુરુવારે સાંજે શહેરનો સરેરાશ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૧૦૦ના લેવલને પાર કરી ગયો હતો. મૉન્સૂન દરમ્યાન મુંબઈને ‘ગુડ’ કૅટેગરીની હવા માણવા મળી હતી. એનાથી હવે ઍર ક્વૉલિટી આંક નીચે ગબડ્યો છે.
સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા પ્રમાણે ગયા શનિવારે ૪૯ રહેલો મુંબઈનો AQI આ અઠવાડિયા દરમ્યાન ધીમે-ધીમે ખરાબ થયો હતો. શહેરનો AQI રવિવારે ૬૧, બુધવારે ૭૧ અને ગુરુવારે સાંજ સુધીમાં ૧૦૫ નોંધાયો હતો. એટલે કે મુંબઈની ઍવરેજ ઍર ક્વૉલિટી ‘સૅટિસ્ફૅક્ટરીથી મીડિયમ’ કૅટેગરીમાં છે, જ્યારે ઘણા વિસ્તારોમાં હાઈ લેવલ નોંધાયું હતું. શિવડીમાં સૌથી ખરાબ (૧૫૮), ત્યાર બાદ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (૧૪૮), દેવનાર (૧૪૭) અને બોરીવલી (૧૧૩)માં સૌથી ખરાબ AQI નોંધાયો હતો.
ADVERTISEMENT
મુંબઈમાં મૉન્સૂનની વિદાય
ભારતના હવામાન વિભાગે ગઈ કાલે ૧૦ ઑક્ટોબરે મુંબઈમાંથી મૉન્સૂનની સત્તાવાર વિદાય થઈ ગઈ હોવાની જાહેરાત કરી હતી. જોકે મૉન્સૂનને પૂરું થવામાં મોડું થશે એવી અપેક્ષા હતી જ. અગાઉ પણ ઑક્ટોબરના બીજા અઠવાડિયા સુધી ચોમાસાની વિદાયની ધારણા હવામાન ખાતાએ જાહેર હતી.
કેવા AQIની કેવી અસર?
૦-૫૦ સારી
ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.
૫૧થી ૧૦૦ સંતોષકારક
સંવેદનશીલ વ્યક્તિને શ્વાસ લેવામાં નજીવી તકલીફ થઈ શકે.
૧૦૧થી ૨૦૦ થોડી ખરાબ
અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.
૨૦૧થી ૩૦૦ ખરાબ
ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.
૩૦૧થી ૪૦૦ બહુ ખરાબ
લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.
૪૦૧થી ૫૦૦ ગંભીર
સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે.
સારા ચોમાસા પછી ખરાબ શિયાળા માટે તૈયાર રહેજો
નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે મુંબઈ ટૂંક સમયમાં ‘ખૂબ ખરાબ’ કૅટેગરીમાં જઈ શકે છે. આ શિયાળામાં કેટલાક દિવસોમાં AQIનું સ્તર ૩૫૦ને પણ વટાવી શકે છે. જૂનથી સપ્ટેમ્બરના ચોમાસાના મહિનાઓ દરમ્યાન વરસાદને કારણે હવામાં રહેલા કણો વારંવાર ધોવાઈ ગયા હતા એટલે પ્રદૂષણ નિયંત્રણમાં રહ્યું હતું. મૉન્સૂન દરમ્યાન શહેરનો AQI ૫૦ની નીચે રહ્યો. પર્યાવરણપ્રેમી અને કેટલાક વૈજ્ઞાનિકોએ એવી ચેતવણી આપી હતી કે આ શિયાળો તાજેતરનાં વર્ષોમાં મુંબઈનો સૌથી પ્રદૂષિત શિયાળો હોઈ શકે છે.


