વાટાઘાટોના અંતે સ્કૂલ-બસ ઓનર્સ અસોસિએશને ફીવધારાની જાહેરાત કરી જ દીધી
પ્રતીકાત્મક તસવીર
ગયા અઠવાડિયે સ્કૂલ-બસ ઓનર્સ અસોસિએશન (SBOA) દ્વારા સ્કૂલ-ફીમાં વધારો ન થાય એ માટે વાટાઘાટો થઈ હોવા છતાં અંતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હોવાને કારણે સ્કૂલ-બસની ફીમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
SBOAના અધ્યક્ષ અનિલ ગર્ગે સોમવારે સ્કૂલ-બસની ફીમાં જૂન મહિનામાં સ્કૂલ શરૂ થાય ત્યારથી ૧૫ ટકાનો વધારો થશે એવી જાહેરાત કરી હતી. આ પહેલાં થયેલી વાટાઘાટો દરમ્યાન વાલીઓ પર વધુ ફીનો બોજો ન પડે એ માટે પ્રયાસ કરવાની ચર્ચા થઈ હતી, જેમાં સ્કૂલ ઑથોરિટી સાથે સવાર અને બપોર એમ બે સેશનને બદલે એક જ સેશનમાં વિદ્યાર્થીઓને મોકલવા ઉપરાંત ઑનલાઇન ક્લાસિસ જેવા વિકલ્પોની પણ ચર્ચા કરી હતી.
ADVERTISEMENT
૬૫ ટકા ખર્ચ ફક્ત ફ્યુઅલ પાછળ જ થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે ઑપરેટિંગ કૉસ્ટ વધી જતાં આ નિર્ણય લેવાયો હોવાનું અનિલ ગર્ગે જણાવ્યું હતું. સ્કૂલ-બસ ચલાવવામાં ૬૫ ટકા ખર્ચ ફક્ત ફ્યુઅલ પાછળ જ ખર્ચાય છે અને તેથી અમને વધારો કરવાની ફરજ પડી છે એમ તેમણે જણાવ્યું હતું. સ્ટાફના પગાર અને ફ્યુઅલ સહિતનો ખર્ચ પહોંચી વળાય એમ ન હોવાથી સ્કૂલ-બસની ફીમાં ૧૫ ટકાનો વધારો કરવો પડ્યો છે.
