પિતાની અંતિમક્રિયા માટે જતી બે બહેનો અને તેમના પુત્ર તથા તેમની હજી એક બહેનનો દીકરો કાળનો કોળિયો બની ગયાં: રસ્તામાં કાર નદીમાં ૧૦૦ ફુટ નીચે ખાબકી એમાં પાંચ જણના જીવ ગયા : હૃદયદ્રાવક અકસ્માતમાં બે જણનો ચમત્કારિક બચાવ
મિતાલી વિવેક મોરે, નિહાર વિવેક મોરે, શ્રેયસ રાજેન્દ્ર સાવંત
મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના ખેડ તાલુકાના ખેડ શહેર નજીક મુંબઈ-ગોવા નૅશનલ હાઇવે પર ભરણા નાકા પાસેની જગબુડી નદીના પુલ પરથી ગઈ કાલે વહેલી સવારે પાંચેક વાગ્યે એક કાર ૧૦૦ ફુટ નીચે પટકાવાની ઘટના બની હતી. એમાં પ્રવાસ કરી રહેલા સાતમાંથી પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જીવ ગુમાવનારા લોકોમાં બે બહેન, તેમના પુત્રો અને તેમની ત્રીજી બહેનના પુત્રનો સમાવેશ હોવાનું જાણવા મળ્યું હતું. મીરા રોડ અને નાલાસોપારામાં રહેતી બહેનોના ખેડ તાલુકાના કરલી દેવરુખ ગામમાં રહેતા પિતાનું શનિવારે અવસાન થયું હોવાથી તેમની અંતિમક્રિયા માટે બધા રવિવારે મોડી સાંજે કારમાં નીકળ્યા હતા. પિતાની અંતિમક્રિયા તો દૂર રહી, બહેનો કાળનો કોળિયો બની ગઈ. નદીમાં પાણી નહોતું એટલે ઊંચાઈએથી પડેલી કારનો કચ્ચરઘાણ નીકળી જતાં મૃતદેહોને કારના દરવાજા કાપીને બહાર કાઢવા પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં કાર વધુ પડતી સ્પીડમાં હોવાથી નદીના પુલ પાસેના વળાંક પર ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવવાથી આ અકસ્માત થયો હોવાનું જણાઈ આવ્યું છે. આ સમાચાર જાણ્યા બાદ દેવરુખ ગામમાં જ નહીં, મીરા રોડ અને નાલાસોપારામાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
કારને ક્રેનથી ઉપર લાવ્યા બાદ એમાંથી મૃતદેહો અને જખમીઓને દરવાજા કાપીને બહાર કાઢવા પડ્યા હતા.
રત્નાગિરિની ખેડ પોલીસના જણાવ્યા મુજબ રવિવારે વહેલી સવારે મુંબઈથી દેવરુખ ગામ તરફ જઈ રહેલી સાત સીટર (MH-02-FX-3265) કાર જગબુડી નદીના પુલ પરથી ૧૦૦ ફુટ નીચે પટકાઈ હતી. કાર નાલાસોપારામાં રહેતો પ્રમેશ પરાડકર ચલાવી રહ્યો હતો. તે ગંભીર રીતે જખમી થયો છે, જ્યારે મીરા રોડમાં રહેતા તેના સાઢુભાઈ વિવેક શ્રીરામ મોરેને પણ ઈજા પહોંચી છે. આ ઘટનામાં મીરા રોડમાં રહેતી ૪૩ વર્ષની મિતાલી વિવેક મોરે, ૧૯ વર્ષના તેના પુત્ર નિહાર, નાલાસોપારામાં રહેતી મેઘા પરાડકર, તેના બાવીસ વર્ષના પુત્ર સૌરવ અને મિતાલીની અન્ય એક બહેનના ૨૫ વર્ષના પુત્ર શ્રેયસ સાવંતનાં મૃત્યુ થયાં છે. ઊંચાઈએથી પડવાને લીધે કારનું રીતસરનું પડીકું વળી જતાં કારના દરવાજા કાપીને બધાને કાઢવામાં આવ્યા હતા.
પિતાની અંતિમક્રિયા માટે નીકળ્યા હતા
મીરા રોડ-ઈસ્ટમાં બાપા સીતારામની મઢૂલીની સામે આવેલા ઇન્દ્રપ્રસ્થ કૉમ્પ્લેક્સની ‘એફ’ વિંગમાં આવેલા ૧૦૪ નંબરના ફ્લૅટમાં મિતાલી મોરે પતિ વિવેક અને પુત્ર નિહાર સાથે રહેતી હતી. ગઈ કાલે બપોરે બધા મૃતદેહની રાહ જોઈને બેઠા હતા ત્યારે એક પરિવારજને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મિતાલી અને મેઘાના પિતા મોહન ચાળકેનું શનિવારે અવસાન થયું હોવાના સમાચાર મળ્યા બાદ બધા કારમાં તેમના પિતાના ગામ કરલી દેવરુખ જવા માટે નીકળ્યા હતા. તેઓ પિતાની અંતિમક્રિયામાં પહોંચે એ પહેલાં જ કારનો અકસ્માત થવાથી બન્ને બહેન સહિત પાંચ લોકોનાં પણ મૃત્યુ થવાના સમાચાર અમને આજે સવારના મળતાં અમે ચોંકી ગયા હતા. બે બહેનોનો પરિવાર એકસાથે આવી રીતે વીંખાઈ જશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. નાલાસોપારામાં જ રહેતી ત્રીજી બહેનના પુત્ર શ્રેયસ સાવંતે પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. આથી પિતાના મૃત્યુના નિમિત્તે એકસાથે ત્રણ પુત્રીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.’
પાંચેયના મૃતદેહ ગઈ કાલે સાંજે રત્નાગિરિથી મુંબઈ લાવવામાં આવ્યા હતા અને મોડી સાંજે એમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

