IIT-બૉમ્બેમાં શરૂ થઈ જેન-ઝી થીમ-બેઝ્ડ પોસ્ટલ-સર્વિસ
જેન-ઝી થીમ-બેઝ્ડ પોસ્ટ-ઑફિસ
મુંબઈમાં શરૂ થઈ ગઈ છે જેન-ઝી થીમ-બેઝ્ડ પોસ્ટ-ઑફિસ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના કૅમ્પસમાં મુંબઈની પહેલી જેન-ઝી પોસ્ટલ-સર્વિસ ગઈ કાલથી લોકો માટે શરૂ કરવામાં આવી છે.
આ નવી પોસ્ટ-ઑફિસ ખાસ કરીને યુથ, સ્ટુડન્ટ્સ અને ડિજિટલ નેટિવ્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે. ટેક્નૉલૉજી-સંચાલિત અને યુથ-ફ્રેન્ડ્લી હોવાને લીધે નવી પોસ્ટ-ઑફિસ સાથે તેઓ જોડાશે એવી પોસ્ટ-વિભાગને આશા છે.
ADVERTISEMENT
IIT-બૉમ્બેના વિદ્યાર્થીઓએ સાથે મળીને ડિઝાઇન કરેલી જેન-ઝી થીમઆધારિત પોસ્ટ-ઑફિસમાં ફ્રી વાઇ-ફાઇ, કૅફેટેરિયા-સ્ટાઇલ બેઠક-વ્યવસ્થા, મિની લાઇબ્રેરી, મ્યુઝિક કૉર્નર અને ગ્રાહકોને પાર્સલ અને લૉજિસ્ટિક્સ સેવાઓ વિશે માહિતી આપવા માટે ‘પાર્સલ જ્ઞાન પોસ્ટ’ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બધી સેવાઓ સંપૂર્ણપણે ડિજિટલ, ક્વિક રિસ્પૉન્સ (QR)-આધારિત સિસ્ટમ દ્વારા મેળવી શકાશે.
દિલ્હી, કેરલા, ગુજરાત, બિહાર અને આંધ્ર પ્રદેશમાં જેન-ઝી થીમઆધારિત પોસ્ટ-ઑફિસ કાર્યરત છે. હવે મુંબઈના યંગસ્ટર્સ પણ આ આધુનિક સેવાનો લાભ લઈ શકશે.


