સામાન્ય રીતે વેહિકલ ઑનર મંજૂરી વિના વાહનનો દેખાવ ન બદલી શકે, પરંતુ આ કિસ્સામાં આરટીઓએ રેકૉર્ડમાં ખોટી માહિતી નાખી હતી
ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (બીઈએસટી-બેસ્ટ)ની નવી ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસનો બહારનો કલર રેડ અને બ્લૅક છે, પરંતુ ધ્યાનચૂકને કારણે આરટીઓ રેકૉર્ડમાં ફક્ત રેડ (સિગ્નલ રેડ) કલર નોંધવામાં આવ્યો છે.
એક આરટીઓ અધિકારીએ જણાવ્યા મુજબ ‘જો કોઈ પણ વાહનનો એક્ચ્યુઅલ કલર આરટીઓ રેકૉર્ડ અથવા ‘વાહન’ ડેટાબેઝમાં નોંધેલા કલરથી જુદો હોય તો એને ‘ઑલ્ટરેશન ઇન વેહિકલ’ ગણવામાં આવે છે. આ માટે કોર્ટ મોટર વેહિકલ્સ ઍક્ટ હેઠળ વેહિકલ ઑનરને ૫૦૦૦ રૂપિયા અને મૅન્યુફૅક્ચરર અથવા ડીલરને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારી શકે છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ૬ મહિના પહેલાં ડીઝલ પર ચાલતી જૂની ડબલ-ડેકર બસોનું સ્થાન ઈવી ડબલ-ડેકર બસોએ લીધું હતું.
સામાન્ય રીતે વેહિકલ ઑનર મંજૂરી વિના વાહનનો દેખાવ ન બદલી શકે, પરંતુ આ કિસ્સામાં આરટીઓએ રેકૉર્ડમાં ખોટી માહિતી નાખી હતી અને આ બેદરકારીનો ગંભીર મામલો છે, એવું કેટલાક આરટીઓ અધિકારીઓનું કહેવું છે. અત્યાર સુધીમાં બેસ્ટને અશોક લેલૅન્ડની પેટા-કંપની સ્વિચ મોબિલિટી તરફથી ૨૪ નવી ડબલ-ડેકર બસ મળી છે. પ્રોટોટાઇપનું અનાવરણ ઑગસ્ટ ૨૦૨૨માં કરવામાં આવ્યું હતું.
આ ૨૪ બસમાંથી પ્રથમ નવ બસ થાણે જિલ્લાના વાશી આરટીઓમાં નોંધવામાં આવી હતી, જ્યારે બાકીની બસો મુંબઈમાં તાડદેવ આરટીઓમાં નોંધવામાં આવી હતી.
વાહન ડેટાબેઝ મુજબ આ તમામ બસોનો કલર સિગ્નલ રેડ તરીકે નોંધાયેલ છે. જોકે બસમાં ખરેખર રેડ અને બ્લૅક સ્કીમ છે. બસના ઉપલા અને નીચલા ડેકનો મોટો ભાગ કાળો છે, જ્યારે રૂફટૉપ, નીચલા ડેકનો નીચેનો ભાગ, રિયર સાઇડનો મોટો ભાગ અને ફ્રન્ટ પેનલનો કેટલોક ભાગ લાલ છે.
આરટીઓ અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પ્રથમ ડબલ-ડેકરના રજિસ્ટ્રેશન પહેલાં બસ ઑપરેટરે બસને ફેબ્રુઆરીમાં વાશી આરટીઓમાં અને જૂનમાં તાડદેવ આરટીઓમાં સિનિયર આરટીઓ અધિકારીઓ સમક્ષ નિરીક્ષણ માટે રજૂ કરી હતી. નવા ટ્રાન્સપોર્ટ વેહિકલ્સના રજિસ્ટ્રેશનની જવાબદારી મોટર વેહિકલ ઇન્સ્પેક્ટર્સ (એમવીઆઇ)ની છે.
એક સિનિયર એમવીઆઇએ જણાવ્યું હતું કે ‘કેટલાંક વર્ષો પહેલાં મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કમિશનરે સુપરવાઇઝરી અધિકારીઓને દરેક બસના રજિસ્ટ્રેશન પહેલાં મૅન્યુફૅક્ચરર દ્વારા પૂરી પાડવામાં આવેલ તમામ વિગતોને ક્રૉસ-ચેક કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કિસ્સામાં સંબંધિત એમવીઆઇ અને આરટીઓ ઑફિસની બેદરકારી છે.
વાશી આરટીઓના ડેપ્યુટી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસર હેમાંગિની પાટીલે કોઈ જવાબ આપ્યો નહોતો, જ્યારે તાડદેવ આરટીઓના રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસર ભરત કાલસ્કરે જણાવ્યું હતું કે વાહન ડેટાબેઝમાં ઉલ્લેખિત ‘સિગ્નલ રેડ’ રંગ તેમને હોમોલોગેશન ડેટા દ્વારા પ્રાપ્ત થયો હતો.
એક નિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતું કે ‘જો હોમોલોગેશન ડેટામાં બસના વાસ્તવિક કલર કરતાં અલગ કલર સ્કીમ હોય તો એ તપાસવાની જવાબદારી રજિસ્ટર ઑથોરિટીની છે.’
આરટીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર મોટર વેહિકલ ઍક્ટ હેઠળ, મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ બસોનો રંગ સિગ્નલ રેડ હોવો જોઈએ, પરંતુ હવે અન્ય કલર સ્કીમવાળી બસો પણ રજિસ્ટર કરવામાં આવી રહી છે.


