શિવાજી પાર્કમાં ઘાસ બિછાવવાનો પ્રયોગ સફળ થશે તો પછી મુંબઈની દરેક ઓપન સ્પેસમાં આ રીતે ઘાસની લૉન ઉગાડવામાં આવશે એમ મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડનું કહેવું છે.
શિવાજી પાર્ક
આ વર્ષે ચોમાસા પહેલાં શિવાજી પાર્કમાં હાલમાં જ્યાં લાલ માટી દેખાય છે ત્યાં લીલુંછમ ઘાસ જોવા મળી શકે છે. શિવાજી પાર્કમાં ઘાસ બિછાવવાનો પ્રયોગ સફળ થશે તો પછી મુંબઈની દરેક ઓપન સ્પેસમાં આ રીતે ઘાસની લૉન ઉગાડવામાં આવશે એમ મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડનું કહેવું છે. એ સિવાય બોર્ડે કહ્યું હતું કે સ્પોર્ટ્સ, રાજકીય કે સામાજિક કોઈ પણ ઇવેન્ટ માટે શિવાજી પાર્કના ગ્રાઉન્ડમાં મંડપ, સ્ટેજ કે નેટ બાંધવા માટે પણ ખોદકામ કરવાની પરવાનગી હવે આપવામાં નહીં આવે.
શિવાજી પાર્કની આસપાસ રહેતા લોકોએ શિવાજી પાર્કમાં પાથરવામાં આવેલી લાલ માટીના મુદ્દે ફરિયાદ કરતાં કહ્યું હતું કે આ માટી સતત ઊડતી રહે છે અને એનાથી ડસ્ટ પૉલ્યુશન થાય છે અને અમને શ્વાસની બીમારી થાય છે. તેમની આ ફરિયાદ સંદર્ભે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-Vબૉમ્બે અને અન્ય લૅન્ડસ્કેપ એક્સપર્ટ્સની સલાહ લેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ‘ઊડતી માટીને રોકવા માટે એના પર બીજી માટી પાથરવી એ કાંઈ સૉલ્યુશન નથી. ત્યાં જો ઘાસ ઉગાડવામાં આવે તો એનાં મૂળિયાં માટીને જકડી રાખશે અને એ રીતે પવનમાં માટી ઓછી ઊડશે.’
ADVERTISEMENT
પૉલ્યુશન બોર્ડે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને કહ્યું છે કે શિવાજી પાર્કમાં મૉન્સૂન પહેલાં ઘાસ ઉગાડવાનું કહેવાયું છે જેથી મૉન્સૂનમાં એ મજબૂતી પકડી લે. હમણાં જ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં કોલ્ડપ્લેની કૉન્સર્ટ યોજાઈ હતી ત્યારે લૉનવાળા ગ્રાઉન્ડ પર હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા છતાં લૉન ખરાબ નહોતી થઈ.

