Mumbai Rains: આગામી કેટલાક કલાકોમાં મુંબઈ અને થાણેમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ (Mumbai Rains) જામેલો છે. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થઇ રહ્યાં છે. અહેવાલો અનુસાર આજે દિવસ દરમિયાન વરસાદ અમુક વિસ્તારમાં યથાવત રહેવાનો છે. જોકે આજે મુંબઈમાં ગરમ અને ભેજવાળું એમ મિશ્ર પ્ર્કારનું હવામાન રહેશે.
હવામાન વિભાગ (આઇએમડી)એ આપેલી માહિતી પ્રમાણે મુંબઈના કેટલાક ભાગો અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Mumbai Rains)ની સ્થિતિ જોવા મળી શકે છે. જોકે ઓગસ્ટ મહિનામાં થોડીક રાહત પણ મળવાના સંકેત છે. આજે સવારે 7:00 વાગ્યે જારી કરવામાં આવેલ અહેવાલ અનુસાર આગામી કેટલાક કલાકોમાં મુંબઈ અને થાણેમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા અઠવાડિયામાં ચોમાસાની તીવ્રતામાં ઘટાડો થયો હતો. જોકે મુંબઈના અમુક ભાગ સહિત કોંકણના દરિયાકાંઠે તો અવિરતપણે મેઘરાજા વરસી રહ્યાં છે.
ADVERTISEMENT
લેટેસ્ટ વેધર રિપોર્ટ પ્રમાણે આજે દક્ષિણ મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા, મરીન ડ્રાઇવ અને કોલાબા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં (Mumbai Rains) પડી શકે છે. તે ઉપરાંત દાદર, સાયન, કુર્લા અને માટુંગા જેવા સેન્ટ્રલ મુંબઈના વિસ્તારોમાં પણ આકાશ વાદળછાયું રહેશે અને છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. બાંદ્રા, ખાર, વિલે પાર્લે અને અંધેરી સહિતના પશ્ચિમી ઉપનગરોમાં પણ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. ઘાટકોપર, ચેમ્બુર અને ભાંડુપ જેવા પૂર્વીય ઉપનગરોને પણ આશિંક રીતે અસર થવાની સંભાવના છે. નવી મુંબઈ અને થાણેમાં, વાશી, નેરુલ, કોપરખૈરાને, ઘણસોલીમાં દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. પાલઘર અને ખાસ કરીને તેના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાંજ પડતાં પડતાં વરસાદનું જોર વધી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાનમાં ભેજની વાત કરીએ તો 75થી 85 ટકાની વચ્ચે ભેજનું સત્ર રહેશે. જે સમગ્ર દિવસ દરમિયાન ખાસ કરીને જ્યારે વરસાદ ન હોય ત્યારે વાતાવરણ ડહોળાવી નાખે છે. લોકો આ સમએ અસ્વસ્થતા અનુભવે છે. પણ આજે તો આકાશ મોટાભાગે વાદળછાયું રહેવાની સંભાવના છે. ક્યારેક સ્પષ્ટ અથવા આંશિક વાદળછાયું બન્યું રહેશે.
અત્યારે તો મુંબઈ માટે કોઈ રેડ કે ઓરેન્જ અલર્ટ (Mumbai Rains) જારી કરવામાં આવેલ નથી, પરંતુ કોંકણ પ્રદેશના કેટલાક ભાગો માટે યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે. કોંકણના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પરિસ્થિતિમાં લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. ખાસ કરીને અસ્થમાના દર્દીઓ અને વરિષ્ઠ નાગરિકોએ કાળજી લેવી જોઈએ. વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને છત્રી અથવા રેઇનકોટ સાથે જ બહાર જવાનું રાખો. સમય સમયે પોતાને હાઇડ્રેટેડ રહેવા માટે પાણી અને હળવા પીણાં લેવાં જોઈએ. આમ તો આજે રસ્તાઓ પર પાણી ભરાવાની શક્યતા ઓછી છે છતાં હળવા વરસાદને કારણે રસ્તાઓ લપસણા થઈ શકે છે, માટે ચાલતી વખતે તકેદારી રાખવી જરૂરી છે.


