બસ, એના આધારે જ પોલીસે પકડી પાડ્યો રીઢા ચેઇન-સ્નૅચરને : ઑનલાઇન કસીનો અને જુગારની લતને કારણે સમૃદ્ધ પરિવારની વ્યક્તિ ચોર બની
ધરપકડ કરવામાં આવેલ આરોપી
ચોર મોટા ભાગે કોઈક મોડસ ઑપરેન્ડીથી ચોરી કરતા હોય છે, પણ પોલીસ એક નાની ભૂલથી આખો કેસ ઉકેલી લેતી હોય છે. આવા જ એક કેસમાં મુંબઈ પોલીસે ચેઇન-સ્નૅચિંગ કરનારા રીઢા ગુનેગારને તેનાં શૂઝ પરથી પકડી પડ્યો હતો. આ ચોર દરેક ચોરી વખતે હેલ્મેટ પહેરતો હતો અને ઓળખાઈ ન જાય એ માટે કપડાં પણ બદલી કાઢતો હતો, પણ તે શૂઝ બદલતો ન હોવાથી પોલીસને બહુ મોટો પુરાવો મળી ગયો હતો.
મુંબઈ અને નવી મુંબઈમાં બનતી ચેઇન-સ્નૅચિંગની ઘટનાઓ બાદ પોલીસે વિવિધ સ્થળેથી લગભગ ૮૦ ક્લોઝ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાની ક્લિપ્સનું વિશ્લેષણ કર્યું હતું. ક્લિપ્સમાં ચોરનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો, પરંતુ દરેક બનાવમાં શૂઝ એકસમાન દેખાતાં હતાં. એના આધારે પોલીસે ચોરને શોધી કાઢ્યો હતો અને સાયન વિસ્તારના રહેવાસી ૪૯ વર્ષના મોહન કોકાટેની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી સુશિક્ષિત અને આર્થિક રીતે સધ્ધર પરિવારનો છે, પણ ઑનલાઇન કસીનો અને જુગારની લતને કારણે દેવાંમાં ડૂબી ગયો હતો. અગાઉ પણ તેની ધરપકડ થઈ હતી. એમ છતાં તેણે ચોરી ચાલુ રાખી હોવાનું પોલીસે કહ્યું હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ આરોપી વિરુદ્ધ મુંબઈમાં ૨૦ ફરિયાદ નોંધાઈ છે. ચેઇન-સ્નૅચિંગ માટે તે ચોરેલા ટૂ-વ્હીલરનો ઉપયોગ કરતો હતો. તેણે નેરુલથી મોટરસાઇકલ ચોરી હતી અને દરેક ઘટના પછી થાણેના તીન હાથ નાકા પાસે એને છોડીને તપાસથી બચવા માટે ઘરે ચાલીને જતો હતો.


